
સમગ્ર દેશમાં ચૂંટણી નો માહોલ હતો જે ગઈ કાલે મોડી રાત્રે સમાપ્ત થયો. સમગ્ર દેશમાં 54 જેટલી બેઠકો પર પેટાચૂંટણી હતી અને બિહારમાં વિધાનસભા ચૂંટણી હતી. જેના પરિણામ ગઈકાલે મોડી રાત્રે આવ્યા હતાં. લોકોમાં ઉત્સુકતા હતી કે બિહારમાં કોણ જીતશે અને કોણ મુખ્યમંત્રી બનશે. જે આતુરતા અને ઉત્સુકતાનો પણ ગઈકાલે મોડી રાત્રે અંત આવી ગયો છે. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં યોજાયેલી પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં અમિત શાહ ભલે દેખાયા ના હોય પરંતુ મોટી રાજરમત તો અમિત શાહ દ્વારા જ રમવામાં આવી છે. મોટા મોટા નેતાઓ થાપ ખાઈ ગયા અને અમિત શાહ બિહાર પહોંચ્યા વગર જ દિલ્લીમાં બેઠા બેઠા પોતાનું કામ કરી ગયા. બિહાર વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહ દ્વારા કોઈ રેલીને સંબોધવામાં આવી નથી. જો કે વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી હતી પરંતુ ચૂંટણી દરમિયાન બિહારમાં કોઈ જનસભાને અમિત શાહ દ્વારા સંબોધિત કરવામાં આવી નથી. તોય પણ અમિત શાહ ની રણનીતિએ ભાજપને બિહારની બીજી સૌથી મોટી પાર્ટી બનાવી આપી છે.

જણાવી દઈએ કે નીતીશ કુમારના નેતૃત્વ માં લડાયેલા બિહાર વિધાનસભા ચૂંટણી જંગમાં ભાજપને 74 બેઠક, જેડીયું ને 43 બેઠક, હમ અને વીઆઇપી ને 4-4 બેઠક મળી છે. બિહારના ઈતિહાસમાં ભાજપને પ્રથમ વખત આટલી બધી બેઠક મળી છે. તેનો શ્રેય માત્રને માત્ર અમિત શાહ ને જાય છે. મોટી સ્ક્રીન પર ભલે જેપી નડ્ડા જોવા મળે પરંતુ આ કમાલ પાછળ અમિત શાહ છે. જણાવી દઈએ કે ચૂંટણીની જાહેરાત બાદ જ્યારે ગઢબંધનની વાતો થતી હતી ત્યારે કહેવાય છે કે ચિરાગ પાસવાન અમિત શાહ ને મળવા દિલ્લી પહોંચ્યા હતા અને ત્યારે જ આ પ્લાન ઘડાયો ની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે.

ચિરાગ પાસવાનને એનડીએ સાથે ગઢબંધનમાં લડવું હતું પરંતુ ત્રણચાર બેઠકના બદલે 10-20 બેઠક પર, જોકે બાર્ગેનિંગમાં થોડી બેઠક આઘીપાછી પણ કરી નાખેત પરંતુ નીતીશ કુમાર દ્વારા નકારાત્મક જવાબ મળ્યો હતો. બસ હવે અમિત શાહની રણનીતિની શરૂઆત થઇ. અંતે ચિરાગ પાસવાને જાહેરાત કરી કે તેઓ બિહારમાં એકલે હાથે ચૂંટણી લડશે અને ભાજપ સામે ઉમેદવાર ઉભા રાખશે નહીં તેમજ મોદી વિરોધી બોલવાની બદલે મોદી સમર્થીત બોલશે. આ સાથે મહત્વનો નિર્ણય એ હતો કે ચિરાગ પાસવાન ની પાર્ટી બિહારમાં નીતીશ કુમારની પાર્ટી જેડીયું ની સામે ઉમેદવાર ઉભા રાખશે. બસ આજ રણનીતિ અમિત શાહની હોઈ શકે છે.

ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી અલગ લડવાના કારણે સૌથી મોટો ફટકો જેડીયું ને પડ્યો. નીતીશ કુમારની પાર્ટી જેડીયું જે બિહારમાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી હતી એ આજે ગત વિધાનસભા ચૂંટણી કરતાં અડધી બેઠક જ જીતી શકી છે. કરણ કે ચિરાગ પાસવાન દ્વારા જેડીયું સામે ઊભા રાખવામાં આવેલા ઉમેદવારો એ નીતીશ કુમારની જેડીયું ના વોટ કાપ્યા અને જેડીયું ને ઘણી બેઠકો પર નુકશાન થયું. ભલે ચિરાગ પાસવાન ની પાર્ટી માત્ર એક બેઠક જીતી શકી પરંતુ કેટલીક જગ્યાએ ચિરાગ પાસવાનની એલજેપી ત્રીજા નંબરે આવી છે. જેનું મોટું નુકસાન જેડીયું ને થયું છે. એલજેપી જેડીયુ માટે વોટ કટુઆ પાર્ટી બની.

બસ આજ અમિત શાહ ની રણનીતિ એક તો આઘાપાછા થતાં મુખ્યમંત્રી નીતીશ કુમાર ને ઠેકાણે પાડવા અને બિહારમાં ભાજપ ને મજબૂત સ્થિતિમાં લાવવુ. આજ સુંધી દરેક ચૂંટણીમાં ભાજપ ત્રીજા નંબરે આવતી અને નીતીશ કુમારની જેડીયું કરતા લગભગ અડધી બેઠકો મળતી પરંતુ અમિત શાહ ની રણનીતિએ ભાજપને 74 બેઠક અપાવી અને જેડીયું 43 પર પોટલું વળી ગઈ. ગત વખતની જેમ નીતીશ કુમાર ભાજપને છોડીને રાજદ પાસે જતા ના રહે એટલે આ વખતે ભાજપે પાણી પહેલા પાળ બાંધી લીધી. અને તમામ કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો.

હવે નીતીશ કુમાર રાજદ પાસે જવાનું પણ ના વિચારી શકે અને ભાજપમાં ભાજપ હાઇકમાન્ડ કહે એ મને કે કમને કરવું પડે. ભાજપના ધારાસભ્યો વધારે છે એટલે નક્કી જ છે કે ભાજપનો સરકારમાં દબદબો રહેશે. ભલે નીતીશ કુમાર મુખ્યમંત્રી બને પણ ભાજપ સરકાર ચલાવશે એ નક્કી છે. બીજી તરફ બિહારને મજબૂત વિપક્ષ મળ્યો છે. એનડીએની 125 બેઠક સામે મહાગઢબંધન 110 બેઠકો જીત્યું છે. જેમાં રાજદ 75 બેઠક સાથે બિહારની સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે કોંગ્રેસ 19, લેફ્ટ 16 બેઠક જીત્યું છે. તો અન્યોના ખાતે પણ 8 બેઠક આવી છે જેમાં ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ને 5 બેઠક, બીએસપી ને 1 બેઠક ચીરાગ પાસવાન ની એલજેપી ને 1 બેઠક અને ઇન્ડિપેંડેન્ટ ને 1 બેઠક મળી છે.

એટલે આમ જોવા જઈએ તો નીતીશ કુમાર માટે સરકાર ચલાવવી અને મુખ્યમંત્રી બનવું એ કંટાળો તાજ પહેરી કાંટાથી કંડારેલી ખુરસી પર બેસવા જેવી વાત છે. પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહ દ્વારા દિલ્લી બેઠા બેઠા ભાજપને બિહારમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું અને આઘાપાછા થતા મુખ્યમંત્રી પર કન્ટ્રોલ કરીને ઠેકાણે પાડી દીધા. એક કાંકરે બે શિકાર. અમિત શાહ વિપક્ષને કન્ટ્રોલ કરવાની સાથે સાથે પોતાની સહયોગી પાર્ટીઓને પણ કન્ટ્રોલ કરવાનું સારી રીતે જાણે છે.