IndiaPoliticsVoice

લોકતાંત્રિક ચૂંટણીઓ માં નબળા કે સબળા દેખાવ માટે નેતાઓ કે સંગઠન નહી પરંતુ લોકમાનસ જવાબદાર હોય છે

સ્નેહી મિત્રો,
આપણી લોકતાંત્રિક ચૂંટણીમાં કહેવાતી હાર અને જીતની ખોટી અને ગુલામીની માનસિકતા વાળી માન્યતા ઘર કરી ગઇ છે. તેવી જ એક બીજી બાબત કહેવાતા જીતેલા નેતા અને પક્ષની અહો રૂપમ અહો ઘ્વનિ વાળી વિવેક વગરની પ્રશંસા અને કહેવાતા હારેલા નેતા અને પક્ષની વિવેક વગરની ધિક્કાર અને નફરત જન્ય આલોચના થતી જોવા મળે છે. જે પણ એક ચવાઈને ચુથ્થો થઈ ગયેલી સમજણ વગરની અને અર્થ વગરની ખુશામત વૃત્તિ અથવા ભડાશ કાઢવાની મનોવૃત્તિ રૂપે જોવા મળે છે.

લોકતાંત્રિક ચૂંટણીમાં લોકો જે પહેલી પસંદગી ના, બીજી ત્રીજી કે ચોથી પસંદગીના મત આપે છે તેના સારા-નરસા પાસા તપાસવાની જગ્યાએ આપણી પહેલી પસંદગીના મત મેળવનાર ઉમેદવાર અને તેના પક્ષની તેમજ તેના નેતાઓની ભ્રામક પ્રશંસામાં પડી જઈએ છીએ અને બીજી ત્રીજી કે ચોથી પસંદગીના મતો મેળવનારા ઉમેદવારો અને તેમના પક્ષની તથા તેમના નેતાઓની ખોટી અને ભ્રામક ટીકાઓ તથા કહેવાતી નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવાની કુટેવમાં સરી પડીએ છીએ.

આપણે લોકતાંત્રિક ચૂંટણીમાં ભાગ લઈએ ત્યારે પહેલી સમજ એ કેળવવાની જરૂર છે કે આ કોઈ જયપરાજય નો સંગ્રામ નથી. આ કોઈ સત્ય અને અસત્ય વચ્ચેનો સંગ્રામ નથી. આ કોઈ સંત અને શેતાન વચ્ચેનો સંગ્રામ નથી. આ માત્ર જનપ્રતિનિધિ પસંદ કરવાનું પર્વ છે.

હજારો વર્ષની સામાજિક ગુલામી અને સેંકડો વર્ષ ની રાજ્ય ગુલામીમાંથી મુક્ત થયેલા ભારત દેશમાં અને ભારતીય લોકશાહીમાં લોકો દરેક ક્ષેત્રમાં તેવી જ રીતે લોકતાંત્રિક ચૂંટણીમાં પણ વ્યક્તિની યોગ્યતા અને પક્ષની વિચારધારાને અવગણીને પોતાના જ્ઞાતિગત સામાજિક વર્ચસ્વને પ્રસ્થાપિત કરવા માટે મતદાન કરે છે. આ વાત સૌથી જૂની લોકશાહી અમેરિકા માટે પણ સાચી છે અને સૌથી મોટી લોકશાહી ભારત માટે પણ સાચી છે.

ભારતીય સ્વાતંત્ર સંગ્રામમાં અને ભારતીય લોકતંત્રમાં જ્યારથી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જનવાદી રાજ્યવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા નિર્માણ કરવા માટેની શરૂઆત કરી છે ત્યારથી જ જનવાદી કોંગ્રેસની વિચારધારા અને પ્રત્યાઘાતી સ્થાપિત જાતિવાદી સંઘ પરિવારની વિચારધારા વચ્ચે રાજકીય વર્ચસ્વ અને સામાજિક વર્ચસ્વ ટકાવી રાખવાનો સંઘર્ષ ભારતીય રાજનીતિમાં ચાલી રહ્યો છે.

કોંગ્રેસ પોતે મધ્યમાર્ગી અને સર્વ સમાવેશક માનવવાદી વિચારધારા ધરાવે છે તેની સામે બીજા બધા જ પક્ષો એક યા બીજા પ્રકારની તીક્ષ્ણ જાતિવાદી કોમવાદી પ્રાંતવાદી અત્યાંતિક સંકીર્ણ અને સંકુચિત વર્ગીય વર્ચસ્વનું રાજકારણ કોંગ્રેસ સામે ખેલી રહ્યા છે.

જાતિવાદી, કોમવાદી અને પ્રાંતવાદી જમણેરી મૂડીવાદી સ્થાપિત માનસિકતા ધરાવતા હોય છે અને તેમની પાસે વાસ્તવિક જનાધાર હોતો નથી. એટલે આવા પરિબળોએ બહુમતી જનાધાર પ્રાપ્ત કરવો હોય તો જાતિવાદ કોમવાદ પ્રાંતવાદના વિષના વાવેતર કરવા જ પડે. અને તેઓ કરે છે. બીજી બાજુ આ પરિબળો અનૈતિક રીતે પોતાનો જનાધાર ટકાવી રાખવા માટે અને વિકસાવવા માટે બધા જ પ્રકારની વહીવટી સેવાઓ ઉપર પોતાનું નિયંત્રણ ઉભું કરે છે. નાનામાં નાની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓ થી લઈ ન્યાયતંત્ર સુધી બધું જ પોતાની દિશામાં વાળે છે.

૬ ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ થી જાતિવાદી અને કોમવાદી પરિબળોનું ભારતીય રાજનીતિ પર કુત્રિમ વર્ચસ્વ ઊભું થયું છે અને જે આજ દિન સુધી સતત વધતું રહ્યું છે. જેની અસર મધ્ય માર્ગી સર્વ સમાવેશક માનવવાદી કોંગ્રેસની વિચારધારા પર અને કોંગ્રેસના સંગઠન પર પડી છે જેને કારણે કોંગ્રેસ નબળી પડી છે.

ગુજરાત કોંગ્રેસના બધા જ નેતા અને ભારત દેશના બધા જ કોંગ્રેસી નેતાઓ સાપેક્ષ રીતે સજ્જન અને સારા છે. નેતાઓના નેતૃત્વમાં કોઈ ખોટ મને દેખાતી નથી. પરંતુ ભારતીય સમાજ વ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ઉપર જે રીતે કોમવાદી અને જાતિવાદી પરિબળોનું વર્ચસ્વ ઊભું થયું છે , તેમજ આ પરિબળોએ સમાજના વ્યાપક વર્ગને જે રીતે પોતાના વર્ગીય વર્ચસ્વ માટે ગેરમાર્ગે દોર્યા છે તે જોતા આજના સમયમાં મહાત્મા ગાંધી ,પંડિત નહેરુ અને સરદાર પટેલ પણ ચૂંટણીમાં પ્રથમ પસંદગીના મતો મેળવી શકે નહીં.

કોંગ્રેસના કાર્યકરોએ આ વાસ્તવિકતા સ્વીકારીને. યોજાતી રહેલી ચૂંટણીમાં લોકોની માનસિકતાનું વિશ્લેષણ કરતા રહીને તેમજ તે અંગેનું જરૂરી રાજકીય પ્રશિક્ષણ કરતા રહીને કામ કરતા રહેવાની જરૂર છે. કોંગ્રેસના નેતાઓ ને ચૂંટણીમાં કોંગ્રેસ નબળો દેખાવ કરે તે માટે જવાબદાર ઠેરવવાની જરૂર નથી. એ મૂર્ખાઈ ભરેલો વ્યાયામ પુરવાર થશે.

આપણે ત્યાં નેતાઓનું મૂલ્યાંકન પણ જાતિવાદી વર્ગીય વર્ચસ્વના દ્રષ્ટિકોણથી થતું હોય છે. જે પણ તંદુરસ્ત અભિગમ નથી. વળી લોકતાંત્રિક ચૂંટણીમાં કોઈપણ કાર્યકર કે નેતા ચૂંટણી માં મતો મેળવવાનું કે મતો ગુમાવવાનું સામર્થ્ય ધરાવતો હોતો નથી. એતો જે તે સમયે પ્રજાની માનસિકતાનો વિશેષાધિકાર જ બનતો હોય છે.

અલબત્ત લોકતાંત્રિક સમાજ વ્યવસ્થાના કાયમી લઘુમતીમાં રહેનારા જમણેરી ક્રિમિનલ કોમવાદી મૂડીવાદી પ્રત્યાઘાતી પરિબળો કુત્રિમ રીતે જનાધાર પ્રાપ્ત કરવા માટે પ્રજાકીય જનાધારને દુષિત કરવામાં કે ભ્રષ્ટ કરવામાં કે ખરીદ વેચાણ કરવામાં સાતત્યપૂર્વક પ્રવૃત્ત રહેતા હોય છે.

કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરએ પોતાના નેતાઓના ચારિત્ર્ય ખંડન અને ચારિત્ર પૂજનના વ્યવસાયમાં પડ્યા વગર જમણેરી ક્રિમિનલ કોમવાદી મૂડીવાદી પ્રત્યાઘાતી પરિબળો તેમજ તેમના જાતિવાદી અને કોમવાદી
ષડયંત્રથી પ્રજાને વાકેફ કરવા માટે સાતત્યપૂર્વક ફિલ્ડવર્ક કરતા રહેવાની જરૂર છે.

મહાત્મા ગાંધી દીર્ઘદ્રષ્ટા હતા, ભારતીય સમાજ વ્યવસ્થાને સમજતા હતા, આઝાદી પછી ભારતના જાતિવાદી પરિબળો અને કોમવાદી પરિબળો પ્રજાને કેવી રીતે ગેરમાર્ગે દોરીને પોતાના વર્ગીય વર્ચસ્વ માટે ભારતીય લોકતંત્ર માટે સમસ્યા ઉભી કરશે તેનાથી વાકેફ હતા. તેથી જ તેમણે કોંગ્રેસને લોકસેવક સંઘમાં રૂપાંતરિત કરી લોકોની વચ્ચે રહીને પ્રશિક્ષણ કરવાનું કહ્યું હતું.

કોંગ્રેસની ભૂલ એ થઈ છે કે તેણે લોકોની વચ્ચે રહીને લોકોનું રાજકીય અને સામાજિક પ્રશિક્ષણ કર્યા વગર માત્ર સત્તા સંભાળી જેને કારણે 40 વર્ષ સુધી આપણે ટકી શક્યા પરંતુ હવે આપણે નબળા પડ્યા છે ત્યારે ગાંધીજીની વાત સમજીને કાર્યકરોનું અને લોકોનું પ્રશિક્ષણ શરૂ કરવાની જરૂર છે. નેતાઓની ભાડણ લીલા કરવાની જરૂર નથી.

કોંગ્રેસના કાર્યકરે અને નેતાએ એક બાજુ નેહરુ સરદારની સલાહ માનીને રાજકારણમાં ટકી પણ રહેવાનું છે અને બીજી બાજુ ગાંધીજીની સલાહ માનીને લોકોની વચ્ચે રહીને લોકોનું પ્રશિક્ષણ કરતા રહેવાનું છે.

ગાંધીજીની સલાહ સ્વીકારીને કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસનો નેતા લોકોની વચ્ચે રહીને લોકોનું પ્રશિક્ષણ કરશે તો જ રાજકારણમાં અને સમાજમાં પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે…….. બાકી દિલ્હીમાં કે ગાંધીનગરમાં બેઠા બેઠા રાજનીતિ કરવાના દિવસો પુરા થયા છે.

ઉત્તમ પરમાર, કોંગ્રેસ પુત્ર

Show More

Related Articles

Back to top button