અતિ ઉત્સાહ અને કાર્યકરોમાં જોશ પુરવામાં પોતાના પગ પર કુહાડી વાગી જાય આવું ચુંટણી આવે એટલે ચોક્કસ જોવા મળતું હોય છે પરંતુ આવા નિવેદનો પોતાની છબી સાથે સાથે પોતાની પાર્ટીની છબીને પણ નુકશાન કરતાં સાબીત થાય છે. અને પક્ષને આવા નિવેદન ને કારણે મોટું નુકશાન ભોગવવું પડે છે ખાસ કરીને ત્યારે જયારે ચુંટણી નજીક હોય છે. આવું જ કંઈક ભાજપના નેતા સાથે થયું. નેતાજીના નિવેદન ને લીધે ભાજપ હાઈકમાન્ડ ભીંસમાં મુકાયું છે અને બે મોટા નેતાઓના રોષનો સામનો કરવો પડી શકે છે.

પોતાના નિવેદનોને લઈને મોટાભાગે સમાચારોમાં રહેતા બંગાળ ભાજપના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષે રાજ્યની મમતા બેનર્જી સરકારને ઘેરી લેવા કંઈક એવું કહ્યું કે, જેના લીધે તેમના પક્ષ પર ટિપ્પણીઓ થઈ રહી છે. રવિવારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં ભાજપના નેતા મનીષ શુક્લાની હત્યા બાદ ઘોષે સોમવારે મમતા સરકારને ઘેરતા કહ્યું હતું કે બંગાળ ધીરે ધીરે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા માફિયા રાજના હાથમાં જઇ રહ્યું છે. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને વિપક્ષી પાર્ટીઓએ આ અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે.

ખરેખર, આની પાછળનું કારણ એ છે કે તેમણે જે રાજ્યોના નામ લઈને મમતા બેનર્જી સરકાર ઉપર હુમલો કર્યો હતો, ત્યાં ભાજપની સરકાર છે. યોગી આદિત્યનાથ યુપીમાં ભાજપની સરકારના મુખ્યમંત્રી છે અને હાલમાં હાથરસમાં બનેલી ઘટના બાદ તેમની પર દેશની જનતાનો આક્રોશ છે ત્યારે બંગાળ ભાજપના અધ્યક્ષના નિવેદને બળતામાં ઘી પૂર્યું છે. બંગાળ ભાજપના અધ્યક્ષના નિવેદન બાદ યોગી આદિત્યનાથ હાઈકમાંડ સમક્ષ આવા નિવેદન પર અંકુશ મુકવા અને સંયમ જાળવવા રજૂઆત કરી શકે છે તેમજ ચેતવણી આપી શકે છે.

જ્યારે બિહારમાં ભાજપ અને જેડીયુની ગઠબંધનવાળી સરકાર છે. અને હાલમાં બિહારમાં ચુંટણી જાહેર થઇ ગઈ છે વિપક્ષ પણ બંગાળ ભાજપના અધ્યક્ષના નિવેદનને લઈને બિહારમાં ભાજપ જેડીયુ ના ચેહરા નીતીશ પર હુમલો કરી રહ્યા છે. ઘોષના નિવેદન પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વીટ કર્યું હતું કે દિલીપ ઘોષને ટ્રોલ ન કરો, તેઓ એક પ્રામાણિક નેતા છે. જેમણે સ્વીકાર્યું છે કે તેમની પાર્ટીના શાસનવાળા યુપી અને બિહારમાં કાયદો અને વ્યવસ્થા બરાબર નથી.

આ સાથે જ બિહારના નેતા અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવે પણ આ નિવેદનને લઈને ભાજપા પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં માફિયારાજ છે. આ હું નહિ, બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહે છે. મારે એટલું જ જાણવું છે કે આ માફિયાઓનો નેતા કોણ છે? નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર કે યોગી આદિત્યનાથ! ભાજપા પાસે પોતાના જ નેતાના નિવેદન સામે કોઈ જવાબ નથી. ના ભાજપા તેનો બચાવ કરી શકે છે કે ના આ નિવેદનનો વિરોધ!

જણાવી દઈએ કે આવતા વર્ષે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને તે પહેલા ભાજપ અને તૃણમૂલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ રાજકીય લડતમાં ઘણા કાર્યકરો હિંસાનો ભોગ બન્યા છે. પોતાના નિવેદનમાં ઘોષે અજાણતા પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ અને ભાજપની સહયોગી પાર્ટી જેડીયુના દિગ્ગજ નેતા અને બિહારમાં ભાજપ ગઢબંધનના ચહેરા નીતીશ કુમારને આડે હાથ લઇ લીધા હતા. ભાજપ અધ્યક્ષના નિવેદન બાદ ભાજપ હાઈકમાન્ડ ભીંસમાં મુકાયું છે ભાજપ પાસે આનો કોઈ જવાબ નથી.



