
આમ તો ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જેટલી સીટ જીતશે એટલો નફો એટલો વકરો કહેવાત પરંતુ હવે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં મોટાપાયે બેઠકો મળવાને કારણે કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં આશાઓ – અપેક્ષાઓ વધી ગઈ છે.
૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ૧૦ – ૧૧ બેઠકો પર કોંગ્રેસ આસાનાથી જીત મેળવે તેવા સંકેત છે. આ ઉપરાંત જો ઉમેદવાર અને સારી રીતે રણનિતીથી આગળ વધી શકાય તો ૧૨ થી ૧૩ બેઠકો પણ જીતી શકાય .જ્યારે ૨ થી ૪ બેઠકો તેવી છે જેમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. એટલે કોંગ્રેસ 14થી 16 બેઠકો સુધી મેદાન મારે તેવી વાત હાઈકમાન્ડને કરવામાં આવી છે.
કઈ બેઠકો પર જીતની અપેક્ષા
સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પા઼ટણ, આણંદ, છોટા ઉદેપુર, બેઠકો પર કોંગ્રેસ સરળતાથી જીતશે તેવો કોંગ્રેસના નેતાઓનો દાવો છે.
આ તમામ લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે ૨૦૧૭ ની ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કર્યુ હતુ. તો સાથે સાથે આમાં મોટાભાગના ગ્રામિણ વિસ્તારો છે જ્યાં ખેડૂતો મોટા પ્રમાણમાં વધારે રહે છે અને ખેડૂતોના સહારે કોંગ્રેસને જીતની અપેક્ષા વધારે છે
કઈ બેઠકો પર પરિણામ બદલાઈ શકે છે
કોંગ્રેસ જો વધારે મહેનત કરે તો પાટીદારો, દલિતો અને મુસ્લિમોના નોંધપાત્ર મતો ધરાવતી કચ્છ લોકસભા બેઠક પર પણ મેદાન મારી શકે છે .
કઈ બેઠકો પર ટક્કર
દાહોદ, ભરૂચ, ખેડા, રાજકોટ, ભાવનગર લોકસભા બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ સારા ઉમેદવાર અને સારી રણનિતી સાથે મેદાનમાં ઉતરે તો તેમાંની પણ મોટાભાગની લોકસભા બેઠકો આંચકી શકે છે.
આ વિસ્તારોમાં ખેડૂતોનું પ્રમાણ ઘણું વધારે છે. ભાવનગર અન રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરી રહ્યા છે.
તો દાહોદ અને ભરૂચમાં કોંગ્રેસ ઉમેદવાર મજબુત આપે તો તેના પરંપરાગત મતદારોના વોટથી ચૂંટણી આસાનીથી જીતી શકે, તો ખેડામાં પણ કોંગ્રેસનો પરંપરાગત મતદાર જળવાઈ રહે તો રાહ એટલી મુશ્કેલ નથી.
રાહુલ ગાંધીની અપેક્ષા વધારે
રાહુલ ગાંધી આ પરિસ્થિતીને લઈને હજુ પણ મહેનત કરવાની વાતો કરી રહ્યા છે. વિધાસનભામાં જે પરીણામ આવ્યા ત્યાર બાદ ગુજરાતમાં કોંગ્રેસ વધારે બેઠકો જીતી શકવાની ક્ષમતા ધરાવતી હોવાનું રાહુલ ગાંધીનું માનવું છે.
એટલે રાહુલ ગાંધી વધારે અભ્યાસ, લોકોની વચ્ચે અને લોકોની સમસ્યાને વાચા આપવા માટે નેતાઓને સંકેત આપી દીધો છે. આ માટે તાજેતરમાં જ દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને સુચના આપવામાં આવી હતી.
શહેરોની બેઠકો પર કોંગ્રેસને ભરોસો નહીં
ગુજરાતની શહેરી વિસ્તારોની લોકસભાની સીટો પર કોંગ્રેસે પહેલાથી હાર માની લીધી હોય તેમ લાગી રહ્યુ છે. અમદાવાદ,સુરત,વડોદરા જેવી સીટો પર કોંગ્રેસે વધારે મહેનત કરીને સમય વ્યય કરવાનું ટાળશે તેમ લાગી રહ્યું છે. જો કે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદમાં પણ જનસંપર્કના કાર્યક્રમો થકી મોટાપાયે મુલાકાતો લઇ રહ્યા છે.
તો બીજીતરફ ભાજપ પણ ફરીથી ૨૬ એ ૨૬ બેઠક કબજે કરવાનું કહી રહી છે પરંતુ હવે પહેલા જેવો માહોલ નથી રહ્યો તેમજ કોંગ્રેસ પણ મજબુત થઇ ગઈ છે ત્યારે દરેક બેઠક પર બને તેટલી મહેનત કરીને મહત્તમ બેઠકો મેળવવાનું તેઓ પણ જરૂરથી લક્ષ્યાંક રાખશે.