
સુરત એ ગૃહ રાજ્ય મંત્રીનો જીલ્લો છે. ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાઉ અને ભોપાભાઈના રાજમાં ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. આજે કોઈ પણ પરિવારનો સભ્ય ઘરની બહાર નિકળે તો સહિસલામત ઘરે આવશે કે કેમ ? એ પ્રશ્ન ઉભો થયો છે. જે સુપર સી.એમ. તરીકે તમામ નિર્ણયો લે છે એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. ભાઉનુ હોમ ટાઉન છે. આખા ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ સારી છે એવા બણગા ફુકતા રાજ્યના ગૃહમંત્રીનું હોમ ટાઉન છે અને એ સુરત જે આખા દેશનું આર્થિક મોટુ એક કેન્દ્ર છે.

એ જગ્યાએ એક જ દિવસમાં ત્રણ ત્રણ હત્યાઓ થાય. એક માસુમ દિકરીની ગળુ કાપીને હત્યા થાય અન્ય બે લોકોની હત્યા થાય ત્યારે ખરેખર આજે ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ ખાડે ગઈ છે. ખુલ્લે આમ કાયદાનો ભંગ કરનારા લોકોનું રાજ છે. પોલીસ, પ્રસાશન કે સરકારનો કોઈપણ જાતનો ડર નથી રહ્યો એ પ્રસ્થાપિત થાય છે ત્યારે ભાષણો કરવામાં સુરા એવા ભાઉ અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલીક આવા લોકો ઉપર કડક કાર્યવાહી થાય. તમને શાસન કરવાનો, તમને આ ગુજરાત ના લોકોની રક્ષા કરવા માટે લોકોએ જે અધિકાર આપ્યો છે. તેમાં તમે સંપૂર્ણ નિષ્ફળ રહ્યાં છો. ત્યારે રાજ્યના ગૃહમંત્રી પોતાના હોમટાઉન, પોતાની સરકારના નાક નીચે આવી હત્યાઓ થતી હોય તેની જવાબદારી સ્વિકારે અને તાત્કાલીક રાજીનામું આપે.

સલામતીના નારા સાથે, વચન સાથે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત ના લોકોના મત મેળવ્યા છે. આજે ગુજરાત ની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ખુલ્લે આમ હત્યાઓ, બળાત્કારો થાય છે, લોકોની પાસે ખંડણીઓ માંગવામાં આવે છે, આજે પોલીસમાં બેઠેલા લોકો જમીનના કબજા લેવાના કામ થાય છે, એના પુરાવાઓ ભાજપના ધારાસભ્યોએ આપ્યા છે. ખુલ્લે આમ દારુ, જુગારનું તંત્ર – નેટવર્ક હપ્તાખોરીને કારણે ચાલતુ હતુ. પરંતુ ખુલ્લે આમ ડ્રગ્સની ડીલીવરીઓ થાય છે, ડ્રગ્સ માફીયાઓ બેફામ થાય છે. ગુજરાતનો યુવા ધન આજે નશાના રવાડે ચડી રહ્યો છે અને આખા ગુજરાતમાં જાણે સરકાર, પોલીસ અને પ્રશાસનનો રાજ ના હોય પણ લુખ્ખાઓ, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ, બુટલેગરોનું રાજ હોય એવુ શાસન થઈ રહ્યો છે ત્યારે આવી તમામ વાતો, લોકોને આક્રોશ છે, લોકોનો જે દર્દ છે તે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ પક્ષ ઉજાગર કરશે.
