
કોરોના સમયમાં ચૂંટણી ને લઈને લોકો નેતાઓને ઘેરી રહ્યા છે. ચૂંટણીમાં અને રાજકીય નેતાઓને કોઈ જ ધારાધોરણો કે નિયમો નહીં અને તહેવાર, લગ્ન, મરણ પ્રસંગે ધારાધોરણો નિયમોનું કડક પાલન કરવાના સૂચનો અને ના થાય તો તોતિંગ દંડથી ત્રસ્ત જનતા સરકારને સવાલો કરવા લાગી છે કે ચૂંટણી હોય ત્યારે કેમ કોરોના નથી નડતો? અને ચૂંટણી સમયે જ કેમ લોકડાઉન નથી આવતું? ચૂંટણી પતે એટલે જ કેમ કોરોના ગાઈડલાઈનનો કડકાઇથી અમલ શરૂ કરવામાં આવે છે? વગેરે જેવા સવાલોથી લોકો સરકારને ઘેરી રહ્યા હતાં. પરંતુ આમાંને આમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પુત્ર લોકોના હાથે ચડી ગયો હતો.

કેટલાક ટીખળી લોકોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પુત્રના લગ્ન અંગે અફવાહ ફેલાઈ દીધી અને સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ કરી નાખ્યા. કે “લોકડાઉન નહીં આવે કારણ કે મુખ્યમંત્રીના પુત્રના લગ્ન છે.” “મે મહિના બાદ લોકડાઉન આવશે.” “લગ્નમાં કરોડોનું આંધણ છે કેટલાય લોકોનો જામવાર છે.” વગેરે વગેરે જેવા મેસેજ વાઇરલ કરી નાખ્યા હતાં. આ મેસેજ એટલા જબરદસ્ત રીતે વાઇરલ થઇ ગયા હતાં કે લોકો આ વાતને સાચી માનવા લાગ્યા હતાં. કોરોના ના કેસો વધતાં લોકોમાં ફફડાટ હતો અને બીજી તરફ આ સમાચારો વાયુવેગે ફરી રહ્યા હતા.

ત્યારે આ ફેક ન્યુઝ મુખ્યમંત્રી સુંધી પણ પહોંચ્યા અને ખુદ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા! ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમના પુત્રના લગ્ન બાબતે સ્પષ્ટતા કરવી પડી. સોશિયલ મીડિયા પાર ધૂમ મચાવતા આ મેસેજ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી કહ્યું કે, મારા દિકરાના મે મહિનામાં લગ્નની વાત પાયા વિહોણી છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલા સમાચાર ખોટા છે. અત્યારે અમારૂ ધ્યાન માત્ર કોરોનાની કામગીરી પર છે. ખુદ મુખ્યમંત્રીને સ્પષ્ટતા કરવી પડે એટલે વિચારો આવા ન્યુઝ કેટલા વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયા હશે!

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્વિટ કરી સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.”
મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે
— Vijay Rupani (@vijayrupanibjp) April 7, 2021