
૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં હજારો અપક્ષ ઉમેદવારોએ લોકોએ ઝંપલાવ્યું હતું. એમાંથી લગભગ લગભગ કેટલાયની જમાનત પણ જપ્ત થઇ ગઈ હતી. ૩૪૪૩ જેટલા અપક્ષ ઉમેદવારો માંથી માત્ર ૪ જ સાંસદ બનવામાં સફળ થયા. મહારાષ્ટ્રની અમરાવતી સીટથી નવનીત રાણા, કર્ણાટકની મંડ્યા સીટથી સુમલતા અંબરીશ, અસમની કોકરાઝાર સીટથી નાબા કુમાર સરાનીયા અને દાદરા નગર હવેલીથી મોહનભાઈ ભાઈ ડેલકર. ૨૦૧૪થી પણ મોટી મોદી લહેરમાં જબરદસ્ત માર્જીનથી આ ચાર અપક્ષ ઉમેદવારોએ સફળતા મેળવીને પોતાની કાબેલિયત બતાવી છે.

નવનીત રાણા : મહારાષ્ટ્રના અમરાવતી બેઠકથી મેદાનમાં હતા. શિવસેનાના સાંસદ અદ્સુલ આનંદરાવ વિઠોબાને ૩૬,૯૫૧ વોટથી હરાવ્યા છે. નવનીત રાણાને ૫,૧૦,૯૪૭ વોટ મળ્યા છે. નવનીત રાણા એક ભૂતપૂર્વ તેલુગુ અભિનેત્રી છે. તેમણે તેમના પતિ દ્વારા બનાવવામાં આવેલ રાજકીય સંગઠન યુવા સ્વાભિમાની પક્ષના ઉમેદવાર તરીકે ચુંટણી લડી હતી. તેમના પતિ પણ અપક્ષ ધારાસભ્ય છે. બીજી વખત નવનીત રાણા એ અદ્સુલ વિરુદ્ધ ચુંટણી લડી છે. વર્ષ ૨૦૧૪માં એનસીપી માંથી ચુંટણી લડ્યા હતા પરંતુ ૧.૩૭ લાખ જેટલા વોટથી હારી ગયા હતા.

જીત્યા બાદ નવનીત રાણાએ કહ્યું કે, ”આખાય દેશમાં ભાજપની સુનામી હતી અમરાવતીના લોકોએ મને જીતાડી, અમારી કોઈ રણનીતિ નોહતી, અમારો સંકલ્પ, સમર્પણ અને અથાગ મેહનત લાખો લોકોના દિલ સુંધી પહોંચી અને મને ચુંટી.”

૩ જાન્યુઆરી, ૧૯૮૬માં જન્મ થયો હતો, મુંબઈમાં પાલન પોષણ થયું. ૧૨માં ધોરણ પછી મોડેલીંગની દુનિયામાં પગ મુક્યો. પહેલી કન્નડ ફિલ્મ દર્શનથી ફિલ્મી સફર શરુ કર્યો. આ સફરમાં નવનીત રાણા એ તેલુગુ, કન્નડ, મલયાલી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે વર્ષ ૨૦૧૧માં તેમના ધારાસભ્ય પતિ સાથે પ્રભુતામાં પગલા મંડ્યા હતા. લગ્ન સદ્દીથી અને સમૂહમાં કર્યા હતા.

સુમલતા અંબરીશ : કર્ણાટકની મંડ્યા સીટથી ચુંટણી લડીને ૧.૨૫ લાખ વોટથી જેડીએસના ઉમેદવાર અને મુખ્યમંત્રીના પુત્ર નીખીલને હરાવ્યા. સુમલતા અંબરીશને ૭,૦૩,૬૬૦ વોટ મળ્યા હતા. સુમલતાએ લગભગ ૨૫૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના પતિ અંબરીશ પણ લોકપ્રિય ફિલ્મ સ્ટાર હતા. નવેમ્બર ૨૦૧૮માં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તેમને મંડ્યાથી ૧૯૯૮માં જનતા દળ અને ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીની ટિકટ ઉપર ચુંટણી લડી હતી અને જીત્યા હતા. મંત્રી પણ રહ્યા હતા. ૨૦ વર્ષ તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. સુમલતા સામે મુખ્યમંત્રીના પુત્ર હતા પરંતુ તેમણે જીતીને ઈતિહાસ રચી દીધો. ઈતિહાસ એટલે રચ્યો કે આની પહેલા કર્ણાટકમાં ૧૯૫૧ થી આજ સુંધી ખાલી બે જ અપક્ષ ઉમેદવાર જીતી શક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે સુમલતાનું સમર્થન કર્યું હતું અને તેમની પાર્ટીમાંથી કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નોહતા. સુમલતાના પતિ અંબરીશના મૃત્યુ પછી સુમલતા માટે લોકોમાં સહાનુભુતિ હતી. કોંગ્રેસના કાર્યકરો પણ સુમલતાને ટીકીટ આપવામાં આવે તેવું ઈચ્છતા હતા અને રજુઆતો પણ કરી હતી. પણ એવું ના થઇ શક્યું ગઢબંધનમાં આ સીટ જેડીએસના ફાળે ગઈ અને મુખ્યમંત્રીના પુત્રને ટીકીટ મળી. પરંતુ લોકલ કોંગ્રેસ કાર્યકરોએ સુમલતાનું સમર્થન કર્યું હતું.

નબા કુમાર સરાનીયા : આસામની કોકરાઝાર લોકસભાથી મેદાનમાં હતા. આ સીટ એસટી માટે રિઝર્વ્ડ છે. તેમણે BPF એટલે બોડોલેન્ડ પ્રાદેશિક પરિષદની રાની બ્રહ્માને ૩૭,૭૮૬ વોટથી હરાવ્યા છે. સરાનીયાને ૪,૮૪,૫૬૦ વોટ મળ્યા છે. ૨૦૧૪માં પણ તેમને ચુંટણી લડી હતી અને જીત્યા હતા. આની પહેલા સરાનીયા ઉલ્ફાની ૭૦૯ બટાલિયનના કમાન્ડર રહી ચુક્યા છે. તે આસામના બક્ષા જીલ્લાના દીધલીપાર ગામથી છે. ૧૯૯૦માં તે સંગઠન સાથે જોડાયા હતા.

૨૦ ઓગસ્ટ, ૨૦૧૨માં ગુવાહાટી પોલીસ દ્વારા ત્રણ અન્ય લોકો સાથે તેમની લુંટ, કિડનેપ અને મર્ડરના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કોક્રઝારથી પહેલા અને ગેર બોડો નેતા છે. જેમણે ચુંટણી જીતી છે. સરાનીયાને કોકરાઝારથી લગભગ ૭૦% જેટલા ગેર બોડો જાતિનું સમર્થન મળ્યું છે. જીત્ય બાદ તેમને કહ્યું કે તેઓ અલગ કામાંતપુર રાજ્યની માંગનું સમર્થન કરશે.

નબા કુમાર સરાનીયાના એસટી સર્તીફેકેટને લઈને પણ વિવાદ છે. બોડોલેન્ડ જનજાતિ સુરક્ષા મંચનું કહેવું છે કે, નબાએ ગેરકાયદેસર રીતે એસટીનું સર્ટીફીકેટ મેળવ્યું છે. તેમની જીતને સ્વીકાર કરવામાં અહીં આવે. તેમનું કહેવું છે કે, સરાનીયા સમુદાયને અનુસુચિત જનજાતિના રૂપમાં માન્યતા પ્રાપ્ત નથી અમે સરાનીયા સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.

મોહન ડેલકર : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીથી ચુંટણી લડીને ભાજપના સાંસદ નટુભાઈ પટેલને ૯,૦૦૧ મતોથી હરાવ્યા છે. મોહનભાઈને ૯0,૪૨૧ વોટ મળ્યા છે. જોકે નટુભાઈ પટેલ તેમને ૨૦૦૯ અને ૨૦૧૪માં હરાવી ચુક્યા છે. તે સમયે મોહનભાઈ એ કોંગ્રેસમાંથી ચુંટણી લડી હતી. ૨૦૧૯માં મોહન ડેલકરે પોતે અપક્ષ ચુંટણી લડી. આદિવાસી નેતા મોહન ડેલકર આપહેલા ૬ વાર દાદરા અને નગર હવેલી સીટનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

૫૬ વર્ષીય ડેલકર સૌથી પહેલા ૧૯૮૯માં અપક્ષ ચુંટણી જીત્યા હતા. ૧૯૯૧ અને ૧૯૯૬માં કોંગ્રેસ પક્ષ માંથી ચુંટણી જીત્યા હતા. બે વર્ષ પછી તેમને પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા અને ભાજપમાં જીતી ગયા. ત્યારબાદ ભાજપ પણ છોડીને ૧૯૯૯ અને ૨૦૦૪માં અપક્ષ ઉમેદવારી નોંધાવી અને જીત્યા પણ ખરા. ત્યારબાદ ફરી તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ૨૦૦૯ અને ૨૦૧૪માં હારી ગયા હતા. મોહનભાઈ ડેલકરના પિતા સાંજીભાઈ ડેલકર પણ ૬૦ના દશકમાં કોંગ્રેસ માંથી સાંસદ રહી ચુક્યા છે.