ગુજરાતમાં પેટા ચૂંટણીની મોસમ જામી છે. ચૂંટણી માત્ર આઠ બેઠકો પર છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ચારે બાજુ એક જ ચર્ચા છે ભાજપના આયાતી ઉમેદવારો જીતશે કે કોંગ્રેસના નવા નિશાળીયાઓ. ભાજપના કાર્યકરોમાં તેમની અવગણનાની હતાશા છે તો કોંગ્રેસમાં ઉત્સાહ સાથે ક્યાંક કચવાટ પણ છે. પરંતુ હવે મતદાન ને જૂજ દિવસો જ બાકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં બંને પાર્ટી દ્વારા ધમધોકાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે તો કોંગ્રેસમાં પ્રચારની કમાન અમિત ચાવડા, હાર્દિક પટેલ અને પરેશ ધનાણીના હાથમાં છે.

રાજ્યની પેટા ચૂંટણીની સભાઓ અને રેલીઓ સાથે સાથે આક્ષેપ- પ્રત્યાક્ષેપ પણ સત્તાધારી પક્ષ વિપક્ષો વચ્ચે જામ્યા છે. રોજે રોજ નવી કોન્ટ્રોવર્સી થઈ રહી છે મુદ્દા કરતા આરોપના બીજ રોપાઈ રહ્યા છે. ત્યારે આ પેટાચૂંટણી અંતર્ગત એક નવો જ ટ્વિસ્ટ મોરબીની પેટા ચૂંટણીની સભામાં આવ્યો છે. જેમાં મોરબીની પેટા ચૂંટણી માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પ્રચાર કર્યો હતો. પરંતુ ભાજપના ઉમેદવારનું નામ જ લીધું નોહતું! ઉલ્ટાનું હાર્દિક પટેલનું નામ લઈને પ્રહાર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ભાજપે મોરબીથી કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતા બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે જેના કારણે કાર્યકરો તો નારાજ છે જ અને એમાં ઘી રેડયું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ.

ભાજપના કદાવર નેતાઓ પ્રતિસ્પર્ધીનું નામ લીધા વગર જ તેમના પર શાબ્દિક પ્રહાર કરતાં હોય છે અને સ્મૃતિ ઈરાની ભાજપના કદાવર નેતાઓ માંથી એક છે. તેમણે મોરબીમાં ભાજપના આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજા માટે પ્રચાર સભા ગજવી હતી પરંતુ તેમણે બ્રિજેશ મેરજાનું નામ લઈને વોટ મંગવાના બદલે હાર્દિક પટેલ નું નામ લઈને પ્રહાર કર્યા હતાં. સ્મૃતિ ઈરાનીનું નિવેદન હાર્દિક પટેલ નું કદ બતાવે છે. ભાજપ માં એક નિયમ છે કે તેઓ ક્યારેય તેમના પ્રતિસ્પર્ધીનું નામ લેતા નથી પરંતુ ઈરાની એ હાર્દિક પટેલ નું નામ લઈને ચાબખા માર્યા. જે ભાજપ ને લાભ કરતા હાર્દિક પટેલ ને વધારે લાભ આપશે.

સ્મૃતિ ઈરાની એ હાર્દિક પટેલ પર નામ લઈને પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે. હાર્દિક કોંગ્રેસમાં નોકરી એ લાગી ગયો છે. હાર્દિક થોડા સમય પહેલાં જ હજુ કોંગ્રેસ માં જોડાયો છે. અને બેરોજગારોને નોકરી આપી હોય તેમ ખેડૂતોની વાત કરતાં કરતાં કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો અને આજે તે અમારા ભાજપના 40 વર્ષના પાયાના કાર્યકર્તા પર આક્ષેપ કરે તે તેમના મોઢે શોભતા નથી. આ સાથે સાથે સ્મૃતિ ઈરાનીએ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની પણ વાત કરી હતી. પરંતુ તેઓએ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનુંનામ લીધું નોહતું અને આ સભામાં ખુદ બ્રિજેશ મેરજા પણ ગેરહાજર રહયા હતાં જે બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની ની સભામાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ ગેરહાજર રહેતા અનેકવિધ અટકળો થઇ રહી છે. તેમજ ઈરાની દ્વારા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ પણ લેવામાં આવ્યું નોહતું જેના દ્વારા ચર્ચાઓ આભે પહુચી ગઈ છે. પરંતુ ઈરાની દ્વારા હાર્દિક પટેલનું નામ લેતાં હાર્દિક ના કદનો અને હાર્દિક પટેલ નો પ્રભાવ સમજી જ શકાય છે. સ્મૃતિ ઈરાની ની ગણતરી ભાજપના કદાવર નેતાઓ માં થાય છે. ભાજપમાં ક્યારેય કોઈ મોટા નેતા પ્રતિસ્પર્ધીનું નામ લેતા નથી જે પ્રધાનમંત્રી મોદી કે અમિત શાહ ના ભાષણો માં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સ્ટારપ્રચારક ઉતરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને નેતા વિપક્ષ પરેશ ધનાણી એ સંભાળી છે. ત્રણેય યુવા નેતાઓ દરેક બેઠક પર ધારદાર ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે. જ્યારે ભાજપમાં પણ મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ અધ્યક્ષ પાટીલ સ્ટાર પ્રચારકો સાથે ગુજરાતની આઠે આઠ બેઠક ગજવી રહ્યા છે. આગામી ત્રણ નવેમ્બરે મતદાન છે અને અગિયાર નવેમ્બરે ગણતરી છે. જોવાનું એ રહ્યું કે કોની મહેનત સફળ થાય છે અને કોની મહેનત પાણીમાં જાય છે. જનતા આયાતીની નૈયા પાર કરાવશે કે ડૂબાડસે એ હોવી અગિયાર નવેમ્બરે જ ખબર પડશે.



