
નેતાઓને આપણે ચુંટણીમાં મત આપીને વિજયી બનાવીએ છીએ અને સત્તાના સર્વોચ્ચ શિખરો પણ આપણે જ એટલે કે જનતા ચઢાવે છે. અને એકવાર સત્તા આવ્યા પછી આ જ નેતાઓ જે પોતાને બાહુબલી કહેવડાવે છે અને આપણા સાહેબ બની જાય છે અને જનતાને તેમની નોકર હોય એમ ટ્રીટ કરતાં હોય છે યુપીના ઉન્નવમાં એક આવો જ કિસ્સો બન્યો છે જેની ગુંજ આખાય દેશમાં પડી રહી છે. બાહુબલી નેતા કુલદીપ સેંગર જેલમાંથી ફોન કરીને કહે છે કે જીવતાં રહેવું હોય તો નિવેદન બદલી નાખજો!
ઉત્તરપ્રદેશના ઉન્નવમાં બનેલી બળાત્કારની ઘટનામાં ભાજપના ધારાસભ્ય હાલ તો જેલમાં બંધ છે પરંતુ જેલમાં બેઠા બેઠા તેઓ ઘણુંબધું કરી રહ્યા છે જેમાં બળાત્કાર પીડિત મહિલાના પરિવારને ડરાવવા ધમકાવવા સુંધી તો ઠીક તેમનું મરણ થાય તેવો જીવલેણ અકસ્માત પણ આ બાહુબલી નેતાના ઈશારે થયો છે તેવું પીડિતાના પરિવારનું કહેવું છે. આ ઉપરાંત પીડિતાના કાકાને વગર વાંકે ખોટા કેસમાં જેલમાં નાખી દેવામાં આવ્યા છે. તેવું પણ પીડીત પરિવારનું કહેવું છે.

ચકચારી ઉન્નાવ બળાત્કાર કેસના આરોપમાં જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર વિરુદ્ધ નોંધવામાં આવેલ FIR માં પીડિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી કુલદીપ સેંગર દ્વારા જેલની અંદરથી ફોન કરી પીડિત પરિવારને ધમકી આપવામાં આવી રહી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, કુલદીપ સિંહ ધમકી આપતા ફોન પર કહેતો હતો કે, જીવીત રહેવા માંગો છો તો કોર્ટમાં નિવેદન બદલી નાખજો. જે બાદ પરિવાર હતાશ અને ની:સહાય મહેસુસ કરતો હતો.

રવિવારે પીડિતા એટલે કે કુલદીપ સિંહ સેંગર પર રેપનો આરોપ લગાવનાર મહિલાની કારને પુર ઝડપે આવતાં એક ટ્રકે ટક્કર મારી હતી. જે અકસ્માતમાં પીડિતાની માસીનું મોત થઇ ગયું હતું. તેમજ રેપ પીડિતા અને તેમના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. પીડિતા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. આ ઘટના બાદ કુલદીપ સિંહ સેંગર સહિત 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવું પીડિતાના પરિવારને હાલતો સરકારે આશ્વાસન આપ્યું છે. તેમજ પોલીસ દ્વારા પણ પીડિતા તેમજ તેના પરિવારને પ્રોટેક્શન અવામાં આવશેની વાત કરવામાં આવી છે. પરંતુ હવે સુરક્ષાનો કોઈ મતલબ હોય એવું લાગતું નથી.

પીડિતા, તેના પરિવાર અને તેના વકીલ જે ગાડીમાં રાયબરેલીથી ઉન્નવ પાછા ફરી રહ્યા હતા તે ગાડીને જે ટ્રકે ટક્કર મારી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે જે અંગે પોલીસને પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ટ્રકની નંબર પ્લેટ કાળા રંગના પેઇન્ટથી છુપાઇ દેવામાં આવી હતી જેથી કરીને એક્સિડન્ટ થયા બાદ ટ્રકનો નંબર કોઈ જોઈ શકે નહીં. પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં આ ટ્રક અને તેના ચાલકની ઓળખ કરીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરીદેવામાં આવી છે.
આ અંગે પીડિત પરિવારના અન્ય સભ્યોનું કહેવું છે કે, આ અકસ્માત નથી પરંતુ આ જાણી જોઈને પીડિતા મહિલાને મારીનાખવા માટે ધારાસભ્ય કુલદીપ સેંગર દ્વારા કરાવવામાં આવેલ હુમલો છે. પીડિત પરિવારના સદસ્યોના આરોપને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે પીડિતા કે તેનો પરિવાર ઈચ્છે તો સરકાર આ ઘટના અંગે સીબીઆઈ તપાસ કરવા પણ તૈયાર છે.

પીડિતાના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલી પોલીસ ફરિયાદમાં કુલદીપ સેંગર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે કુલદીપ સેંગર ના લોકો પણ ધમકી આપવા આવતાં હતાં અમે કહેતાં હતાં કે, જો તમે કેસમાં સમાધાન નહી કરો તો તમારા બધાયની હત્યા કરી દેવામાં આવશે. ઉત્તરપ્રદેશના ભાજપના ધારાસભ્ય પર આ પ્રકારના ગંભીર આરોપ લાગ્યા બાદ વિપક્ષ નેતાઓ દ્વારા પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે પીડિતાને ન્યાય મલેટે માટે મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન મોદીને પણ રજુઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બળાત્કારના આરોપમાં જેલમાં બંધ કુલદીપ સેંગર ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય છે. કુલદીપ સેંગર વર્ષ 2002માં બીએસપીની ટિકિટથી ઉન્નાવ સદરથી, 2007માં સમાજવાદી પાર્ટીની ટિકિટથી બાંગરમઉ બેઠક પરથી, 2012માં ભગવંત નગર બેઠક પરથી અને 2017માં ભાજપની ટિકિટથી બાંગરમઉ બેઠક પર ચૂંટણી જીત્યા હતા. એટલે ઉત્તરપ્રદેશની ત્રણેય મુખ્ય પાર્ટીમાંથી ધારાસભ્ય પદે રહી ચૂકેલા છે.

આમ વર્ષ 2002થી રાજનૈતિક પાર્ટી બદલી હોવા છતાં સળંગ જીતીને આવતાં કુલદીપ સેંગર પોતાને બાહુબલી નેતા કહેવડાવતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે કુલદીપ સેંગર ના ઘરે 2017માં નોકરી માટે ગઇ હતી ત્યારે કુલદીપ સેંગર દ્વારા તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસ પીડિત મહિલાના પિતાને પકડી લઇ ગઇ હતી. જ્યાં પોલીસ કસ્ટડીમાં જ તેના પિતાનું મોત થયું હતું. પીડિતા દ્વારા જણાવ્યા પ્રમાણે તેના પિતાને કુલદીપ સેંગર ના ભાઇ અતુલ સેંગર અને તેમના લોકોએ પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો જેના કારણે તેણીના પિતાનું પોલીસ કસ્ટડીમાં જ મોત નીપજ્યું હતું.