GujaratIndiaPolitics

ભાજપના સ્લોગનને કોંગ્રેસે મોંઘવારી સાથે જોડયું! મોંઘવારી મુદ્દે કોંગ્રેસ બની આક્રમક!

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનેક પ્રકારના સ્લોગનો, ગીતો અને ક્રિએટિવ્સ તૈયારકારવામાં આવ્યા છે. તો કેટલાક ઉમેદવારો દ્વારા પોતાના અલગ સ્લોગનો અને ગીતો તૈયાર કરવામાં આવ્યા છે. મતલબ ચૂંટણીનો માહોલ એકદમ મજબૂત રીતે જામ્યો છે. તો આવા સમયમાં ભાજપ ના કેટલાક અસંતુષ્ટ કોંગ્રેસમાં અને કોંગ્રેસના અસંતુષ્ટ ભાજપમાં આવન જાવન ચાલુ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ આ મુદ્દો પણ બન્યો છે. પરંતુ બંને પાર્ટીઓ હાલ મજબૂત મુદ્દો શોધી રહ્યા છે.

ભાજપ દ્વારા ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ નું સ્લોગન આપવામાં આવ્યું છે તો કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કરશે ગુજરાઈટ ના સ્લોગન સાથે શપથ પત્ર લોન્ચ કરવામાં આવ્યું છે. ભાજપ હજુ પણ કોઈ લોકલ મુદ્દા ને પ્રાધાન્ય આપીને આગળ વધી રહ્યું નથી. જયારે કોંગ્રેસને બ્રહ્માસ્ત્ર હાથ લાગ્યું છે. કોંગ્રેસ દ્વારા લોકલ મુદ્દાની સાથે સાથે મોંઘવારીને પણ મુદ્દો બનાવવામાં આવ્યો છે. ભાજપ આ મુદ્દાને ઇગ્નોર કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ મોંઘવારીને મોટો મુદ્દો બનાવી રહ્યું છે. ભાજપે લોન્ચ કરેલા સ્લોગનને કોંગ્રેસ દ્વારા મોંઘવારી સાથે જોડી દેવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ભાજપને સખત રીતે ઘેરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા ભાજપના સ્લોગન સાથે મોંઘવારીને જોડીને ભાજપને ઘેરવામાં આવ્યું છે. કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર #મક્કમઅડીખમમોંઘવારી નું કેમ્પઇન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વધતાં જતા પેટ્રોલ ડીઝલના ભાવ, વધતાં જતાં રાંધણ ગેસના ભાવ, ખાદ્ય તેલના ભાવ, શાકભાજી વગેરે ના ભાવ સાથે વધતી જતી મોંઘવારી વગેરે અંગે ભાજપને ઘેરવામાં આવ્યું છે.

ભાજપના દરેક નેતાઓ મોંઘવારીના મુદ્દે સાઇલેન્ટ છે ત્યારે કોંગ્રેસ આ જ મુદ્દે ભાજપ સામે અગ્રેસીવ બનીને આગળ વધી રહી છે. ભાજપ નેશનલ ઇસ્યુ ને આ ચૂંટણીમાં મુદ્દાઓ બનાવી રહી છે તો કોંગ્રેસ લોકલ મુદ્દા અને મોંઘવારીને પ્રાધાન્ય આપી રહી છે. બીજી તરફ ભાજપના સ્ટાર પ્રચારકો પણ મોંઘવારીના મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. રાંધણ ગેસના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો વગેરેને ભાજપ અવગણવા માંગે છે. પણ કોંગ્રેસ આ મુદ્દે ભાજપ સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે.

સ્મૃતિ ઈરાની ભાજપના ફાયર બ્રાન્ડ નેતા છે. વિપક્ષમાં હતા ત્યારે સત્તાપક્ષને મજબૂત રીતે ઘેરતાં હતા. કોંગ્રેસની સરકાર વખતે મોંઘવારી બાબતે અથવા કોઈને કોઈ કારણોસર ધરણાં પ્રદર્શન કરીને લોકલાગણી મેળવવામાં માહેર ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોંઘવારી મુદ્દે એક શબ્દ પણ બોલવાનો ટાળ્યો હતો અને રામ મંદિરથી ભાષણની શરૂઆત કરી હતી. હાલમાં મોંઘવારી એ સૌથી મોટો મુદ્દો છે ત્યારે ભાજપ આ મુદ્દાને અડવા પણ મંગતું નથી.

કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા કેમ્પઇનના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. કોંગ્રેસના નેતાઓ સમગ્ર ગુજરાતમાં લોકલ મુદ્દાની સાથે સાથે મોંઘવારી બાબતે પણ ભાજપને ઘેરશે. આ પહેલા પણ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર વર્ષ 2017ની ચૂંટણીમાં લોન્ચ કરવામાં આવેલું #વિકાસગાંડોથયોછે કેમ્પઈન સૌથી સફળ કેમ્પઈન હતું. ત્યારબાદ પેપર લીક થયાની ઘટના બાદ કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા #વિકાસલીકથયો ચલાવવામાં આવ્યું હતું. તો મુખ્યમંત્રી દ્વારા કોઈ સવાલના જવાબમાં મને ખબર નથી જણાવ્યા બાદ કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા #મનેખબરનથી ચલાવવામાં આવ્યું હતું. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં #કોંગ્રેસકરશેગુજરાઈટ તેમજ #મક્કમઅડીખમમોંઘવારી અને #અલ્યાહવેતોસુધરો નું કેમ્પઈન લોન્ચ કરવામાં આવ્યું છે. જે સૌથી વધારે હિટ થઈ રહ્યા છે.

Related Articles

Back to top button