બોલીવુડની અભિનેત્રીને થયું કેન્સર, લખ્યું કુટુંબ અને મિત્રોની સાથે બીમારી સામે જંગ લડીશ
સોનાલી બેન્દ્રેએ સોસીયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેમનુ કેન્સર ચોથા સ્ટેજનું છે અને હાલ તે ન્યુ યોર્કમાં સારવાર કરાવી રહી છે.

સોનાલી બેન્દ્રેએ સોસીયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેમનુ કેન્સર ચોથા સ્ટેજનું છે અને હાલ તે ન્યુ યોર્કમાં સારવાર કરાવી રહી છે. ગયા મહીને તેને મુંબઈની હિન્દુજા હેલ્થકેર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં તેને ગાયનેક પ્રોબ્લેમ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. સોનાલીએ વર્ષ ૨૦૦૨ માં ફિલ્મ નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા અને બંનેનો ૧૩ વર્ષનો દીકરો રણવીર છે.
સોસીયલ મીડિયા દ્વારા આપી માહિતી
બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ સોસીયલ મીડિયા પોસ્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેને કેન્સર થયું છે. સોનાલી બેન્દ્રેએ કહ્યું કે, ’જ્યારે જ્યારે તમારી જિંદગી પાસેથી અપેક્ષાઓ ઓછી થઈ જાય છે ત્યારે ત્યારે જિંદગી તમારી સામે કર્વબૉલ નાખતી હોય છે. તાજેતરમાં જ મને હાઈગ્રેડ કેન્સરનું નિદાન થયું છે છે જેના વિશે મને કંઈ પણ ખ્યાલ નથી. ગાંઠ મોટી નથી પણ કેન્સર શરીરનાં અન્ય બીજા ભાગોમાં પણ પ્રસર્યું છે. કેટલાક કષ્ટદાયક પરીક્ષણો બાદ જે નિદાન થયું તે ખરેખર અણધાર્યું હતું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે, અને લોકો ભલે કંઈ પણ કહે પણ તેઓ મને ખૂબ જ સાથ-સહકાર આપી રહ્યાં છે. હું ખુબ જ નસીબદાર છું અને તે દરેક વ્યક્તિનો આભાર માનું છું.’
સોનાલી બેન્દ્રેએ આગળ કહ્યું કે, ’આ કેન્સર સામે લડાઈ આપવા માટે અને સારવાર કરાવવા માટે હું ન્યૂ યૉર્ક જઈ રહી છું. આ એવી ગંભીર બિમારી છે કે જે ઝડપથી મટી શકે તેવી નથી. મારા ડૉક્ટરોએ આની સારવાર માટે મને ન્યૂ યૉર્ક જવાની સલાહ આપી છે. હું દરેક પ્રકારની લડત આપવા તૈયાર છું. છેલ્લા કેટલાક દિવસોમાં મને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે તે માટે હું તમારી ખૂબ જ આભારી છું. મને વિશ્વાસ છે કે મારી આ લડાઈમાં મારો પરિવાર મારા મિત્રો અને તમે બધા જ મારી સાથે છો.’
સોનાલી બેન્દ્રેએ સોસીયલ મીડિયા પર જાહેર કર્યું કે તેને કેન્સર છે તે સમાચાર તેના તમામ ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે. સોનાલી બેન્દ્રેએ માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર, ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામ પર એક સરખી પોસ્ટ મુકીને પોતાના ચાહકો સમક્ષ એકરાર કર્યો છે. સોનાલીના ફેન્સ તરફથી પણ સોનાલીને સાથ સહકાર મળી રહ્યો છે સોસીયલ મીડિયામાં ચારો તરફથી સોનાલી માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રોત્સાહન આપીને કેન્સર સામે લડવા તેનો જુસ્સો વધારી રહ્યા છે.
સફળ ફિલ્મોમાં કર્યો છે અભિનય
સોનાલી બેન્દ્રેએ બોલીવુડમાં વર્ષ ૧૯૯૪ માં ફિલ્મ “આગ” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પ્રથમ ફિલ્મ માંજ “ફિલ્મફેર અવોર્ડ ફોર ન્યુ ફેસ ઓફ ધ યર” નો ખિતાબ હાંસિલ કરી લીધો હતો. ૧૯૯૪ થી વર્ષ ૨૦૧૩ સુંધીની સફળ કારકિર્દીમાં હમ સાથ સાથ હે, સરફરોશ, કલ હો ના હો વગેરે જેવી સફળ હીટ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે.