
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પાટીદાર સમાજનું મોટું નામ તેવા નરેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અને સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા એક મંચ પર જોવા મળશે.
સૌરાષ્ટ્રમાં લાખો પાટીદારોના આસ્થાના પ્રતિકસમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તેમજ સૌરાષ્ટ્ર અને સુરતમાં વસતા લાખો પાટીદારોમાં જેમનું નામ સન્માનથી લેવામાં આવે છે તેવા નરેશ પટેલ એક કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ તેમજ અલ્પેશ કથિરીયા સાથે સમાજના એક કાર્યક્રમમાં સાથે જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં આવેલા હલેન્ડા ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના લોકાર્પણ પ્રસંગે તેઓ સાથે અતિથી વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

હલેન્ડામાં આવેલા હિરણપરા પ્લોટ, ગોરક્ષનાથ મંદિરની બાજુમાં સરદાર પટેલની મૂર્તિનું લોકાર્પણ, તારીખ ૧૬ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ યોજવામાં આવશે. હલેન્ડા પટેલ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં અતિથી વિશેષ તરીકે નરેશ પટેલ, હાર્દિક અને અલ્પેશ કથીરિયા હાજર રહેશે તેમ જણાવાઈ રહ્યું છે.

તો રાજકોટના બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને એક મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હલેન્ડા ગામ રાજકોટ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિનું એપીસેન્ટર રહ્યું છે, આ ગામમાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજાતા રહ્યા છે.
તો એક જ મંચ પર પાટીદાર સમાજના વર્તમાન સમયમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા યુવા નેતા અને વરિષ્ઠ આગેવાન હાજર રહેશે ત્યારે હલેન્ડા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા અત્યારથી જ મીટીંગો અને આયોજનો શરુ કરી દેવામાં આવ્યા છે.
અગાઉ નિતીન પટેલ દ્વારા હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે ઉપવાસ દરમિયાન પાણી પીવાના મુદ્દાને લઈને વિરોધના સુર ઉઠે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું, જો કે નરેશ પટેલ દ્વારા છેક સુધી સમાધાનના પ્રયાસોના આધાર પર સફળતાપૂર્વક ઉપવાસના પારણાં કરાવવામાં આવ્યા હતાં.
તેમજ અગાઉ પણ નરેશ પટેલ ઉપવાસ દરમિયાન હાર્દિક છે તો બધું છે તેવું નિવેદન આપી ચુક્યા છે. નોંધનીય છે કે નરેશ પટેલ પબ્લિસિટી અને પ્રસિદ્ધિથી દુર રહેતા આગેવાન છે ત્યારે જો તેઓ આવા કોઈ કાર્યક્રમમાં હાજર રહે છે તો જરૂરથી ચર્ચાનો મુદ્દો બની શકે છે.