
ચૂંટણી આવે એટલે રાજકિય ગરમા ગરમી વધે જ એ નક્કી છે અને એમાં પણ જ્યારે પેટાચૂંટણી આવે ત્યારે બંને પાર્ટીઓ સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માં જનતાનો મૂડ કોના તરફ છે એ સાબિત કરવા માટે હોડ જામે અને બંને પાર્ટીઓ વચ્ચેની આ હોડમાં પાર્ટીના જડથી જોડાયેલા કાર્યકરો પીસાઇ જાય છે. કાર્યકરો પર થોપી બેસાડવામાં આવેલા નેતાઓને જીતાડવાની જાવબદારી પણ ઠોકી બેસાડવામાં આવે છે. કાર્યકરો મને કે કમને ઠોકી બેસાડવામાં આવેલા નેતાઓને જીતાડવા માટે મહેનત કરે છે અને જીતાડયા બાદ પણ આવા નેતાઓ કાર્યકરોમાં ભેદભાવ કરે છે ત્યારે કાર્યકરો પસ્તાય છે. હાલમાં સમગ્ર દેશમાં આવું જ વાતાવરણ છે.

હાલ ભાજપમાં આવું જ વાતાવરણ છે પાર્ટીનો નાનામાનાનો કાર્યકર પાર્ટીના નિર્ણયને લીધે અસંતુષ્ટ છે. અને કેટલાક તો જાહેરમાં બળાપો પણ કાઢી ચુક્યા છે તો રાજ્યથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુંધી ફરિયાદો પણ કરી ચુક્યા છે. ભાજપમાં જોવા જઈએ તો હાલમાં સૌથી વધારે અસંતુષ્ટ કાર્યકરો છે તો કોંગ્રેસમાં કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ છે આવો સમય ભાજપ માટે નુકશાન કરતાં છે. જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે મોડી રાત્રે મધ્યપ્રદેશમાં તમામ 28 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. અને આ યાદી બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણ વધી છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી 28 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માંથી આવેલા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના સાથીદારોને ટિકિટ આપવામાં આવી છે. જે કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજ્યમાં ભાજપ સરકાર બનાવવામાં મદદ કરી એ તમામ 22 પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ આપતાંની સાથે ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપના એમ બે જૂથ પડી ગયા છે. તો ભાજપ મોવડી મંડળના આ નિર્ણયને પગલે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો ગેલમાં આવી ગયા છે. અને ભાજપ કાર્યકરોમાં નિરુત્સાહિત થયા છે.

ભાજપ દ્વારા પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે કોંગ્રેસ છોડનારા તમામ 22 પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. આ એ જ પૂર્વ ધારાસભ્યો છે જેમણે વિધાનસભામાંથી રાજીનામું આપતાંની સાથે જ કોંગ્રેસની કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી અને મુખ્યમંત્રી કમલ નાથ દ્વારા વિશ્વાસ મત પહેલાં જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યકરોની નારાજગી અને કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ એનકેશ કરવાનો મોકો લપકી લેવામાં આવ્યો છે અને જડ સાથે જોડાયેલા તેમજ નવા લોકોને ટિકિટ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રી કમલ નાથ દ્વારા રાજીનામુ આપ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મુખ્યમંત્રી પદના શપથ લેવામાં આવ્યા આવ્યા હતા અને તેમણે વચન આપ્યું હતું કે કોંગ્રેસ છોડનારા તમામ પૂર્વ ધારાસભ્યોને ભાજપ આગામી પેટાચૂંટણીમાં ટિકિટ આપીને ફરીથી ચૂંટણી લડાવશે. પાર્ટીએ ત્રણ પૂર્વ ધારાસભ્યોને પણ ટિકિટ આપી છે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. શિવરાજસિંહ ચૌહાણના આ વચન બાદથી ભાજપમાં આંતરિક ડખો શરૂ થઈ ગયો છે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં કાર્યકરોને ઉત્સાહિત કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે ભાજપ કોઈ કોંગ્રેસ નેતાને ભાજપમાં લેશે નહીં.

ભાજપ દ્વારા મધ્ય પ્રદેશમાં તમામ 28 બેઠાકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો કોંગ્રેસ દ્વારા 27 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે માત્ર એક બેઠક પર નિર્ણય લેવાનો બાકી છે. જે આજ અથવા કાલમાં લઇ લેવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આગામી 24થી 48 કલાક માં ખાલી પડેલી 8 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે તેમ છે. પરંતુ ભાજપમાં પાંચ બેઠકો પર કોંગ્રેસ માંથી આવેલા પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવશે તે લગભગ લગભગ સ્પષ્ટ છે જ્યારે કોંગ્રેસમાં તમામ બેઠકો પર નવા લોકોને ચાન્સ આપવામાં આવશે.
