
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ આજે કર્ણાટકના બિદર અને હુમનાબાદમાં વિશાળ જાહેર સભાઓમાં ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની વાત કરે છે, પરંતુ તેઓ રાજ્યમાં 40% કમિશન, સાબુ કૌભાંડ, પુનઃસ્થાપન કૌભાંડ અને નોકરી કૌભાંડની વાત પર ચૂપ કેમ છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં અનેક સભાઓને સંબોધી હતી. હુમનાબાદમાં ચૂંટણી રેલીને સંબોધતા તેમણે પીએમ મોદી પર સીધો પ્રહાર કર્યો અને અદાણી સહિત અનેક ભ્રષ્ટાચારના મામલાઓ પર જવાબ માંગ્યો.

રાહુલ ગાંધી એ વધુમાં કહ્યું કે છેલ્લી વખત પણ ભાજપે કર્ણાટકમાં અમારી સરકાર ચોરી લીધી હતી. પછીના 5 વર્ષ સુધી તેમણે 40% કમિશન ખાધું. આ વખતે પણ તેઓ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે, તેથી કોંગ્રેસ પાર્ટીને 150 બેઠકો મળવી જોઈએ. રાહુલ ગાંધી એ કહ્યું કે પીએમ મોદી દરેક જગ્યાએ ભ્રષ્ટાચારની વાત કરે છે, પરંતુ કર્ણાટકમાં 40% કમિશન પર તેઓ ચૂપ છે. મૈસુર સેન્ડલ સોપ ભ્રષ્ટાચાર પર મૌન છે. રાજ્યમાં સબ ઈન્સ્પેક્ટરની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે મૌન છે. આસિસ્ટન્ટ પ્રોફેસર નોકરી કૌભાંડ મામલે મૌન છે. મદદનીશ જે.ઇ. નોકરી કૌભાંડ અંગે પણ તેઓ મૌન છે.

રાહુલ ગાંધી એ કહ્યું કે મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા કે મોદીજીનો અદાણી સાથે શું સંબંધ છે? અદાણીને દેશના બંદરો, એરપોર્ટ અને બિઝનેસ કોણ આપી રહ્યું છે? અદાણીની શેલ કંપનીઓમાં કોના 20 હજાર કરોડ રૂપિયા છે? તેના બદલે મોદીજીએ મારું માઈક બંધ કરાવી દીધું અને મને સંસદમાંથી ગેરલાયક ઠરાવ્યો. કોંગ્રેસના નેતાએ પછાત અને અતિ પછાતના વર્ગના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરી અને કહ્યું કે વંચિતોને ખાલી શબ્દોની નહીં, રાજકીય અને આર્થિક શક્તિની જરૂર છે. રાહુલ ગાંધીએ ભાજપ ને આડે હાથ લીધી હતી અને ભાજપ સહિત મોદી સરકારને તાત્કાલીક અસરથી ત્રણ મહત્વના પગલાં ભરવા માંગણી કરી છે.

રાહુલ ગાંધી એ મોદી સરકારને તાત્કાલિક ત્રણ પગલાં ભરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે 2011ની વસ્તી ગણતરીના આંકડા સાર્વજનિક કરીને જણાવો કે દેશમાં કેટલા ઓબીસી છે. અનામતમાંથી 50%ની મર્યાદા દૂર કરો અને દલિતો, આદિવાસીઓને તેમની વસ્તી અનુસાર અનામત આપો. અગાઉ, રાજ્યના બિદરમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બિદર એ બસવન્ના (12મી સદીના સમાજ સુધારક)નું જન્મસ્થળ છે, જેમણે સૌપ્રથમ લોકશાહીની વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે તે દુઃખદ છે કે આજે આરએસએસ અને ભાજપના લોકો સમગ્ર ભારતમાં લોકશાહી પર હુમલો કરી રહ્યા છે. RSS અને BJPના લોકો ભારતમાં નફરત અને હિંસા ફેલાવીને બસવન્નાજીની વિચારસરણી પર પ્રહાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની જેમ ખોટા વચનો નથી આપતા. કોંગ્રેસ જે પણ વચનો આપશે તે સરકાર બનતાની સાથે જ પુરા કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સરકાર બનતાની સાથે જ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ચાર વચનોને પૂર્ણ કરવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના વચન મુજબ, ‘ગૃહ જ્યોતિ’ હેઠળ દર મહિને 200 યુનિટ મફત વીજળી, ‘ગૃહ લક્ષ્મી’ યોજના હેઠળ પરિવારની દરેક મહિલાને દર મહિને 2,000 રૂપિયા, ‘અન્ના ભાગ્ય’ હેઠળ બીપીએલ પરિવારના દરેક સભ્યને દર મહિને 10 કિલો ચોખા. ‘યુવા નિધિ’ હેઠળ બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂ. 3,000 અને ડિપ્લોમા ધારકોને બે વર્ષ સુંધી દર મહિને રૂ. 1,500.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ 40 ટકા કમિશનવાળી ભ્રષ્ટ સરકારને હટાવવાની ચૂંટણી છે. ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે મત આપો. તે જ સમયે, તેમણે કર્ણાટકના લોકોને આ ચૂંટણીમાં કોંગ્રેસને ઓછામાં ઓછી 150 બેઠકો આપવા અપીલ કરી, કારણ કે તેઓ (ભાજપ) ગત વખતની જેમ ફરીથી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરશે. એટલા માટે કોંગ્રેસને પૂર્ણ બહુમતી આપવી ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકની તમામ 224 સીટો માટે 10 મેના રોજ મતદાન થવાનું છે અને મતગણતરી 13 મેના રોજ થશે.