GujaratPolitics

પક્ષ પલટુંઓના નામ લીક થતા નથી, પરંતુ પરીક્ષાના પેપર વારંવાર ફૂટે છે!!

વિધાનસભામાં ચર્ચા દરમિયાન બજેટ પર પ્રતિક્રિયા આપતા આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, માનનીય શ્રી નીતિનભાઈએ ૯-૯ વખત આ ગૃહમાં બજેટ રજુ કર્યું હતું અને ચાલુ વર્ષે પ્રથમ વખત માનનીય કનુભાઈને બજેટ રજુ કરવાની તક મળી છે ત્યારે ૩ માર્ચે બજેટ રજુ થયું અને એ દિવસે સાંજે સેક્ટર ૨૧ માં ચાની કીટલી પર અમે મુલાકાતે ગયા તો ત્યાં વિદ્યાર્થીઓ બેઠા હતા, નાના વેપારીઓ બેઠા હતા, મધ્યમ વર્ગના લોકો બેઠા હતા, ખેડૂત વર્ગના લોકો બેઠા હતા તો ત્યાં એ બધાને પૂછ્યું કે, આ બજેટ કેવું લાગ્યું? તો બધાનો અભિપ્રાય સાંભળવા મળ્યો અને વિદ્યાર્થીઓએ એમ કહ્યું કે આ જોબલેસ બજેટ છે, વેપારીઓએ એવું કહ્યું કે આ ગ્રોથલેસ બજેટ છે અને ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોએ કહ્યું કે, આ હોપલેસ બજેટ છે.

આ જોબલેસ, ગ્રોથલેસ અને હોપલેસ બજેટ પર મારા વિચારો વ્યક્ત કરું છું. ગત વર્ષે ૨ લાખ ૨૭ હજાર કરોડનું બજેટ હતું અને ચાલુ વર્ષે ૨ લાખ ૪૪ હજાર કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતા બજેટમાં રકમ ચોક્કસ વધી પણ સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે આવક વધવા છતાં રાજ્યનું દેવું અનેકગણું વધ્યું છે. અત્યારે રાજ્યનું દેવું ૩ લાખ ૫૦ હજાર કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. એક એક ગુજરાતીને માથે અત્યારે ૬૫ હજાર રૂપિયાનું દેવું લઈને જીવવું પડે એવા દિવસો આવ્યા છે અને હવે જે ગતિથી આ વહીવટ ચાલે છે અને બજેટના આંકડા છે એ જોતા સ્પષ્ટ છે કે આવતા ત્રણ વર્ષમાં હજુ ૧ લાખ કરોડ રૂપિયાનું દેવું વધવા જઈ રહ્યું છે.

ટેક્સની આવકમાં ૧૭ ટકા રકમ ફક્ત અને ફક્ત દેવાના વ્યાજને ચૂકવવા પાછળ જાય છે અને ચાલુ વર્ષે પણ બજેટ જે રીતે આવ્યું છે, સરકારની જે મનછા છે તે જોતા ચાલુ વર્ષે પણ ૫૧ હજાર કરોડ રૂપિયાનું દેવું વધારવાની તૈયારી સરકાર કરી ચુકી છે ત્યારે સરકારની  માનીતાઓને માલામાલ કરવાની અને ગુજરાતને પાયમાલ કરવાની નીતિ બજેટ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ખેડૂતોના મુદ્દાને લઈને શ્રી અમિત ચાવડા એ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “સરકારની નીતિઓને કારણે આજે ગુજરાતમાં પૈસાદાર વધુ પૈસાદાર બનતો જાય છે, મધ્યમ વર્ગ ગરીબ બનતો જાય છે અને ગરીબ છે તે આજે દેવાદાર બનતો જાય છે.

અને તેના જ કારણે આજે રાજ્યમાં જે કુલ આવક છે તેની ૧૮ ટકા આવક ખેતી અને ખેતી ક્ષેત્રમાંથી મળે છે, ત્યારે બજેટને ખેડૂતોએ હોપલેસ એટલા માટે કહ્યું કે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે જયારે ખેતી અને ખેડૂતો રાજ્યની આવકનો ૧૮ ટકા હિસ્સો આપતા હોય તો બજેટમાં પણ તેમને સપ્રમાણ હિસ્સો મળશે પણ ખેડૂતો નિરાશ થાય કે બજેટમાં ફક્ત ૩.૨૩ ટકા ખર્ચ આ ખેતી અને ખેડૂતો માટે કરવાની વાત થઇ છે. એક તરફ વડાપ્રધાન શ્રી ૨૦૨૨ માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતા હોય અને બીજીતરફ બજેટમાં તેવી કોઈ વિશેષ જોગવાઈ જ ના હોય ત્યારે જેમ અગાઉ ચૂંટણી વખતે ગુજરાતને થપ્પડની જાહેરાતો આપવામાં આવતી એ વખતના બજેટનો અભ્યાસ કર્યો તો કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને ખાસ કરીને ખેડૂતો માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે યોજનાઓ આપવામાં આવે છે તેમાં ખુબ મોટો ઘટાડો થયો છે.

ત્યારે મારી માનનીય નાણામંત્રીશ્રી બહાર ગયા છે તેમને વિનતી છે કે પૂરક માંગણી લાવી અને આ થપ્પડની જાહેરાત ફરી લાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવે. આ ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દેવાદાર બન્યા છે. જૂન-૨૦૧૯ માં એક સર્વેનો રીપોર્ટ આવ્યો હતો તે મુજબ ગુજરાતના ખેડૂતોના માથે ૮૮ હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને તેમાંથી ૪૯ હજાર કરોડ રૂપિયાનું દેવું તો ફક્ત પાક નિષ્ફળ જવાના કારણે છે અને બાકીનું દેવું સાધનોની ખરીદીઓના કારણે છે. જયારે ગુજરાતનો ખેડૂત દેવાદાર હોય અને સરકાર પાસે અપેક્ષા રાખતો હોય ત્યારે આ ખેડૂતોને દેવામાંથી બહાર લાવવાની એક પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી.

ખાસ કરીને એક મોટો સમૂહ કે ગુજરાતમાં ૬૦ લાખ કરતા વધારે ખેત મજુરો છે, આ ખેત મજુરોને કઈ રીતે આર્થિક પગભર બનાવી શકાય અને તે સન્માન સાથે જીવી શકે, મુખ્ય પ્રવાહમાં આવી શકે, તેના જે લઘુતમ વેતન છે તેમાં વધારો કરવામાં આવશે તેવી ખેત મજુરોને આશા હતી પણ તે આશા તેની પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં નથી આવી.” કુપોષણના મુદ્દે શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, “વાઈબ્રન્ટ ગુજરાત, ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, સંવેદનશીલ સરકારની વાત કરવામાં આવી પણ ગુજરાતમાં ૨૭ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી પણ ગુજરાત મોડેલનો આખા દેશમાં ઢંઢેરો પીટ્યા પછી પણ ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ૩૯.૭ ટકા બાળકો આજે પણ કુપોષિત છે. જે આપણા બધા માટે શરમની વાત છે. વિકસિત ગુજરાતની વાત કરીએ તો કુપોષણ બાબતે આખા દેશમાં બીજા નંબરે આપણે હોઈએ તો કદાચ એનું ગૌરવ તમે લઇ શકતા હોય પણ અમે તેના માટે શરમ અનુભવીએ છીએ.”

બેરોજગારીના મુદ્દે શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, “મેં આજે જ સવારે પેપરમાં વાંચ્યું કે, કોઈ જગ્યાએ આર.એસ.એસ.ની શિબિરમાં ગહન ચર્ચા કરવામાં આવી અને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આ દેશના યુવાનો હવે રોજગાર માટે નોકરીની આશા છોડી દે. તેના બદલે સ્વાવલંબી બનવા તરફ આગળ વધે એટલે તેનો મતલબ કે હવે સરકાર નોકરી આપવા માટે બંધાયેલી નથી. આર.એસ.એસ.ના રીમોટ કંટ્રોલથી ગુજરાતની કે દેશની સરકાર ચાલતી હોય અને તેની શિબિરમાં ઠરાવ થાય કે હવે યુવાનો નોકરી માટેની આશા છોડે અને સ્વાવલંબી બને તેવો સ્પષ્ટ મતલબ છે કે આવનારા સમયમાં આ સરકાર ગુજરાતના યુવાનોને તેમ કહે છે કે હવે નોકરીની આશા છોડી દો અને જાતે પકોડા તળવાની શરુઆત કરો.

પ્રધાનમંત્રી શ્રી ભાષણ કરતા હતા, ભાજપ મેનીફેસ્ટોમાં વાત કરતી હતી કે દર વર્ષે બે કરોડ યુવાનોને દેશમાં રોજગાર આપીશું, ગુજરાતમાં ૫૦ લાખ કરતા વધારે શિક્ષિત બેરોજગાર યુવાનો રોજગારની આશા અપેક્ષા રાખીને બેઠા હોય અને તેના માટે સતત સંઘર્ષ કરતા હોય, સરકારી ભરતીના કેલેન્ડર બહાર પડે, તેના માટેની જાહેરાતો આવે, ગુજરાતના લાખો યુવાનો તેના માટે અરજી કરે પરંતુ જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઇ જાય. પરીક્ષાના નામે કૌભાંડો થાય અને આ યુવાનોની આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળે છે.  વિજયભાઈ રૂપાણીની સરકાર ચાલતી અને સરકાર બદલવાની વાત આવી ત્યારે બધા લોકો મંત્રી બનવા માટેની તૈયારી કરતા હતા અને કેટલાકે તો તેના માટે જમણવાર, કપડા અને ગાડીઓ તૈયાર રાખી મુકેલો પણ જયારે છેલ્લા દિવસે તેમના નામ યાદીમાં ના આવ્યા ત્યારે ચોક્કસ બધા એમ કહેતા કે કેટલી ગુપ્તતાથી સરકારનું આખું તંત્ર ચાલે છે, મંત્રીમંડળમાં કોના નામો આવશે તેની ગુપ્તતા રહે છે પરંતુ ગુજરાતમાં આ પચાસ લાખ બેરોજગાર યુવાનોનું જેનાથી ભવિષ્ય જોડાયેલું છે તે પરીક્ષાની ગુપ્તતા રહેતી નથી અને તેના પેપરો એક વખત, બે વખત નહીં ૧૨- ૧૨ વખત લીક થઇ જાય છે.”

પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ, સીઆર પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી, હાર્દિક પટેલ, પેટા ચૂંટણી, પાટીલ, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

શિક્ષણના મુદ્દે શ્રી અમિત ચાવડા એ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર તેના જીડીપીના છ ટકા રકમ શિક્ષણ વ્યવસ્થાઓ માટે ખર્ચે તો આવનારી પેઢીઓનું ભવિષ્ય સુધરે અને તેનાથી રાષ્ટ્ર અને રાજ્યનું નિર્માણ થાય, ત્યારે આજે બજેટનો અભ્યાસ કર્યો તો છ ટકાની વાત તો બાજુએ રહી પણ શિક્ષણની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચતા હોય તે રીતે જીડીપીના ફક્ત ૧.૫૩ ટકા ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે.

હાર્દિક પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ, પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી
ફોટો સોશિયલ મીડિયા

૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે અહિયાં જયારે કોઈ વાત કરે કે કોંગ્રેસની સરકારો આવી હતી, તેમના શાસનકાળમાં તો આવું હતું તો ૨૭ વર્ષથી શાસન કરવા છતાં જો તમારે આવી વાત કરવી પડતી હોય તો તેનો સ્પષ્ટ મતલબ છે કે તમારું ૨૭ વર્ષનું શાસન સદંતર નિષ્ફળ શાસન છે. શિક્ષણ માટે વર્ષો વર્ષ કરોડો રૂપિયા ફાળવાય અને ૨૭ વર્ષ પછી આજેપણ શાળાઓમાં ઓરડા ના હોય, શિક્ષક ના હોય અને શૌચાલય ના હોય. વસ્તી વધવા છતાંપણ ૬ હજાર જેટલી પ્રાથમિક શાળા બંધ કરવાની તમારી નીતિ હોય તે જ બતાવે છે કે તમારા શાસનમાં શિક્ષણની વ્યવસ્થાઓ ખાડે ગઈ છે. સરકારની શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક શાળાઓને બંધ કરી તમે તમારા માનીતા લોકોને ખાનગી શાળાઓમાં વેપાર કરવાની છૂટ આપવા માંગતા હોવ તેવું જ આ બજેટ પરથી દેખાઈ રહ્યું છે. આ ગુજરાતના બાળકો શાળાએ આવે, સમાનતા સાથે બધા એક પંગતમાં બેસીને ભોજન લે, પૌષ્ટિક આહાર મેળવીને મજબુત બનીને સારું શિક્ષણ મેળવે તેટલા માટે કોંગ્રેસની સરકાર દ્વારા મધ્યાહ્ન ભોજન શરુ કરવામાં આવ્યું હતું. આજે પણ ૮૨ લાખ જેટલા બાળકો મધ્યાહન ભોજન યોજાનાનો લાભ લે છે ત્યારે આ મોંઘવારી વધી, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા, જરૂરિયાતો વધી ત્યારે મધ્યાહ્ન ભોજન યોજનાનું બજેટ વધારવાનું હોય તો તેને ઘટાડવાની વાત કરવામાં આવી રહી છે.

પેટા ચૂંટણી, અમિત ચાવડા, પાટીલ, ગુજરાત ભાજપ, પેટા ચૂંટણી, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

વસ્તી વધી છે તો શાળાઓ વધવી જોઈએ તેની જગ્યાએ સરકારી શાળાઓ બંધ થઇ રહી છે. જે શાળાઓ કોંગ્રેસના શાસનકાળથી શરુ કરવામાં આવી હતી, જ્યાં બાળક ત્યાં શાળાની વાત કરવામાં આવી હતી. તે શાળાઓને તમારે સુદ્રઢ બનાવીને આધુનિક બનાવવાને બદલે આજે તમે શાળાઓ બંધ કરવાની નીતિ લઈને આવ્યા છે તેની પાછળ તમારી સ્પષ્ટ મંછા દેખાઈ રહી છે કે સરકાર પોતાની શિક્ષણ માટેની જવાબદારીમાંથી હાથ પાછા ખેંચે છે.”

Related Articles

Back to top button
આજનું રાશિફળ!