IndiaPoliticsVoice

લોકતાંત્રિક ચૂંટણીઓમાં હાર કે જીત જેવું કશું જ હોતું નથી : ઉત્તમ પરમાર

સ્નેહી મિત્રો,
મારી ૬૫ વર્ષની ઉંમર દરમિયાન એક બાબતનું મને હંમેશા આશ્ચર્ય રહેતું આવ્યું છે કે આપણા રાજકીય પક્ષો અને રાજકીય કાર્યકરો લોકતાંત્રિક ચૂંટણીને”હાર અને જીતની” પરિભાષામાં શા માટે મૂલવતા હોય છે? અને એવી માનસિકતાના આધારે શા માટે મિથ્યાભિમાની ઘમંડ સેવતા હોય છે અથવા નિરાશાવાદી અને હતાશા વાદી વિલાપો કરતા હોય છે?

ચૂંટણી એ તો લોકતંત્રનું એક પર્વ છે. એ પર્વ દરમિયાન સઘન રીતે લોકોની વચ્ચે જઈ ને લોકતાંત્રિક મૂલ્યોનું પ્રશિક્ષણ કરવાનું હોય છે. એ પ્રશિક્ષણને આધારે અને આપણી વિચારધારાને આધારે લોકો આપણને પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ પંક્તિના મતો આપે છે. જેને પ્રથમ પંક્તિના મતો મળે છે તેણે સંસ્થાનો,રાજ્યનો કે દેશનો વહીવટ સંભાળવાનો છે. જેમને દ્વિતીયથી લઈને અંતિમ પંક્તિના મતો મળ્યા હોય તેમણે લોકોની વચ્ચે જઈને લોક પ્રશ્નોને ઉજાગર કરવાના હોય છે અને લોકોને લોકતંત્ર માટે જાગ્રત કરવાના હોય છે. તેમજ જેમને વહીવટ કરવાની સત્તા સોંપી છે તેના ઉપર સાતત્યપૂર્વક લોકતાંત્રિક મૂલ્યોના અધિષ્ઠાન પર પ્રશ્ન કરતા રહેવાનું હોય છે. જરૂર પડે તો લોક આંદોલન પણ કરવાની જવાબદારી સંભાળવાની હોય છે.

આટલી સમજણ સાથે જો આપણે નાગરિક ધર્મ સંભાળતા હોઈએ, જાહેર જીવન જીવતા હોઈએ કે રાજનીતિમાં ભાગ લેતા હોઈએ તો પછી લોકતંત્રના આ ચૂંટણી પર્વમાં જીતી ગયાનો ઘમંડ અને હારી ગયાની હતાશા ક્યાંથી આવે ?

લોકતાંત્રિક સંસ્થાઓની ચૂંટણીમાં જીતવાની માનસિકતા અને હરાવી દેવાની માનસિકતા સાથે જો આપણે ભાગ લેતા હોઈએ તો મારી દ્રષ્ટિએ આપણે લોકતંત્રના સૌથી મોટા દુશ્મનો છીએ. જીત અને હારની માનસિકતા સાથે જે લોકો રાજકારણમાં ભાગીદાર બને છે તે ખરેખર ગુલામીની માનસિકતાનું પ્રદર્શન કરે છે.

ગુજરાત જેવા જમણેરી મૂડીવાદી રાજ્યમાં સામ્યવાદી પક્ષનો કાર્યકર ક્યારેય ચૂંટણીમાં પ્રથમ પસંદગીના મતો મેળવતો નથી છતાં આખી જિંદગી પોતાની વિચારધારાને વફાદાર રહીને પોતાનું જાહેરજીવન આનંદપૂર્વક અને સક્રિયતા પૂર્વક જીવતો જોવા મળે છે.

હું કોંગ્રેસ પુત્ર છું. અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાને મારી નાગરિક અધિકારોની જનેતા તરીકે ઓળખું છું અને ઓળખાવું છું. હું કોંગ્રેસી વિચારધારાનું સતત પ્રશિક્ષણ કરતો રહું છું. ચૂંટણી વખતે કોંગ્રેસ માટે પ્રશિક્ષણ પણ કરું છું પરંતુ જ્યારે પણ કોંગ્રેસને પ્રથમ પસંદગીના મતો મળ્યા નથી અને કોંગ્રેસને લોક પ્રશિક્ષણ કરવાનો જનાદેશ મળ્યો છે ત્યારે મને કોઈ હતાશા થઈ નથી કારણ કે રાજકારણમાં ભાગ કેવી રીતે લેવો જોઈએ તેના માટેનો મારો આદર્શ સામ્યવાદી પક્ષનો કાર્યકર છે, સામ્યવાદી પક્ષના ઉમેદવાર છે, સામ્યવાદી પક્ષનોનેતા છે.

દરેક રાજકીય પક્ષના કાર્યકરે ભારતીય લોકતંત્રની રાજનીતિમાં ભાગ લેતા પહેલા એક સંસ્કાર અને એક સમજણ એ કેળવવાની છે કે લોકતંત્રની ચૂંટણીમાં
“હાર અને જીત” શબ્દ એ ગુલામીની માનસિકતા છે અને એ માનસિકતાથી દૂર રહેવું જોઈએ. એવી માનસિકતા ધરાવનારે લોકતાંત્રિક રાજનીતિમાં ભાગ જ ન લેવો જોઈએ..

ઉત્તમ પરમાર, કોંગ્રેસ પુત્ર

Related Articles

Back to top button
આજનું રાશિફળ!