
પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ વિશે આવી રહ્યા છે મોટા સમાચાર. હાર્દિક પટેલ જાતેજ જાહેર કરી ચુક્યા છે કે તે લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે અને સક્રિય રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરશે.

બીજી તરફ 12 મી માર્ચના રોજ ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસની અહમ અને અગત્યની ગણાતી એવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસના તમામ શીર્ષ નેતાઓ હાજર રહેશે. આ દિવસે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડશો અને સભાને સંબોધન પણ કરવા જઇ રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે 12મી માર્ચના ઐતિહાસિક દિવસના રોજ હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થશે અને કોંગ્રેસના બેનર હેઠળ આગામી લોકસભા ચુંટણી પણ લડશે. અને આ માટે લગભગ જામનગર બેઠક નક્કી માનવામાં આવી રહી છે.

હાર્દિક પટેલ આજ ચુંટણી લડવા માટે પહોંચ્યા છે ગુજરાત હાઇકોર્ટના શરણે. હા હાર્દિકે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાર્દિક પર થયેલા કેસમાં તેને આપવામાં આવેલી સજા પર હાલ પુરતો સ્ટે મુકવામાં આવે તેવી અરજી હાર્દિક પટેલે પોતાના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં કરી છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી લડવા માટે આ પ્લાનિંગ કરી રહ્યા છે અને ગુજરાતની વડીઅદાલતની શરણ લીધી છે. વીસનગરની કોર્ટે હાર્દિકને આપેલી સજાના હુકમને હાલ પુરતો મોકૂફ રાખવા માટે હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટ હાર્દિક પટેલને દોષી ગણીને સજા ફટકારી છે. તે સજાના હુકમ પર સ્ટે માટે હાર્દિક ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે.

રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય આટીઘૂંટીનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી લોકસભા ચુંટણીમાં કોઈપણ જાતના અવરોધો અને મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને ચૂંટણી લડી શકાય તે માટે હાર્દિક પટેલ તેમના કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે.

હાર્દિક પટેલે તેમના અવડવોકેટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને દાદ માંગી છે કે વિસનગર કોર્ટ દ્વારા આપેલી સજાનો ચુકાદો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે એટલે કે તેને દોષિત ગણીને જે સજા સાંભળવવા માં આવી છે તેના પર હાલ પૂરતો સ્ટે આપવામાં આવે.