GujaratPolitics

કમલમ માં કકળાટ! ગુજરાત ભાજપ માટે ચાર બેઠકો બની માથાનો દુખાવો! મોદી શાહ કરશે દરમિયાનગીરી?

ગુજરાત માં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત ના રાજકારણમાં ગરમી વધી રહી છે. અને તેમ તેમ ભાજપમાં કકળાટ વધતો જઈ રહ્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે કોંગ્રેસ કાર્યાલય પર જશ્ન છે અને ભાજપ કાર્યાલય પર કકળાટ.

ભાજપ દ્વારા અમુક છોડી બધી જ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે અને ક્યાંક તો જાહેર કર્યા બાદ કાર્યકરોના રોષ વિરોધના પગલે બદલવા પણ પડ્યા છે. કોંગ્રેસ માટે કેટલીક બેઠકો પર ઉમેદવારો શોધવાની પ્રક્રિયા ચાલુ છે.

ભાજપે જાહેર કરેલી કેટલીક બેઠકો પર કકળાટ યથાવત છે. માંડ માંડ વડોદરા બેઠક પર ભાજપ દ્વારા ગૂંચવાયેલું કોકડું સોલ્વ કરવામાં આવ્યું ત્યાં સાબરકાંઠામાં વિવાદ વધારેને વધારે વકરતો જઇ રહ્યો છે. ભાજપના દરેક નેતાઓના પ્રયત્ન છતાં આ વિવાદ સમવાનું નામ નથી લેતો.

હજુ સાબરકાંઠામાં વિવાદને વિરામ નથી મળ્યો ત્યાં રાજકોટ બેઠક પર ભાજપ બેક ફૂટ પર આવી ગઈ છે. રાજકોટ બેઠક પર ભાજપે જાહેર કરેલ ઉમેદવાર અને વરીષ્ઠ નેતા પુરષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને શોભે નહીં અને રાજપૂત સમાજની સોર્યગાથાને ઝાંખપ આપતું નિવેદન કરવામાં આવ્યું હતું.

ભાજપ નેતાના નિવેદન બાદ ચારે બાજુથી રાજપૂત સમાજમાં પુરષોત્તમ રૂપાલા સામે રોષની લાગણી ભભૂકી ઉઠી છે. કેટલાક રાજપૂત નેતાઓ દ્વારા ભાજપ માંથી રાજીનામું પણ આપવામાં આવ્યું છે તેમજ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવાની માંગણી ઉઠી રહી છે.

હજુ સાબરકાંઠા અને રાજકોટનો વિવાદ વિવાદ ઉભો છે ત્યારે અમરેલીમાં પણ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર સામે ભાજપ કાર્યકરો અંદરોઅંદર બાખડી પડ્યા છે. ભાજપના બે મોટા નેતાઓના કાર્યકરો સામસામે આવી ગયા હતા. અમરેલીમાં પણ ભાજપે જાહેર કરેલા ઉમેદવાર બદલવા માંગણી કરવામાં આવી રહી છે.

ભાજપ માટે આ ચાર બેઠકો માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. લોકસભાચૂંટણી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહી છે. ખરેખર આ ચૂંટણીમાં ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ બની રહી છે.

બીજી તરફ કોંગ્રેસમાં ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે કે પ્રદેશ કાર્યાલય પર કકળાટની જગ્યાએ જશ્નનો માહોલ છે. કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર ફટાકડા ફોડી લોકસભાના જાહેર કરાયેલા ઉમેદવારોને વધાવવામાં આવી રહ્યા છે.

ભાજપ માટે બરોડા, સાબરકાંઠા, રાજકોટ અને અમરેલી બેઠક ભારે માથાકુટ સમાન બની રહી છે. જોકે ભાજપ દ્વારા આ બેઠક પર અનેક પ્રકારની ગોઠવણ કરીને મામલો થાળે પડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે ભાજપ સતત બે વખતથી ગુજરાતની 26 માંથી 26 બેઠકો પર કમળ ખિલાવીને દિલ્લી મોકલે છે પરંતુ આ વખતે ભાજપ માટે ગુજરાતની 26 માંથી 26 લોકસભા બેઠક પર જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થઈ રહ્યું છે.

કોંગ્રેસ માટે જે મળે એ લાભમાં જ છે. છેલ્લા બે વખતથી ગુજરાત માંથી કોંગ્રેસના એક પણ લોકસભા સાંસદ નથી એટલે આ વખતે ભાજપની હેટ્રિકને રોકવાનો ચાન્સ કોંગ્રેસ પાસે છે. હાલના રાજકીય વાતાવરણને જોતા કેટલીક બેઠકો પર કોંગ્રેસ ભાજપના વિજય રથને થંભાવી શકવા સક્ષમ દેખાઈ આવે છે.

હવે જોવું જ રહ્યું કે ભાજપ 26 બેઠક પર કમળ ખિલાઈ શકે છે કે નહીં? બીજી તરફ કોંગ્રેસનો પંજો કેટલી બેઠક પર પડે છે અને દિલ્લી તરફ પ્રયાણ કરે છે કેમ? હાલમાં રાજકીય વાતાવરણ અલગ જોવા મળી રહ્યું છે પરંતુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ વાતાવરણ બદલાતું રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!