GujaratIndiaPolitics

ટપાલને કારણે રાજકારણમાં આવેલા માધવસિંહ સોલંકી ના આ રેકોર્ડ કોઈ મુખ્યમંત્રી તોડી શક્યું નથી!

ગુજરાતમાં પાવાગઢના ડુંગરોથી એક નદી નિકળે છે – ઢાઢર, આ નદી સો કિલોમીટર જેટલું અંતર પસાર કરીને ભરૂચ જીલ્લામાં પહોંચે છે અને ત્યાંથી અરબી સમુદ્ર તરફ જાય છે. ભરૂચ જીલ્લામાં આ નદીથી નજીક એક નગર આવેલું છે, આમોદ. વર્ષ ૧૯૪૦ ની વાત છે. એક છોકરો મેટ્રિક પાસ કરીને ભવિષ્ય બનાવવા મહેનત કરી રહ્યો હતો, તો તેને એક જ વાત નડી રહી હતી જે તેના પિતાને પણ અગાઉ નડી હતી, કે આગળના શિક્ષણ માટે રૂપિયા ક્યાંથી આવશે ?

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

તેના પરિવાર પાસે લગભગ એક વીઘાનું ખેતર હતું, પિતા ફૂલસિંહ ઘણા પડકારોની સામે આઠમાં ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શક્યા હતા. પૈસાની કમીને કારણે તેઓ આગળ ભણી ના શક્યા. જો કે આ શિક્ષણથી પણ તેમને સાત રૂપિયાના માસિક વેતનથી પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. આટલા રૂપિયામાં ઘરખર્ચ પણ મુશ્કેલીથી નીકળતો હતો, તેવામાં આગળના શિક્ષણના પૈસા ક્યાંથી આવશે તેવો પ્રશ્ન હતો..

કોઈ ઓળખીતા દ્વારા ભલામણ થતા આ છોકરો ગુજરાતના ગાંધીવાદી નેતા અને મહાગુજરાત ચળવળના આગેવાન ઇન્દુલાલ યાજ્ઞિકને મળ્યો. ઈન્દુલાલે તેને ૧૦ રૂપિયા મહીને આપવાની વાત કરી. રહેવા માટેની જગ્યા અપાઈ સાબરમતી આશ્રમમાં. ભણતર શરુ કર્યું, છોકરાને ભણવામાં રસ પણ વધતો ગયો. તે દર રવિવારે અમદાવાદના ગુજરી બજારમાં ફરતો દેખાતો. ત્યાં પુસ્તકો મફતના ભાવે મળતા રહેતા. બચેલા રૂપિયા તે પુસ્તકોમાં ખર્ચી નાખતો.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

તેણે તે સમયે વિચાર્યું પણ નહી હોય કે કેટલાક વર્ષો પછી તેની ખુદની લાયબ્રેરીમાં ૧૫ હજારથી પણ વધારે પુસ્તકો હશે. આ છોકરાનું નામ એટલે ‘માધવસિંહ સોલંકી’. BA ના પ્રથમ વર્ષમાં માધવસિંહ સોલંકી ઇન્દુલાલ યાજ્ઞિક જોડે ગયા. તે સમયે ઇન્દુલાલ યાજ્ઞિક ‘ગ્રામ વિકાસ’ નામનું સાપ્તાહિક ચલાવતા હતા. માધવસિંહે કહ્યું કે, તેમને પણ આ પત્રિકા માટે કઈક લખવું છે. ઈન્દુલાલે જવાબમાં ગ્રામ વિકાસના લેખોની એડીટીંગ અને કેટલાક અંગ્રેજી લેખોને ગુજરાતમાં ભાષાંતરિત કરવાની જવાબદારી આપી દીધી.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

કોલેજથી છૂટ્યા બાદ માધવસિંહની સાયકલ સાબરમતી આશ્રમને બદલે અમદાવાદના રાયખડ વિસ્તાર તરફ જવા લાગતી. ત્યાં ‘ગ્રામ વિકાસ’ ની કચેરી હતી. બે વર્ષ સુધી આ સાપ્તાહિક મેગેઝીન જેમ તેમ કરીને ચાલતી રહી પણ આર્થિક તંગીને કારણે બંધ થઇ ગઈ. માધવસિંહ સોલંકીનું ગ્રેજ્યુએશન થઇ ગયું હતું. તેમણે આગળના શિક્ષણ અને પરિવારની મદદ માટે નોકરી શોધવી પડે તેમ હતી. અમદાવાદના રેવડી બજાર (સિંધી માર્કેટ) માં જે તે સમયે ની કચેરી હતી. આ અખબારના માલિકના હાથમાં એક તેવા વ્યક્તિનો ભલામણનો પત્ર આવ્યો કે જેને તેઓ નકારી શકે તેમ નહોતા.

ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા લખાયેલા પત્રમાં માધવસિંહ સોલંકી તેમના મિત્ર હોવાનું કહેવાયું હતું અને તેઓને કામ મળી જાય તો યાજ્ઞિક ખુશ થશે તેમ લખ્યું હતું. સમય મહાગુજરાત આંદોલનનો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક આ આંદોલનના મુખ્ય આગેવાન હતા. ગુજરાતની જનતાએ તેઓને નવું નામ આપ્યું હતું, ‘ઇન્દુ ચાચા’. માધવસિંહ સોલંકી અને ઇન્દુલાલ યાજ્ઞિકની ઉંમરમાં ઘણો મોટો તફાવત હતો. પરંતુ પત્રમાં તેમણે માધવસિંહને મિત્ર કહ્યા હતા.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

ઇન્દ્રવદન ઠાકોરભાઈએ પત્ર વાંચીને અખબારના એડિટર કપિલરાય મહેતાને રૂમમાં બોલાવીને માધવસિંહને રાખવાનું કહ્યું. કપિલરાય મહેતાએ માધવસિંહ સોલંકીને અંગ્રેજી લેખો અને ગુજરાતી ટેલીપ્રિન્ટર પકડાવી દીધા. બે મહિના સુધી તેઓ ટેલીપ્રિન્ટર પર અંગ્રેજી લેખોનું ભાષાંતર કરતા રહ્યા. બે મહિના પછી તેમને ૮૦ રૂપિયા મહિનાના પગારથી નોકરીમાં કાયમી કરી દેવાયા. ગુજરાત સમાચારમાં લગભગ બે વર્ષ સુધી કામ કર્યા બાદ ગુજરાતી અખબાર ‘ લોકનાથ’ ના મેગેઝીન સેકશનના એડિટર તેઓને બનાવી દેવામાં આવ્યા. પગાર થઇ ગયો મહીને ૧૨૫ રૂપિયા.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

માધવસિંહ સોલંકી તે સમયે ગાંધી આશ્રમમાં રહેતા હતા. લોકનાથ અખબારમાં નોકરીની સાથે સાથે વકીલાતનું પણ શિક્ષણ તેઓ મેળવી રહ્યા હતા. આ સમયે તેમની સાથે કોલેજમાં મિત્ર હતા હામીદ કુરેશી. કુરેશી બાળપણથી જ સાબરમતી આશ્રમમાં રહેતા હતા. માધવસિંહ અને હામીદ વચ્ચે મુલાકાત પણ ત્યાં જ થઇ હતી. તેવામાં આવી ૧૯૫૭ ની વિધાનસભાની ચૂંટણી. આ સમયે ગુજરાત બોમ્બે રાજ્યનો ભાગ હતો. હામિદે તેના દોસ્ત માધવસિંહને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું કહ્યું.

માધવસિંહે ના પાડી દીધી. માધવસિંહ ગરીબ પરિવારથી આવતા હતા. તેમણે હામીદને કહ્યું, ‘ મારે વકીલાત કરીને રૂપિયા કમાવા છે કે જેથી હુ મારા પરિવારને મદદ કરી શકું. આ વાતની જાણકારી બાબુભાઈ જશભાઈ પટેલને મળી. તે સમયે તેઓ બોમ્બે સ્ટેટના નાયબ મુખ્યમંત્રી હતા. બાબુભાઈ જશભાઈ પટેલ માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરભાઈના અંગત મિત્ર હતા. તેમણે બોમ્બેથી એક પત્ર ઈશ્વરસિંહ ચાવડાને મોકલ્યો. આ પત્રમાં લખ્યું હતું કે જો તમારા જમાઈ આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉભા રહેશે તો કેવું રહેશે ?

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

‘બાબુભાઈ જશભાઈ પટેલનો પત્ર લઈને ઈશ્વરસિંહ સાબરમતી આશ્રમ પહોંચ્યા, માધવસિંહે ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધી. તેના કારણમાં હામીદ કુરેશીને કહ્યું તેમ જ જણાવ્યું કે તેઓએ પરિવારનું ભરણ પોષણ કરવા રૂપિયા કમાવા જરૂરી હતા. સસરાને ના પાડીને આ વાતથી માધવસિંહ છૂટી ગયા હતા બીજીતરફ બોમ્બે પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક ચાલી રહી હતી. બાબુભાઈએ માધવસિંહના સસરા ઈશ્વરસિંહને પત્ર લખ્યો હતો તેનો કોઈ જવાબ મળ્યો ન્હોતો. બાબુભાઈએ તેને ‘હાં’ સમજીને માધવસિંહનું નામ આગળ કરી દીધું. આ રીતે તેમનું નામ ઉમેદવારોની યાદીમાં આવી ગયું. બીજા દિવસે જ્યારે અખબારમાં આ યાદી છપાઈ તો માધવસિંહને તેમની ઉમેદવારીની જાણકારી મળી.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

આ રીતે એક ટપાલ દ્વારા અને અધૂરા મહીતીસંચારની ભૂલને કારણે માધવસિંહનો રાજકારણમાં પ્રવેશ થયો. આ ટપાલ લખનાર હતા બાબુભાઈ પટેલ. તે જ બાબુભાઈ પટેલ કે જેમની સરકાર પાડીને ૧૯૭૬ માં માધવસિંહ સોલંકી પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૭ ની વિધાનસભા ચૂંટણી તેઓ બોરસદ દક્ષિણ બેઠકથી લડ્યા. સામે હતા અપક્ષ ઉમેદવાર ખોડાભાઈ પરમાર. આ ચૂંટણીમાં માધવસિંહની જીત થઇ અને તેઓ વિધાનસભામાં પ્રવેશ્યા. ૧૯૬૨ માં નવરચિત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી થઇ. જીવરાજ મહેતાની નેતાગીરીમાં તેઓ પ્રથમ વખત રેવન્યુ મીનીસ્ટર બન્યા. ત્યારબાદ ૧૯૭૫ સુધી તેઓ કોંગ્રેસની દરેક સરકારમાં મંત્રી બન્યા.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

૧૯૭૫ ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ આવ્યા હતા. જનસંઘને ૬૭ બેઠકો , કોંગ્રેસ સંસ્થાની ૭૦ બેઠકો અને ચિમનભાઈ પટેલના કિસાન મજદૂર લોકપક્ષના ૧૨ ધારાસભ્યોના જોરે બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ગઠબંધનને નામ અપાયું હતું જનતા મોરચો. કટોકટી લાગુ થવાના લગભગ નવ મહિના પછી ચિમનભાઈ પટેલે વફાદારી તોડી નાખી અને ૧૯૭૬ માં જનતા મોરચાની સરકાર પડી ગઈ.

આ કટોકટીનો સમય હતો અને કોંગ્રેસ (સંસ્થા) ના ધારાસભ્યોએ પણ વફાદારી બદલવાની શરુ કરી. ડીસેમ્બરની શરૂઆતમાં કોંગ્રેસ (આઈ) જુથમાં ધારાસભ્યોની સંખ્યા ૭૫ થી વધીને ૧૦૪ થઇ ગઈ હતી. ઇન્દિરા ગાંધીના કહેવા પર માધવસિંહ સોલંકીએ ડીસેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજુ ર્ક્યો. ૨૪ ડિસેમ્બરે તેઓએ રાજ્યના સાતમાં મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

આ સરકાર લાંબી ના ચાલી. ૧૯૭૭ ના માર્ચ મહિનામાં ઇન્દિરા ગાંધીએ લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી. કેન્દ્રમાં કોંગ્રેસની શરમજનક હાર થઇ. મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા. જેના કારણે ગુજરાતના રાજકારણમાં પણ નવા પરિવર્તનો આવ્યા. કોંગ્રેસ (ઓ) અને જનસંઘનો રાજકીય વિલય થઇ ગયો. કેન્દ્રની જેમ તેનું નામ જનતા પાર્ટી રાખવામાં આવ્યું. બળવાખોર ધારાસભ્યો પાછા ફરવાના શરુ થયા અને કોંગ્રેસ ફરીથી ૭૫ ના આંકડા પર આવી ગઈ.

તેવામાં ૧૦ એપ્રિલ ૧૯૭૭ ના રોજ માધવસિંહ સોલંકી સરકારે વિધાનસભામાં બહુમતી ગુમાવી દીધી અને સત્તાથી દુર થઇ ગયા. ત્યારબાદ માધવસિંહ સોલંકી ૧૯૮૦, ૧૯૮૫ અને 1989 માં ફરીથી એટલે કે કુલ ચાર વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આજદિન સુધી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો લાવવાનો અને સૌથી વધુ વખત સીએમ બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે અકબંધ છે.

માધવસિંહ સોલંકી
ફોટો સોશિયલ મીડિયા

૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ તેમનું નિધન થયું છે, તેમના નિધનના સમાચાર સાંભળતા જ સમર્થકો તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આવવા લાગ્યા હતા, મુખ્યમંત્રી વિજય રુપાણીએ રૂબરૂ તેમના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તથા તેમના પુત્ર ભરતસિંહ સોલંકીને ફોન દ્વારા દુખ વ્યક્ત કર્યું હતું. તો તેમના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ રાજકીય ક્ષેત્રે ગુજરાતના ટોચના નેતાઓમાં આવે છે.

Show More

Related Articles

Back to top button