
પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવી ગયા છે અત્યાર સુંધી એમણે એમના સમર્થકોને અધધ 31 વર્ષ જેટલી રાહ જોવડાવી. હવે તમને લાગશે કે ઓહો! 31 વર્ષ આટલી બધી!

તો હા પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં આવતા 31 વર્ષ લાગ્યા. હાલ તેમની ઉંમર 47 વર્ષ છે. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે જ એવું ધારદાર ભાષણ આપ્યું હતું કે સાંભળનારા લોકો એવું કહેતા હતા કે પ્રિયંકા ગાંધી પણ તેમના દાદી અને પિતાની જેમ રાજકારણમાં આવશે.

માત્ર 16 વર્ષની વયે પ્રિયંકા ગાંધીએ તેમની પહેલી રાજકીય સ્પીચ કેટલાય લોકોની વચ્ચે કડકડાટ અને એક પાક્કો રાજનેતા બોલતો હોય એમ વગર કચવાટે બાહોશતા પૂર્વક ભાષણ આપ્યું હતું. જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ!

પ્રિયંકા ગાંધીના બેકગ્રાઉંડ વિશે તો તમે જાણતા જ હશો તેમના દાદી ઇન્દિરા ગાંધી દેશના પ્રધાનમંત્રી રહી ચુકયા છે તેમના પિતા રાજીવ ગાંધી પણ દેશના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. માતા અને ભાઈ રાયબરેલી અને અમેઠીથી સાંસદ છે.

પ્રિયંકા ગાંધીનો જન્મ 12મી જાન્યુઆરી,1972ના રોજ થયો હતો. પ્રિયંકા નાનપણથી જ પોતાના દાદી સાથે ચુંટણી પ્રચારમાં જતા હતા. દાદીની હત્યા થયા બાદ જ્યારે પિતાના હાથમાં પાર્ટીની કમાન હતી ત્યારે પ્રિયંકા પિતા સાથે પણ અવારનવાર એમના મતવિસ્તારની મુલાકાતે જતા હતા.

પ્રિયંકા ગાંધી રાજીવ ગાંધીના મતવિસ્તારના ઘણાય લોકોને એ વખતે તેમના નામથી ઓળખતા અને આજે પણ પ્રિયંકા ગાંધી તેમની માતાના મત વિસ્તારના લોકોને અને ભાઈ રાહુલ ગાંધીના મતવિસ્તારના ઘણાય લોકોને નામથી ઓળખે છે.

પ્રિયંકા ગાંધીને ઇન્દિરા ગાંધીની છબી માનવામાં આવે છે. આબેહુબ ના માત્ર ચેહરો પરંતુ તેમની બોલવાની સ્ટાઇલ લોકો સાથે હળીમળી જવાની ઇન્દિરા ગાંધી જેવી આવડત આબેહૂબ પ્રિયંકામાં છે. ઇન્દિરા ગાંધી પણ કહેતા હતા કે પ્રિયંકા જ્યારે રાજકારણમાં આવશે ત્યારે તમે મને ભૂલી જશો.

પ્રિયંકા ગાંધી 2004થી પોતાના માતા માટે રાયબરેલીમાં પ્રચાર કરે છે અને ત્યાંના કણકણથી વાકેફ છે. લોકો સાથે હળીમળી જવાની તેમની આદત તેમને ઇન્દિરા ગાંધી બનાવે છે. એકવાર પ્રિયંકા ગાંધી રાયબરેલી ઘણા દિવસો પછી પહોંચે છે અને તેમનો સામનો કેટલીક નારાજ મહિલાઓ સાથે થાય છે ત્યારે નારાજ મહિલાઓ સવાલ કરે છે કે છેક અત્યારે આવ્યા અત્યાર સુંધી ક્યાં હતાં?? ત્યારે પ્રિયંકા ગાંધી સહજતાથી અને શાંતિથી જવાબ આપે છે કે હું મારી સાથે તમારી પૌત્રીને લઈને આવી છું આ સાંભળતાજ મહિલાઓનો તમામ ગુસ્સો ઓગળી જાય છે અને પ્રિયંકાને ભેટી પડે છે.

પ્રિયંકાને રાયબરેલી અને અમેઠીના લોકો બાળપણથી જોતા આવે છે અને એમની જ પુત્રીની જેમ ગણે છે. પ્રિયંકા ગાંધીનું શિક્ષણ દિલ્લીમાં જ થયું છે. તેમના લગ્ન રોબર્ટ વાડરા સાથે વર્ષ 1997માં થયા હતા. પ્રિયંકાના આ લગ્ન પ્રેમ લગ્ન છે.

રાજીવ ગાંધીની હત્યા પછી જ્યારે એવું નક્કી થયું કે રાહુલ ગાંધીને વિદેશથી ભણવાનું છોડીને પાછા બોલાવી લેવા ત્યારે આ નિર્ણયનો વિરોધ પ્રિયંકા ગાંધી એ કર્યો અને કહ્યું કે, રાહુલને તેનું ભણતર પૂરું કારવાદો, હું છું ને! મમ્મીને હું સાચવીશ. પ્રિયંકા રાહુલ ગાંધી કરતા 2 વર્ષ નાના છે છતાં પણ મોટા બહેનની જેમ આખાય પરિવારને સંભાળ્યો હતો.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના મતવિસ્તારને પ્રિયંકા ગાંધી જ સંભાળે છે. અને અમુક લોકો પ્રિયંકા ગાંધીના અનુભવ અને લાયકાત વિશે ચર્ચા કરે છે બોલો જે વ્યક્તિ માતાના કુખેથી જ રાજનીતિના પાઠ શીખતી આવી છે, 16 વર્ષની ઉંમરથી રાજકારણના ઉઠાપઠક સમજતી આવી છે અને વળી કઈ યુનિવર્સિટીમાં અનુભવ અને લાયકાત મેળવવા જવાનું?? સોનિયા ગાંધી પ્રથમ વખત સુષ્મા સ્વરાજ સામે ચુંટણી લડ્યા એ વખતે પણ પ્રિયંકા ગાંધીએ ચુંટણી પ્રચાર સંભાળ્યો હતો અને સોનિયા ગાંધીની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

વર્ષ 2017ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી વખતે અખિલેશ યાદવની સપા અને રાહુલ ગાંધીની કોંગ્રેસનું ગઢબંધન કરાવવામાં પ્રિયંકા ગાંધીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તારીખ 11 ફેબ્રુઆરીના ઉત્તરપ્રદેશમાં કરવામાં આવેલા રોડ શો બાદ સમાચાર આવી રહ્યા છે કે સપા અને બસપા કોંગ્રેસને તેમની સાથે ગઢબંધનમાં શામેલ કરવા માની ગયા છે હજુ તો માત્ર વાત ચાલે છે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીને સૌથી અઘરો ટાસ્ક આપવામાં આવ્યો છે પૂર્વીય ઉત્તરપ્રદેશ કે જેને યોગી આદિત્યનાથનો ગઢ માનવામાં આવે છે તેમજ પ્રધાનમંત્રી મોદીનો મત વિસ્તાર પણ ત્યાંજ આવેલો છે. પ્રિયંકા ગાંધીના રાજકારણમાં સત્તાવાર અગમન પર કેટલાક વિરોધીઓ દ્વારા તેમના વિરુદ્ધ ઘણી ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી પરંતુ પ્રિયંકા પરદા પાછળ રહીને કેટલાયને હંફાવતા હતા. પ્રિયંકાની કાબેલિયત વર્ષ 2014માં મોદીલહેરમાં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સીટ જીતાડી આપી હતી. હવે જોઈએ ઉત્તરપ્રદેશ માં પ્રિયંકાનો જાદુ ભાજપનો સફાયો કરશે કે કેમ?