ગત 10મી માર્ચે ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના વિધાનસભા પરિણામો આવ્યા જેમાં ભાજપ 4 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી સાથે જીત્યું ભલે ભાજપનો વોટશેર ઘટ્યો પણ ચાર રાજ્યોમાં સરકાર તો ભાજપ જ બનાવશે. તો પંજાબ માં પહેલીવાર આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે એ પણ પ્રચંડ બહુમત સાથે. આ સાથે જ આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી બની છે જે ની એક કરતાં વધારે રાજ્યોમાં સરકાર હોય. આ તમામ ચર્ચાઓ ગુજરાત વિધાનસભામાં ચાલતી હતી અને ભાજપના ધારાસભ્યો એક બીજાને શુભેચ્છાઓ આપતાં હતા. ત્યારે ભાજપ ગેલમાં આવી ગયું હતું અને વિપક્ષને પણ કાંકરીચાળો કરી આવ્યું. ભાજપે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યને છેડવાનો મસ્ત મોકો મળ્યો હતો અને છોડે કેમનો!!

હાલમાં ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. અને ગત 10 તારીખે પાંચ રાજ્યોના પરિણામ પણ આવ્યા અને પાંચ માંથી ચાર રાજ્યોમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. પાંચ રાજ્યોમાં પ્રચંડ વિજય થતાં ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્યો પ્રશ્નોતરી કાળમાં પણ એક બીજાને અભિનંદન પાઠવતા હતાં. અને વિપક્ષ ને કાંકરીચાળો કરતાં હતાં. આ જોઇને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે પણ ભાજપ સરકારને અને પૂર્વ મંત્રીઓને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, ચૂંટણી જીત્યા તે બદલ ખુબ ખુબ શુભેચ્છા. ભાજપના કાંકરીચાળા બાદ કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર માત્ર અભિનંદન આપ્યા બાદ અટક્યા નહીં. પરંતુ ભાજપની મઝા લેવા ગયા. ભાજપ પણ તૈયાર જ હતું કે સામેથી પણ કઈંક આવે.

ત્યારે કોંગ્રેસ નેતા અને વિધાનસભામાં ઉપનેતા અને દાણીલીમડાથી ધારાસભ્ય શૈલેષ પરમારે તેમની આગવી સ્ટાઇલ માં આગળ કહ્યું કે, “ભાજપનું દિલ્હીનુ નેતૃત્વ વધુ મજબુત બન્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નો રિપીટ થયરી લાગુ કરવા જઇ રહી છે ત્યારે અમે ઇચ્છીએ આવુ ન થાય.” કહીને શૈલેષ પરમારે મીઠા સાથે જબરદસ્ત ચાબખો મારી દીધો સમગ્ર ગૃહમાં હાસ્ય નું મોજું ફરી વળ્યું અને ભાજપના સિનિયર ધારાસભ્યો તેમજ રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓ લાલચોળ થઈ ગયા. આ સાંભળીને કોંગ્રેસના ધારાસભ્યો ગેલમાં આવી ગયા અને હસવા લાગ્યા બીજી તરફ ભાજપના જુનિયર નેતાઓ અને હાલના મંત્રીઓ કશું પણ બોલવા માંગતા નોહતા.

ત્યારે તમામ સિનિયર નેતાઓ તરફ અચાનક ભાજપના સિનિયર મોસ્ટ અને પૂર્વ શિક્ષણમંત્રી પોતાની જગ્યા પર ઉભા થઇ ગયા અને શૈલેષ પરમાર ને જવાબ આપવા લાગ્યા. પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ નેતા અને વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર ને જવાબ આપતાં કહ્યું કે, “તમે એટલું તો માનો છો ને કે, અમે અહીં જ બેસવાના છીએ!?” ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના જવાબ બાદ સમગ્ર ભાજપના ધારાસભ્યો ગેલમાં આવી ગયા અને બેન્ચ થપથાપાવીને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું સમર્થન કર્યું બીજી તરફ પૂર્વ શિક્ષણમંત્રી નો જવાબ સાંભળીને કોંગ્રેસ નેતાઓ લાલચોળ થઈ ગયા ભાજપ ધારાસભ્યો હસવા લાગ્યા. ગૃહનું વાતાવરણ હળવાશ ભર્યું જ હતું.

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જવાબ સાંભળીને ભાજપના ધારાસભ્યો હસતાં હતા અને કોંગ્રેસના કોઈ ધારાસભ્ય કંઈ વિચારે એ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટલ ઉભા થઇ ગયા અને પૂર્વ શિક્ષણમંત્રીને જવાબ આપતાં કહ્યુંકે, “સાહેબ, તમે ઘેર બેસો એ સારું ન લાગે એટલે.” કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલનો જવાબ સાંભળીને ભાજપ ના સિનિયર ધારાસભ્યો ચોંકી ગયા અને ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો બેન્ચ થપથપાવીને નિરંજન પટેલને સમર્થન આપીને હસવા લાગ્યા. ત્યારે ભાજપના ધારાસભ્યો પણ નિરંજન પટેલ ની ટીખળ અને રમૂજ ને સાંભળી ને હતું રોકી ના શક્યા અને તેઓ પણ હસવા લાગ્યા. ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. પરંતુ હસતાં હસતાં કોંગ્રેસના ધારાસભ્યો એ ભાજપ ની દુઃખતી રગ પર હાથ મૂકી દીધો.



