વિદેશ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર
વિદેશ પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાકબાણથી હમલો કરી રહ્યા હતા. લંડનના પ્રવાસ પર ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ભારત અને ભારતીયતા પર એક જોખમ ઉભું થયું છે અને તેઓ તેને બચાવવા માટે વૈચારિક યુદ્ધ લડી રહ્યાં છે.
જર્મની મુલાકાત પછી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી લંડનમાં હતા. શનિવારે લંડનમાં ભારતીય પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીને નિશાન બનાવી કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી આપતા. એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, “શું વડા પ્રધાન મોદી સામે આવીને પ્રશ્નોના જવાબ આપે છે? હું જોખમ લઉં છું, ભૂલો પણ કરું છું અને હું શીખુ પણ છું કારણ કે મારા માટે એ જોખમ કરતા વાત કરવી ખૂબ અગત્યની છે.” પોતાને ભારતના આગામી વડાપ્રધાન તરીકે જોવા માટેના સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “હું તેના વિશે વિચારી રહ્યો નથી. હું એક વૈચારિક ફાઇટર તરીકે મારી જાતને જોઈ રહ્યો છું. આ પરિવર્તન મારામાં 2014 પછી આવ્યું. મને લાગ્યું કે જે રીતે દેશમાં ઘટનાઓ બની રહી છે તે રીતે, ભારત અને ભારતીયતા પર જોખમ ઉભું થઇ રહ્યું છે. હું આ સામે વૈચારિક યુદ્ધ લડી રહ્યો છું. હું ભારતીય સંસ્થાઓને જીવંત રાખવાની તરફેણ કરું છું.”
ડોકલામ મુદ્દે મોદી સરકારને ઘેરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “ચિની સૈનિકો હજુ પણ ડોકલામમાં હાજર છે અને ત્યાં મોટા પાયે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યા છે. આપણા વડાપ્રધાને તાજેતરમાં ચાઇનાની મુલાકાત લીધી હતી પણ ત્યાં તેમણે ડોકલામ મુદ્દે કોઈજ ચર્ચા કરી નહોતી.” તેમણે પીએમ મોદી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, “કોઈ વ્યક્તિ તમારા ત્યાં ઘુસી જાય છે અને તમારા ગાલ પર લાફો મારે છે અને તમારી પાસે ચર્ચા માટે કોઈ એજન્ડા જ હોતો નથી ! જો તેઓ ડોકલામ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો હોત તો, તેઓ તેમને રોકી શક્યા હોત. ભલે મોદી સરકાર દાવો કરે કે ચીને ડોકલામથી તેના સૈન્યને હટાવી લીધા છે પણ સત્ય તેનાથી વિરોધાભાસી છે.”

તેમણે ફરી એકવાર વિદેશી બાબતો પર પીએમ મોદીને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે, “વડાપ્રધાન ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કે પ્રતિભાવ નથી લેતા.” રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, “વડાપ્રધાન મોદી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને અવગણી રહ્યા છે. તેઓ તેમની સાથે કોઈ ફોટા માં પણ નથી દેખાતા. સુષ્મા સ્વરાજ સંપૂર્ણપણે સક્ષમ મહિલા છે, પરંતુ તેમના કામનો, યોગ્યતા અને બુદ્ધિમતાને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાતી નથી. તેઓને સતત અપમાનિત કરવામાં આવે છે.” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “શું વિદેશ પ્રધાનનું કાર્યક્ષેત્ર ફક્ત વિઝા બનાવવા સુંધી જ મર્યાદિત છે?”
ત્રણ તલાક મુદ્દે પૂછવામાં આવેલા સવાલના જવાબ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “ત્રણ છૂટાછેડાઓ પર અમારું વલણ એકદમ સ્પષ્ટ છે પરંતુ અમને તેને ગુનો જાહેર કરવામાં સમસ્યા છે, છતાં અમે તેમાં અવરોધ ઊભો કરી રહ્યા નથી.” આ દરમિયાન આવનારી લોકસભા ચુંટણીમાં પશ્ચિમ બંગાળમાં ગઢબંધનના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, “ગઢબંધન સાથે ચુંટણીમાં ઉતરશું પરંતુ અત્યારે હાલ આના પર કોઈ આખરી નિર્ણય કરવામાં આવ્યો નથી.”