
ભાજપમાં દિવસેને દિવસે અસંતોષ વધી રહ્યો છે. જેનું સૌથી મોટું કારણ કોંગ્રેસના આયાતી નેતાઓ છે. ભાજપ દ્વારા પાયાના કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસના આયાતી નેતાઓને છપ્પનભોગ પીરસવામાં આવી રહ્યા હોવાથી દિવસેને દિવસે આંતરિક અસંતોષ વધી રહ્યો છે. જે આગામી પેટા ચૂંટણીમાં ભાજપ ને જબરદસ્ત અસર કરી શકે છે. પહેલા આ અસંતોષ બહાર નોહતો આવતો પરંતુ હવે નેતાઓ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પણ ખુલીને અસંતોસ જાહેર કરી રહ્યા છે. ભાજપ પ્રમુખના આદેશની પણ અવગણના થવા લાગી હોય એવું દેખાઈ રહ્યું છે.

પેટા ચૂંટણીને જૂજ દિવસો જ બાકી છે ત્યારે ભાજપમાં અનબનના સમાચાર આવી રહ્યા છે. ભાજપમાં સબ સલામત છે એ માત્ર દેખાડો છે બાકી અંદરોઅંદર ખેંચાખેંચ છે. જે ધીમે ધીમે બહાર આવી રહી છે. જો કે પાટીલ અધ્યક્ષ બન્યા ત્યારથી જ ભાજપમાં કોઈને કોઈ મુદ્દે અંદરોઅંદરનું રાજકારણ ગરમાઈ જાય છે. પહેલાં કોંગ્રેસના નેતાઓને લેવાના બાબતે ભાજપ નેતાઓમાં મતમતાંતર સામે આવ્યા હતા. પાટીલ જાહેરમાં કહેતા કે હવે કોઈ કોંગ્રેસ નેતાને ભાજપ માં લેવામાં નઈ આવે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા એ ખુલ્લે આમ કહ્યું કે કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં સ્વાગત છે.

એટલું ઓછું હોય ત્યાં હવે ધારાસભ્ય એ અસંતોષ જાહેર કર્યો છે અને રાજીનામુ આપવાની પણ વાત કરી નાખી છે. ભાજપના જ ધારાસભ્ય પોતાના જ નેતાઓ દ્વારા અવગણનાના ભોગ બન્યા છે અને તેના કારણે તેમને રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર દ્વારા રાજીનામુ આપવાની વાત કરવામાં આવી છે. તેમણે તેમની જ પાર્ટી એટલે કે ભાજપ સાંસદ મિતેષ પટેલ દ્વારા તેમની અવગણના કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે હવે ભાજપમાં ચિંતા અને ચર્ચાએ જન્મ લીધો છે. જો કે ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારના આક્ષેપ બાબતે હજુ સુંધી સાંસદ સભ્યએ કોઈ પણ નિવેદન આપ્યું નથી.

વાત એમ છે કે, ભાજપના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પોતાના જ પક્ષથી અને પક્ષના નેતાઓથી નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારે પોતાની જ પાર્ટીના સાંસદ સભ્ય અને કેટલાક નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક સંગઠન દ્વારા તેમની અવગણના થઇ રહી છે. જો ભાજપ મોવડી મંડળ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નઈ આવે તો તેઓ રાજીનામુ પણ આપી શકે છે. આ સિવાય તેમણે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ ની ચૂંટણીમાં હરાવવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ સાથે સાથે ગોવિંદ પરમારે મિતેષ પટેલના જ્ઞાતિવાદી વલણની રજુઆત પણ કરી હતી. ભાજપ સંગઠનમાં રજુઆત કર્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં ના આવ્યા અને કોઈ પણ ઉકેલ ન આવતા રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. જેને લઇને હવે ભાજપ સંગઠન દ્વારા ગોવિંદ પરમારને મનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ એકવાર દીવાલમાં તિરાડ પડે એટલે એને સાંધવી મુશ્કેલ હોય છે બસ કઈંક એવું જ છે. મુખ્યમંત્રી દ્વારા ધારાસભ્યને મનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ મામલો વધારે વક્રી ચુક્યો હોય એવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે સાંસદ સભ્યએ કશું પણ નિવેદન આપ્યું નથી પરંતુ સમજાવવા માટેની તૈયારી દર્શાવી છે. પરંતુ વાત એમ છે કે હવે ભાજપ માં પણ આંતરિક અસંતોષ અને આંતરિક રાજકારણ ખુલીને સામે આવી રહ્યું છે. સંગઠન અને સરકાર વચ્ચે સબ સલામતની માત્ર પોકળ વાતો હોય એવું લાગી રહ્યું છે. ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓનો જમાવડો પણ એક ખેમો બનતો જાય છે આ નેતાઓ ધીમે ધીમે શાંતિ જાળવીને મજબૂત થતાં જઈ રહ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓ કેબિનેટ કક્ષાના મંત્રી છે તો કેટલાક નેતાઓ પર સરકાર અને સંગઠનના ચાર હાથ છે.