
પેટા ચૂંટણી નું બ્યુગલ વાગી ચૂક્યું છે ધમધોકાર પ્રચાર થઈ રહ્યો છે. આઠે આંઠ બેઠકો પર ફોર્મ ચકસણી થઈ ચૂકી છે તમામ ઉમેદવારોને સિરિયલ નંબર પણ મળી ગયા છે અને હવે મતદાનને જૂજ દિવસો જ બાકી છે ત્યારે તમામ ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ આયાતી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે પરસેવો પાડી રહ્યું છે તો કોંગ્રેસે પાયાના કાર્યકરને ટિકિટ આપીને કાર્યકરોમાં ઉત્સાહ પુરી દીધો છે. બંને બાજુ લડાઈ રસાકસી વાળી છે. અને જોવા જઈએ તો ભાજપ માટે આ પેટા ચૂંટણી થોડી અઘરી છે કારણ એક જ છે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટિકિટ.

કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણી માં ભાજપ કાર્યકરોની આ નિરાશાને એનકેશ કરવાના જબરદસ્ત પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપ પોતાના કાર્યકારો અને આંતરિક અસંતોષ દૂર કરવામાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ દ્વારા માત્રને માત્ર ફોકસ પેટા ચૂંટણી જીતવાનું રાખવમાં આવ્યું છે અને ભાજપને પછાડવા માટે એક રણનીતિ બનાવવામાં આવી છે જે ભાજપને પોતાના જ મુદ્દે ઘેરવાની છે. છેલ્લા ત્રણ જેટલા દાયકાથી ભાજપ ગુજરાતમાં સત્તા સ્થાને છે તેને પણ મુદ્દો બનાવીને ભાજપને ઘેરવાની કોંગ્રેસ નેતાઓ દ્વારા જબરદસ્ત વ્યૂહરચના બનાવવામાં આવી છે. આ સાથે રૂપાણી સરકારની મુશ્કેલી વધી ગઈ છે.

કોંગ્રેસ દ્વારા ભાજપને પેટા ચૂંટણી માં પછાડવા માટે લોકલ મુદ્દાઓ કર્યા તૈયાર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દાઓમાં કોમન ચૂંટણી ઢંઢેરા સાથે સાથે વિસ્તાર વાઇસ મુદ્દાને પ્રાધાન્ય આપવામાં અવાયું છે. અને આ મુદ્દા સાથે જ્યારથી ઉમેદવાર નક્કી થયા એ દિવસથી જ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ભાજપને પછાડવા માટે કોંગ્રેસ દ્વારા સરકારની દુઃખતી રગ દબાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રની 5 બેઠકો પર પાક વિમાનો પ્રશ્ન મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો છે અને આ મુદ્દા દ્વારા ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે.

આ સાથે કોંગ્રેસ દ્વારા અલગ અલગ વિધાનસભા પ્રમાણે મજબૂત લેસન કરીને લોકલ મુદ્દાઓ અલગ તારવ્યા છે જેના આધારે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલ આ પેટા ચૂંટણી માં સૌથી વધારે હાઈલાઈટ વાળી બેઠક લીમડી છે કારણ કે સૌથી વધારે ફોર્મ લીમડી બેઠક પર જ ભરાયા છે ત્યારે લીમડી બેઠક પર પણ કોંગ્રેસ દ્વારા મજબૂત લેસન કરીને લોકલ મુદ્દે ચૂંટણી લડવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા લીંબડી બેઠકોનો સર્વે કરીને લોકલ મુદ્દા જેવા કે રોડ રસ્તા અને સિંચાઇનું પાણી વગેરે મુદ્દે જનતા વચ્ચે પહોંચી રહ્યા છે.

તો આવું જ મજબૂત લેસન ગઢડા બેઠક પર પણ કરવામાં આવ્યું છે કોમન મુદ્દાઓ સાથે સાથે લોકલ મુદ્દાઓ, જનતાને થતી સમસ્યાઓ અને સરકાર દ્વારા થઈ રહેલી અવગણના વગેરેને આવરીને દરેક બેઠક પર અલગ અલગ મુદ્દાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં ગઢડા બેઠકમાં સૌથી મોટી અને મહત્વની માંગણી સરકારી કોલેજ અને માર્કેટ યાર્ડ બનાવવાની છે જેને કોંગ્રેસ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં શામેલ કરીને જનતા સાથે રૂબરૂ થઈ રહ્યા છે. કોંગ્રેસ ભાજપને દરેક બેઠક પર મજબૂત ફાઈટ આપી રહી છે. કોંગ્રેસના યુવા નેતાઓ અમિત ચાવડા, હાર્દિક પટેલ અને પરેશ ધનાણી દ્વારા દરેક બેઠક પર ભાજપને પછાડવાની રણનીતિ બનાવી દીધી છે.

તો ગુજરાતની સૌથી મોટી વિધાનસભા અબડાસા બેઠક પર પણ મજબૂત હોમવર્ક કરવામાં આવ્યું છે. અબડાસામાં મુખ્ય મુદ્દામાં નર્મદાનું પાણી મળે તે છે. મોરબી બેઠક પર એક સમયના ચમકદાર ઉદ્યોગ ગણવામાં આવતાં સીરામીક ઉદ્યોગને ફરીથી મજબૂત કરવાનો મુદ્દો મહત્વનો છે. તેમજ માળીયા તાલુકામાં સિંચાઇનું પાણી અને સરકારી હોસ્પિટલનો મુદ્દો મહત્વનો છે જેને કોંગ્રેસ દ્વારા સમાવવામાં આવ્યો છે. જ્યારે ડાંગ અને કપરાડા બેઠક પર આદિવાસીઓના હક અને હિતના મુદ્દાને પ્રાધાન્ય આપવામાં અવાયું છે અને જળ, જંગલ જમીનની વાત સાથે પ્રચાર પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી છે.