નોટબંધી અને રાફેલ સોદા પર ગુરુવારે એ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે, પીએમ મોદીએ જાણી જોઈને કેટલાક ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે નોટબંધી અને રાફેલ સોદો કર્યો.
નોટબંધી પર આરબીઆઇના આંકડા જાહેર થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધીનો કોઈ ફાયદો નથી થયો પરંતુ નોટબંધી એક ઘોટાળો છે.
નોટબંધી પર માફી માંગવાના સવાલ પર એમણે જણાવ્યું કે માફી ત્યારે માંગવાની હોય જ્યારે ભૂલ થાય. પરંતુ પીએમ મોદીએ નોટબંધી જાણી જોઈને લાગુ કરી હતી. નાના દુકાનદારોને બરબાદ કરીને મોટી કંપનીઓ અને ઉદ્યોગકારો કારોને મદદ કરવીએ નોટબંધીનું લક્ષ્ય હતું. એજ મોટા લોકોના પૈસાથી મોદીજીનો ફોટો ટીવીમાં આવે છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીજીએ દેશને વાયદો કર્યો હતો કે નોટબંધીથી કાળું નાણું ખતમ થઈ જશે, નકલી નોટ બંધ થઈ જશે, આતંકવાદીઓ પર લગામ લાગશે, પણ થયું શું દેશની જનતાના ખિસ્સા માંથી પૈસા કાઢીને અમુક ઉદ્યોગપતિઓના ખિસ્સામાં મુકવામાં આવ્યા એટલુંજ નહીં નોટબંધીના સમયમાં મોટા પ્રમાણમાં કાળું નાણું સફેદ કરવામાં આવ્યું એનું ઉદાહરણ ગુજરાતની બેંક છે. અમિત શાહ જે બેંકના ડિરેક્ટર છે એમાં 700 કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી.
એમણે આગળ જણાવ્યું કે, 70 વર્ષમાં જે કોઈએ ના કર્યું એ મોદી સરકારે કરી બતાવ્યું. નોટબંધી લાગુ કરીને દેશની અર્થવ્યવસ્થાની ધજ્જીયાં ઉડાવી દીધી. પીએમ મોદી યુવાનો, નાના વ્યાપારીઓ અને ધંધાદારીઓને જણાવે કે આવું તેમણે કેમ કર્યું?
રાફેલ સોદા પર નાણાં મંત્રી અરુણ જેટલીને આપેલી ચેલેન્જ પર વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ પર જેપીસી બનાવીલો બધુંય સામે આવી જશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અનિલ અંબાણી 45,000 કરોડના દેવામાં છે અને એજ દેવામાંથી બહાર લાવવા માટે એમના હકમાં આ સોદો કરવામાં આવ્યો છે. એમણે ભારત અને ફ્રાન્સના સંયુક્ત નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેવીરીતે આ પૂરો સોદો ભારતના હિતોના વિરુદ્ધમાં છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર વારંવાર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે, નોટબંધી હોય કે ખેડૂતોના મુદ્દા હોય કે પછી બુલેટ ટ્રેન હોય પીએમ મોદી હંમેશા ખોટું બોલતાં આવ્યાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદી રાફેલ સોદામાં અનિલ અંબાણીની મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આના પર પણ એ ખોટું બોલી રહ્યા છે અને એમના રક્ષામંત્રી પણ ખોટું બોલી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અનિલ અંબાણીએ આખી કોંગ્રેસ પાર્ટી પર માનહાનીનો કેસ કર્યો છે પણ માનહાનીના કેસથી સચ્ચાઈ બદલાઈ નઈ જાય. જેટલા માનહાનીના કેસ કરવા હોય એટલા કરી લેજો. પરંતુ સાચી વાત તો એ છે કે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોચાડવા માટે પીએમ મોદીએ રાફેલ ઘોટાળો કર્યો છે.



