
‘નાટુ નાટુ’ની તર્જ પર ‘મોદી મોદી’, કર્ણાટકમાં ભાજપનો ચૂંટણી પ્રચાર વીડિયો વાયરલ, આવી રહી છે કોમેન્ટ્સ. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ પ્રચાર વિડિયોમાં ‘RRR’ના ઓસ્કાર વિજેતા ‘નાટુ નાટુ’નું રીમિક્સ! કર્ણાટકમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ વધી રહી છે. મતદારોને રીઝવવા તમામ પક્ષો વિવિધ યુક્તિઓ અપનાવી રહ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર વીડિયો સામે આવ્યો છે, જે તેલુગુ ફિલ્મ ‘RRR’ની ઓસ્કાર વિજેતા ‘નાટુ નાટુ’ની તર્જ પર ‘મોદી-મોદી’ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. ભાજપના પ્રચારનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભાજપે પ્રચારનો વીડિયો જાહેર કર્યો
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા એક પ્રચાર વીડિયોમાં ‘RRR’ના ઓસ્કાર વિજેતા ગીત ‘નાટુ નાટુ’નું રિમિક્સ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ભાજપ સરકારની સિદ્ધિઓને ગણાવવામાં આવી છે. વીડિયોમાં દેખાડવામાં આવેલા લોકો પણ ‘નાટુ નાટુ’ સ્ટેપની નકલ કરતા જોવા મળે છે. ભાજપના પ્રચારનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે જો ભાજપ સિવાય અન્ય કોઈ વિપક્ષી પાર્ટીએ આવો વીડિયો બનાવ્યો હોત તો કોપીરાઇટ નો કેસ લાગી જાત.હવે જ્યારે ભાજપે બનાવ્યું છે તો ભાજપ સામે કેસ કરનાર કોઈ નથી.

જો કે આ પ્રથમ વખત નથી કે ઓસ્કાર વિજેતા ગીતનો રાજકીય અભિયાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય, 2009માં કોંગ્રેસ પાર્ટીએ ઓસ્કાર વિજેતા સ્લમડોગ મિલિયોનેરનું ગીત ‘જય હો’ રિમિક્સ કર્યું હતું અને સામાન્ય ચૂંટણીઓમાં તેનો ઉપયોગ કર્યો હતો. પરંતુ એ વખતે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જય હો સોન્ગ ના રાઇટ્સ ખરીદવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા અહજું સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ભાજપ સત્તાવાર રીતે નાટુ નાટુ સોંગ નો ઉપયોગ કરશે કે નહીં. આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ માટે કર્ણાટકમાં આ વખતે ખૂબ જ અઘરું છે. ભાજપ માટે કર્ણાટક માં જીતવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. જે દરેક ચૂંટણીઓ માં કોંગ્રેસ સાથે થાય છે એવું આ વખતે ભાજપ સાથે કર્ણાટકમાં થયું. ભાજપ ના થોકબંધ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસ દ્વારા રીતસર ભરતી મેળો આયોજિત કર્યો હોય એમ ભાજપ નેતાઓને કોંગ્રેસમાં જોડી રહયા છે. કોંગ્રેસ આ વખતે સિદ્ધરમયા અને ડિકે શિવકુમારના સહારે કર્ણાટક સર કરવા જઈ રહ્યું છે. ભાજપ માટે ડી કે શિવકુમાર મોટી મુસીબત સાબિત થઈ શકે છે અને કોંગ્રેસ માટે તારણહાર સાબિત થઈ શકે છે.
