
સમગ્ર દેશમાં કેજરીવાલ આમ આદમી પાર્ટી પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહી છે ત્યારે દિલ્લી અને પંજાબમાં પોતાની સરકાર બનાવી ચુકી છે તો ગુજરાતમાં પણ પોતાનું ખાતું ખોલી ચુકી છે.હવે આમ આદમી પાર્ટીની નજર આગામી લોકસભા ચૂંટણીમાં વધુ ને વધુ બેઠકો જીતીને દેશમાં પોતાનું એક આગવું સ્થાન બનાવવા તરફ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી પાસે લોકલ નેતાઓ નથી એટલે ક્યાંક ને ક્યાંક અન્ય પાર્ટીઓના લોકલ નેતાઓ ને પોતાની પાર્ટીમાં શામેલ કરીને પાર્ટીને મજબૂત કરી રહી છે.

જલંધર લોકસભા પેટાચૂંટણી માટે કેજરીવાલ ની આમ આદમી પાર્ટીએ સુશીલ રિંકુને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેઓ 24 કલાક પહેલા જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ફગવાડામાં એક કાર્યક્રમમાં રિંકુને AAPમાં સામેલ કર્યા હતા. જલંધર લોકસભા પેટાચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ જલંધરમાં સામાન્ય લોકોમાં સારી પકડ ધરાવતા સુશીલ રિંકુના રૂપમાં આવા ઉમેદવારની પસંદગી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટી સુશીલ રિંકુના સંપર્કમાં હતી. 2022ની રાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત છતાં, AAP પાસે અન્ય પરંપરાગત પક્ષોની જેમ વિશાળ કેડર બેઝ નથી.

કોણ છે સુશીલ રિંકુ?
સુશીલ રિંકુએ 2012 માં જલંધર પશ્ચિમ મતવિસ્તારમાંથી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ત્રણ વખતના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન ભગત ચુન્ની લાલના પુત્ર ભાજપના મહિન્દર પાલ ભગતને 17,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2022ની ચૂંટણીમાં, રિંકુને AAP ઉમેદવાર શીતલ અંગુરાલ દ્વારા 4,254 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

સુશીલ રિંકુ (47) તેમના વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં ખૂબ સક્રિય છે. 1990માં તેઓ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના સક્રિય સભ્ય હતા અને 1992ની વિધાનસભા ચૂંટણીથી બૂથ સ્તરના કાર્યકર તરીકે કામ કર્યું હતું. 2006માં તેઓ જલંધર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તેઓ 2,500 મતોની સરસાઈથી જીત્યા હતા. તેમણે શહેર આધારિત અનેક પ્રોજેક્ટ્સમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

તેમનો પરિવાર ચાર દાયકાથી વધુ સમયથી કોંગ્રેસ પક્ષની સેવા કરી રહ્યો છે, તેમના પિતા અને કાકા કોંગ્રેસની પાર્ટીમાં ખૂબ સક્રિય છે. તેમના પિતા સ્વર્ગસ્થ રામ લાલ પણ 1997 અને 2002માં જલંધર કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. રિંકુની પત્ની સુનીતા રિંકુ પણ 2007માં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી હતી. સુશીલ રિંકુ ડીએવી કોલેજ જલંધરમાંથી સ્નાતક થયા છે. 1994માં તેઓ તેમની કોલેજના શ્રી ગુરુ રવિદાસ કલ્ચરલ સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.