રાજભરે મુખ્યમંત્રી યોગી અને પીએમ મોદી ને જબરદસ્ત ઝટકો આપતા ઉત્તરપ્રદેશની ત્રણ લોકસભા સીટ પર મહાગઢબંધન અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત 39 સીટો પર ભાજપ વિરોધી ઉમેદવાર ઉભરાખ્યાં છે. ઓમ પ્રકાશ રાજભરે મિર્ઝાપુરમાં કોંગ્રેસ, મહારાજગંજ અને બાંસગાંવમાં મહાગઢબંધનના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે.

લોકસભા ચુંટણીમાં ટિકિટ વહેંચણીથી અસંતુષ્ટ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભરે છેલ્લા ચરણની પૂર્વાંચલની ત્રણ સીટ પર વિપક્ષી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું છે. ભાજપ મોદી અને અમિત શાહ દ્વારા અવગણના અને સીટ વહેચણી બાબતે થયેલી તકરારના અંતે તેમના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

રાજભરે મિર્ઝાપુરમાં કોંગ્રેસ ઉમેદવાર લલીતેશ પતિ ત્રિપાઠી અને મહારાજગંજ અને બાંસગાંવમાં મહાગઢબંધનના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે. સુભાસપાના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ રાજભરે આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મિર્ઝાપુર, મહારાજગંજ અને બાંસગાંવમાં પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અરુણ રાજભરે જણાવ્યું હતું કે, ફોર્મ રદ થયાં બાદ કાર્યકરો સાથે વિચાર-વીમર્શ પછી કોંગ્રેસ અને મહાગઢબંધનના ઉમેદવારોને સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્ટીના કાર્યકરો પીએમ મોદી અને ભાજપના ઉમેદવારને હરાવવાનું કાર્ય કરશે.

લોકસભા બેઠકોની વહેંચણી બાબતે ભાજપ સાથે મનમેળ ના થતાં રાજભરે પૂર્વાંચલની 39 સીટો પર પ્રત્યાશી ઉભા રાખ્યા છે આમાં પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પણ સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલ અતિ મહત્વનું ગણવામાં આવે છે કારણકે ત્યાં સીટો વધારે છે માયાવતી પણ ઘણા સમયથી પૂર્વાંચલમાં પોતાની પકડ જમાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

બીજી તરફ રાજભરે જણાવ્યું હતું કે, તેમણે 13 એપ્રિલના રોજ યોગી આદિત્યનાથના કેબિનેટ માંથી રાજીનામુ આપી દીધું હતું પરંતુ મુખ્યમંત્રી દ્વારા હજુ રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. આ ઉપરાંત તેમણે ચુંટણી પંચમાં પણ ભાજપ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચારમાં તેમના ફોટોનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા પાર્ટી કાર્યકર્તાઓ ભાજપને હરાવવામાં મદદ કરશે. નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી નહીં બની શકે. મને ભાજપના હારવાની કોઇ પરવા નથી. આમ એનડીએના વધુ એક ઘટક દળ દ્વારા એનડીએ સાથે છેડો ફાડવામાં આવી રહ્યો છે.

તેમણે કહયું કે, હવેના વડાપ્રધાન દલિત વર્ગના હશે, વડાપ્રધાન બનવા માટે માયાવતીનો દાવો સૌથી મજબૂત છે, કારણ કે તેમનું કામ બોલે છે અને જો જરૂર પડશે તો હું પણ તેમને ટેકો આપીશ. હાલ ન તો મને મહાગઠબંધનનો સાથ છે કે ન તો એનડીએનો સાથ.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ વખતે ૧૧૯ દલિત સાંસદ બનશે અને ઓછી બેઠકો હોવા છતાં પણ દલિત હોવાથી માયાવતીનો કોઇ વિરોધ કરી નહી શકે. યોગી સરકારના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે લોકસભાની ચૂંટણીના સાતમા તબકકામાં પૂર્વાંચલની ૩ બેઠકો પર વિપક્ષી ઉમેદવારોને સમર્થન આપ્યા બાદ રાજકારણમાં ગરમી આવી ગઈ છે. અને આ ત્રણેય મહત્વની સીટો ગણવામાં આવે છે.

ભાજપના એનડીએ ગઢબંધનમાં ધીમે ધીમે દરારો વધવા લાગી છે ચુંટણી બાદના ગઢબંધનમાં ભાજપને જબરદસ્ત ફટકો પડી શકે તેમ છે. હાલ ભાજપ અને નરેન્દ્ર મોદી માટે એક એક સીટ મહત્વની છે ત્યારે આવા મહત્વના લોકો અને પાર્ટીઓ દ્વારા ભાજપનો વિરોધ એ ભાજપને ખુબજ મોંઘું સાબિત થઈ શકે એમ છે.



