
ગુજરાતમાં ભલે માત્ર આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ છે અને ચારે બાજુ એક જ વાત છે પક્ષપલટું જીતશે કે હારશે? ભાજપને પણ આજ ચિંતા સતાવી રહી છે જે ચિંતાને ડામવા માટે ભાજપે અનેક હથિયારો અને કોશિશો અજમાવી છે. ભાજપે પેટાચૂંટણી માં હારની બીકે સ્ટાર પ્રચારકને પણ મેદાને ઉત્તરી દીધા પરંતુ હજુ પણ ભાજપને પક્ષપલટુંના હારની બીક સાથે સાથે કેટલીક બેઠકો હારવાનો ડર સતાવી રહ્યો છે. ભાજપ જીતવા માટે અને મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

પક્ષપલટુંઓ સાથે ભાજપ નેતાઓ ગામડે ગામડે જ્યાં જ્યાં પ્રવાસે જાય છે ત્યાં ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તે જોતા ભાજપમાં આ ટેન્શન વધારે ઘેરું બન્યું છે. કાર્યકરોમાં પણ વિરોધ હતો અને હવે જનતામાં પક્ષપલટુંઓનો સખત વિરોધ જોતા ભાજપે ત્રીજો સર્વે કરાવ્યો છે. પેટા ચૂંટણી જાહેર થયા પહેલા પણ ભાજપ દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં ભાજપને આઠે આઠ બેઠકો પર નુકશાન ના ચોંકાવનારા પરિણામ મળ્યા હતાં. જ્યારે ભાજપે કરાવેલ બીજા સર્વેમાં પક્ષપલટું વાળી પાંચે પાંચ બેઠકો પર મોટા નુકશાનના તારણો મળ્યા હતાં.

મતદાનને હવે જૂજ દિવસો જ બાકી છે ત્યારે ગામડે ગામડે સતત વિરોધને જોતા ભાજપે ત્રીજો સર્વે કરાવ્યો છે. જેમાં પણ ભાજપને નુકશાન ના તારણો મળ્યા છે. જેમાં મોટામાં મોટું કારણ પક્ષપલટું અને કોંગ્રેસના આયાતીઓ ટિકિટ ફાળવણીથી નારાજ કાર્યકર્તાઓનું સામે આવ્યું છે. તેમજ લોકલ મુદ્દાઓ પણ ભાજપ પર હાવી થઈ રહ્યા છે. પેટાચૂંટણી ની એક રેલીમાં ભાજપ નેતા જ કબુલી ચુક્યા છે કે કોંગ્રેસમાં રહેતા ભાજપ તેમને ઓછી ગ્રાન્ટ આપતી હતી અને હવે જ્યારે કોંગ્રેસ નેતા ભાજપમાં આવ્યા છે ત્યારે કામ સરળતાથી થશે. ભાજપના મંત્રીએ આ બફાટ ખુદ મુખ્યમંત્રી સામે કર્યો હતો જે હવે આ ચૂંટણીમાં મુદ્દો બન્યો છે.

ત્યારે આ તમામ વચ્ચે ભાજપે પેટાચૂંટણી જાહેર થયાં બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બીજો સર્વે કરાવ્યો છે. ભાજપ દ્વારા કરાયેલા સર્વેમાં પરિણામ મળ્યું છે કે પેટા ચૂંટણી માં ભાજપ 3 બેઠક પર નબળી સ્થિતિમાં છે. ભાજપે કરાવેલ સર્વેમાં નુકશાની અને હારની ભીતિને કારણે ભાજપે સિનિયરનેતાઓને સક્રિય કર્યા છે અને પ્રચારની કમાન સોંપી છે. ભાજપે નબળી બેઠકો પર સ્ટાર પ્રચારક દ્વારા પણ પ્રચાર કરાવ્યો તોય પરિણામ સંતોષ જનક ના મળતાં ભાજપ મોવડી મંડળ દોડતું થઇ ગયું છે. આઠ વિધાનસભાની નબળી બેઠકો પર ભાજપના મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ ગઈ છે અને તમામ કામે પણ લાગી ગયા છે તેવું જાણવા મળ્યું છે.

ભાજપે પેટા ચૂંટણી જાહેર થયાં પહેલા કરાવેલ સર્વેમાં પેટા ચૂંટણી ની 8 બેઠકમાંથી આંઠે આંઠ બેઠકો પર મોટા નુકશાનના તારણો સામે આવ્યા હતા. ત્યારબાદ ભાજપ કામે લાગી ગયું હતું. ત્યારે હવે પેટા ચૂંટણી ને જૂજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપે વધુ એક સરવે કરાવ્યાના સમાચાર આવી રહ્યા છે જેમાં ભાજપ માટે ચોંકાવનારા પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી મામલે ભાજપે વધુ એક સરવે કર્યો છે. જે મુજબ વિધાનસભા બેઠકોના સરવેમાં 3 બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી હોવાનું કહેવાય છે.

આ ત્રણ બેઠકો એટલે કે ધારી, મોરબી અને કરજણ બેઠક પર ભાજપની સ્થિતિ નબળી હોવાનું સર્વેના તારણમાં સામે આવ્યું છે. જેમાં મુખ્ય મુદ્દા જોઈએ તો આયાતીને ટિકિટ, કાર્યકરોની અવગણના, અને લોકલ મુદ્દાઓનો સમાવેશ થાય છે. તેમજ સરકાર સામેની નારાજગી અને એન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને નુકસાન કરી શકે છે. સર્વેમાં ભાજપ માટે ચોંકાવનારા પરિણામો સામે આવતા ભાજપે સિનિયર નેતાઓને ધંધે લગાડી દીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટા ચૂંટણી ની નબળી બેઠકો પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાસે પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે.

ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ધારી બેઠક પર છેલ્લી ઘડીએ પ્રચારના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રીના વિશ્વાસુ ધનસુખ ભંડેરીને પણ ધારી વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં ખુદ મુખ્યમંત્રી શ્રીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીને પણ ભાજપે મેદાને ઉતાર્યા છે. અંજલિબેન રૂપાણીને મોરબી બેઠકની જવાબદારી આપવામાં આવી છે. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કરજણ બેઠક જીતાડવાની જવાબદારી આપવામાં આવી છે. ગૃહ મંત્રી સતત કરજણનો પ્રવાસ કરી રહ્યા છે અને કરજણ બેઠક જીતાડવા મથામણ કરી રહ્યાં છે.