
ભારતની આઝાદી માટે પોતાની જિંદગી ખર્ચી નાખનારા ભારતના વીર સપૂતોના મૃત્યુના દાયકાઓના દાયકાઓ બાદ પણ તેમને વિદેશી ધરતી પર યાદ કરવામાં આવી રહ્યા છે. ગાંધીજી એ અહિંસાત્મક સત્યાગ્રહ આંદોલન કરીને માત્ર ભારત દેશ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર અમિટ છાપ છોડી હતી. જે ના માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વમાં આજે પણ જીવિત છે. તેમને આજે પણ યાદ કરવામાં આવી રહ્યા છે. મૃત્યુના વર્ષો બાદ આજે પણ મહાત્મા ગાંધી વિશ્વમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. તેમના કામો, તેમની લડાઈ દેશ દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ ગૌરવપૂર્ણ બનાવે છે. જે અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં જોવા મળ્યું.

બીજી તરફ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેમની દીર્ઘદ્રષ્ટિને આજે પણ વાખાણવામાં આવી રહી છે તેમણે ભારતની ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક દેશ તરીકે કલ્પના કરી હતી જેના આજે પણ વિશ્વની મહાસત્તા ગણવામાં આવતાં અમેરિકામાં ડંકા વાગે છે ના માત્ર અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વમાં તેમની દૂરંદેશીનીતિ અને ભારતની તમામ પ્રકારની નિતીરીતિના વખાણ થઈ રહયા છે ભારત દેશ આજે જે છે તેમાં નેહરુની દુરંદેશીનીતિ જવાબદાર છે તેમાં કોઈ બે મત નથી. જેનું ઉત્તમ ઉદાહરણ પાકિસ્તાન છે ક્યાં પાકિસ્તાન અને ક્યાં ભારત દેશ. એક તરફ આતંકવાદ અને ભૂખમરીમાં પોતાનું ભવિષ્ય શોધતો દેશ પાકિસ્તાન તો બીજી તરફ મંગળયાન અને ચંદ્રયાન અંતરિક્ષમાં મોકલીને વિશ્વમાં પોતાની આગવી ઓળખાણ ઉભી કરતો દેશ ભારત.

અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંયુક્ત રીતે હાઉડી મોદી ના કાર્યક્રમને સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં લાખોની મેદની ઉમટી હતી. જ્યાં ભારતના વખાણ કરતાં હાઉસ મેજોરીટી નેતા સ્ટેની એચ હોયરે કહ્યું હતું કે,”ભારત અમેરિકાની જેમ પોતાની પરંપરાઓ પર ગર્વ કરે છે અને પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગાંધીજીના શિક્ષા ઉપદેશો અનુસાર અને નહેરુની ભારત માટેની દ્રષ્ટિ એક ધર્મનિરપેક્ષ લોકતંત્રના રૂપમાં છે, જ્યાં બહુલતાવાદ અને માનવાધિકારોનું સમ્માન પ્રત્યેક વ્યક્તિની રક્ષા કરે છે.”

ખરેખર ભારત માટે આ એક સમ્માન સમાન છે. અમેરિકામાં વસતા ભારતીયો માટે આ મસમોટું સમ્માન છે. જે ભારત અને અમેરિકાના સંબંધો વધારે ગાઢ બનાવશે. જે મનમોહન સિંહના સમયથી ચાલ્યા આવે છે. મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતાં ત્યારે અમેરિકા દરેક મોરચે ભારત સાથે ઉભું રહ્યું હતું અને કેટલીક વાર સૌજન્યમાં અમેરિકન પ્રેસિડેન્ટ બારાક ઓબામા દ્વારા મનમોહન સિંહને તમામ પ્રકારના પ્રોટોકોલ તોડીને રિસીવ કરવા પહોંચવું વગેરે જેવા અમેરિકાના ઇતિહાસમાં અસામાન્ય ગણવામાં આવે તેવા પ્રસંગો પણ બની ચુક્યા છે.

અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ હાઉડી મોદી સાથે કાર્યક્રમ થવો અને તેમાં ભારતના વખાણ થવા એ ભારતના નેતાઓની ઉપલબ્ધી ગણાવી શકાય અને ભારત માટે એક ઐતિહાસિક દિવસ પણ ગણી શકાય. ભારતના પોતાના વારસા અને મૂલ્યોના કારણે આજે વિશ્વ ફલક પર પોતાનું નામ અંકિત કરી ચુક્યો છે જેમાં કોઈ એક બે નહિ પરંતુ આજના ભારત માટે મહાત્મા ગાંધીથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુંધીના તમામ નેતાઓને શ્રેય જાય છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ પ્રધાનમંત્રી મોદીના વખાણ કરવામાં આવ્યા હતાં તેમણે જણાવ્યું કે, ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધારે મજબૂત થઈ રહ્યું છે અને આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારત સાથે ખભેથી ખભો મિલાવીને ઉભું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે આગામી ચુંટણી માટે “અબકી બાર ટ્રમ્પ સરકાર” નું સ્લોગન આપ્યું હતું. હાઉડી મોદી કાર્યક્રમના અંતે બંને નેતાઓએ એક બીજાને ગળે મળીને અભિવાદન કર્યુ હતું. પછી આખાય સ્ટેડિયમમાં ઉમટેલી જનમેદનીનું અભિવાદન એકબીજાના હાથમાં હાથ નાખીને કર્યું.