
ભાનુશાળી મુદ્દે સરકાર સાથે પોલીસને આડે હાથ લેતા વિપક્ષનેતા પરેશ ધાનાણી
ગાંધી સરદારના ગુજરાતમાં નિર્ભયાઓનું ભાજપના આગેવાનોજ ચીર હરણ કરી રહ્યા છે ત્યારે સરકારે આરોપીઓને દાખલારૂપ સજા આપવી જોઈએ તેના બદલે સરકાર આરોપીઓને રાજ્યાશ્રય આપીને પોતાના પક્ષના મોટા માથાઓને છાવરી રહી છે. તેવું વિપક્ષ નેતા પરેશ ધનાણી એ જણાવ્યું હતું.
આતંકીઓને ખિસ્સા માંથી ચિઠ્ઠી શોધનારી ગુજરાતની બાહોશ પોલિસ ભાનુશાળીને કેમ શોધી શકતી નથી તેવો વેધક સવાલ ઉઠાવતા પરેશ ધનાણી એ ગુજરાત રાજ્યમાં મહિલાઓની સ્થિતિ વિશેનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલા પાર બળાત્કાર અને રોજની 18 મહિલાઓ ગુમ થાય છે. પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. આ મુદ્દે પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને પત્ર પાઠવીને કેટલાક સવાલ ઉઠાવ્યા હતાં.
ભાજપ સરકારના બેટી બચાવો બેટી પઢાવોના નારાની અસલિયત ઉજાગર કરતા કહ્યું કે, સત્તાના મદમાં ભાન ભૂલેલા અને ઐયાશીમાં આળોટતા ભાજપના નેતાઓ દુરાચાર અને અનૈતિક પ્રવૃતિઓમાં વ્યસ્ત છે. નલિયાની નિર્ભયાને ન્યાય અપાવવામાં સરકાર ઉણી ઉતરી અને આરોપીઓના તાર ગુજરાત જ નહીં દિલ્લી સુંધી પહોંચે તેવા હોવાથી આરોપીઓને છાવરવામાં આવ્યાં પરિણામે ભાજપના જ પૂર્વ અધ્યક્ષ જયંતિ ભાનુશાળીની ઘટના બનવા પામી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નલિયા દુષ્કર્મ કાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલા જાસૂસી કાંડ, રાજ્યમાં મહિલા પર થતાં દુષ્કર્મ, જાતીય સતામણી અને અત્યાચારની નિંદનીય ઘટનાઓથી ગુજરાતી તરીકે માથું શરમથી ઝૂકી જાય છે.
સરકારે વિધાનસભામાં આપેલા આંકડા જણાવતા તેઓએ જણાવ્યું કે, ગુજરાતની નિર્ભયાઓ જન્મ લેતા પહેલા માતાની કુખમાં થરથર કાંપી રહી છે. 2001 માં રાજ્યમાં 1000 પુરુષોએ મહિલાની સંખ્યા 921 હતી, જે 2011માં ઘટીને 918 થઈ ગઈ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષમાં 1887 બળાત્કારની ઘટના બની છે એટલે કે દર બે દિવસે પાંચ કે તેથી વધુ મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે.
રાજ્યની ભાજપ સરકારને કર્યા વેધક સવાલ
1) રાજ્યમાં બનતી બળાત્કારની ઘટનામાં માત્ર 3 ટાકા લોકોને જ સજા કેમ થાય છે?
2) અમદાવાદ સુરત મહિલાઓ સામે થતાં ગુનાઓમાં દેશના ટોચના 10 શહેરમાં સામેલ કેમ?
3) નલિયા કાંડ અને સુરત પીડિતાં સાથે થયેલા દુષ્કર્મના આરોપીઓને હજુ સુંધી સજા કેમ ના થઇ?
4) ગુજરાત દેશમાં માનવતસ્કરીમાં ત્રીજા ક્રમે, મહિલા પર એસિડ એટેકમાં ગુજરાત પાંચમા ક્રમે, બાળા પર બળાત્કારના કિસ્સામાં દશમાં ક્રમે આ શું દર્શાવે છે?
5) રાજ્યમાં 55 ટાકા મહિલાઓ કુપોષિત કેમ?
જેવા વેધક સવાલો પુછીને ધનાણી એ સરકારને ઘેરી હતી અને સરકારના નારા બેટી બચાવો બેટી પઢાવોની વાસ્તવિકતા જનતા સમક્ષ રજુ કરી હતી.