
લોકસભા ચૂંટણીને આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે. રાજકીય પક્ષો અને નેતાઓ હવે લોકસભાની ૨૦૧૯ ની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. તેમાં ચાલુ સાંસદો પોતાની ટીકીટ રીપીટ કરાવવા, અન્ય નેતાઓ ટિકિટ મેળવવા અને ચાલુ સાંસદને કાપવા, તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી હારેલા નેતાઓ, ગત લોકસભા ચૂંટણી હારેલા નેતાઓ અને છેલ્લી વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ માં જીતેલા ધારાસભ્યો પણ લોકસભાની ટિકિટ મેળવવા થનગની રહ્યા છે. આ માત્ર ભાજપ માં જ નથી પરંતુ કોંગ્રેસમાં પણ આજ હાલત છે કોંગ્રેસ પાસે હાલમાં લોકસભામાં ગુજરાત થી કોઈ સાંસદ નાહોઈ કોંગ્રેસ ફાયદામાં છે અને વધારે ગૃહ યુદ્ધ નથી પરંતુ ભાજપ માટે હાલ માથાપચ્ચી છે કે ચાલુ સાંસદોને રીપીટ કરવા કે નવા લોકોને ચાન્સ આપવો.
જે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા છે તેમાં ભાજપ – કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યોએ લોકસભા ચૂંટણીની ટીકીટ માંગી છે. હવે કોંગ્રેસ તો વિરોધપક્ષમાં છે એટલે એને કઈ નહી નડે પરંતુ ભાજપના ધારાસભ્યો જે પ્રમાણે લોકસભા ટીકીટ માંગી રહ્યા છે તેનાથી મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.
આ બધી ચર્ચા વચ્ચે મહત્વની બાબત તે છે કે લોકસભાની ૨૦૧૯ ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ પાંચ કરતાં વધારે ધારાસભ્યોને લોકસભાની ટીકીટ નહી આપી શકે. તેની પાછળ એક મોટી મજબુરી રહેલી છે. આ મજબુરી સીટીંગ સાંસદોને કાપવાની નહી પરંતુ બીજી જ એક છે. તાજેતરની વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭ માં ભાજપના ચૂંટાઈને આવેલા ધારાસભ્યો છે કુલ ૯૯ વત્તા એક અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડના સમર્થન સાથે ૧૦૦ ધારાસભ્યોના ટેકાથી રાજ્યમાં ભાજપની સરકાર રચાઈ છે.
લુણાવાડાના મૂળ કોંગ્રેસના પણ અપક્ષ લડીને જીતેલા રતનસિંહ રાઠોડે ભલે સરકાર બનાવવાના પત્રમાં સમર્થન આપ્યું હોય પરંતુ તેઓ મૂળ તો કોંગ્રેસી જ છે અને હજુ સુધી ભાજપમાં સત્તાવાર જોડાયા નથી. તેથી ભાજપે તો ૯૯ ધારાસભ્યોની જ ગણતરી રાખવી પડે તેમ છે, તો મેઈન વાત કરીએ તો ગુજરાતમાં સરકાર બનાવવા માટે ૧૮૨ બેઠકોમાંથી બહુમતીનો આંકડો પાર કરવા માટે જોઈએ ૯૨ ધારાસભ્યો. હાલમાં ભાજપ પાસે છે ૯૯ ધારાસભ્યો, તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ તો, જો ભાજપ મહત્તમ ધારાસભ્યોને લોકસભાની ટીકીટ આપે છે તો આંકડો જાય ૯૪ બેઠકો પર, જેનાથી નીચે ઉતરવું ભાજપ માટે ડેન્જર ઝોનમાં ગયા જેવું થાય. કારણકે લોકસભામાં જો એ પાંચ ધારાસભ્યો જીતી જાય તો એમને ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડે પરિણામે અહિયાં ભાજપ માઇનોરીટી માં આવી જાય અને કોંગ્રેસ સરકાર રચવાનો દાવો કરી શકે છે.
ઉદાહરણ સાથે વધુ આગળ જોઈએ તો જો ભાજપ પાંચથી વધુ.. દાખલા તરીકે નવ ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપે છે અને તે નવે નવ ધારાસભ્યો ચૂંટણી જીતીને સાંસદ બની જાય છે તેમજ ૧૫ દિવસની મુદત બાદ જણાવે કે તેઓ સાંસદ રહેવાનું પસંદ કરે છે તો રાજ્ય સરકારમાં ધારાસભ્યોની સંખ્યા ૯૯ થી ઘટીને ૯૦ થઇ જાય અને આ રીતે ભાજપ સત્તામાંથી અલ્પમતમાં આવી જાય.
પરંતુ ત્યારે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ૧૮૨ – ૯ (જે સાંસદ રહેવા માટે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દે છે) એટલે કે ૧૭૩ બચે, હવે તેનાથી બહુમતીનો આંકડો થાય ૮૭ નો. તો આ રીતે ભાજપ ૯૦ ધારાસભ્યો સાથે તેની સત્તા પેટા ચૂંટણી સુધી તો આરામથી જાળવી શકે.
જો અને તો વચ્ચે રહેલી આ વાત આટલાથી નથી અટકતી, હવે છ મહિનાની અંદર ખાલી પડેલી નવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કરાવવી પડે. તો ખાલી પડેલી આ નવેય બેઠક પર સત્તાથી વર્ષોથી દુર રહેલી અને આ વખતે સત્તાથી થોડી દુર રહી જનારી કોંગ્રેસ જબરદસ્ત મહેનત કરીને જીતી જાય.
સાથે સાથે મૂળ કોંગ્રેસી અપક્ષ રતનસિંહ રાઠોડ અને કેન્દ્રમાં ગઠબંધનમાં રહેલા એનસીપીના એક ધારાસભ્યનું સમર્થન મળે તો ૯૨ ધારાસભ્યો સાથે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાઈ જાય અને ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવે.
હવે આતો થઇ નવ ધારાસભ્યોને ટીકીટ આપવાની વાત, આપણે તો પાંચથી વધુ ધારાસભ્યોનો આંકડો કહીએ છીએ. પરંતુ જો પાંચ ધારાસભ્યો કરતા વધારેને લોકસભાની ટીકીટ આપે અને તેઓ જીતીને સાંસદ રહે અને ઉપર કહ્યું તેમ જ થાય તો ભાજપ સત્તામાં ભલે રહે પરંતુ તે કટોકટ મતોથી સત્તામાં રહે.
ત્યારે સરકારથી નારાજ ચાલી રહેલા ધારાસભ્યોમાંથી બે – ચાર ધારાસભ્યો પણ જો કોંગ્રેસમાં જોડાઈ જાય તો ભાજપ માટે સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે, એકતો આમેય ઓછી બેઠકોને કારણે ભાજપે તેના ધારાસભ્યોની માંગણીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં એકદમ અણીની બેઠકો પર તો સત્તા સાચવવી મુશ્કેલ જ બની જાય.
તો જો ગુજરાતમાં અત્યારે ભાજપને એક – એક વિધાનસભા બેઠકની ચિંતા છે તો આટલું મોટું જોખમ લઇ જ ના શકે, કદાચ જો ધારાસભ્યો લાયકાત ધરાવતા હોય તો પણ તેમને લોકસભા ટીકીટ આપી ના શકવાની મજબુરી રાખવી પડે. ત્યારે આ કારણથી ભાજપ પાંચથી વધુ ધારાસભ્યોને લોકસભાની ટીકીટ ના આપી શકે અને જો આપે અને જો અને તો માં તોડ જોડ થાય તો કોંગ્રેસ ૨૦૧૯ માં કેન્દ્ર માં સરકાર બનાવી શકે નહિ પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ના શિખર સર કરી શકે છે. તો હવે જોવાનું એ રહ્યું કે જો અને તો માં કોઈ તડ જોડ થાય છે કે નહિ…



