
સોનિયા ગાંધી ને ૧૪ માર્ચ, ૧૯૯૮ ના રોજ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ કોંગ્રેસ પાર્ટી માટે એવો સમય હતો જયારે કોંગ્રેસ સંપૂર્ણ પણે વિખેરાઈ ગઈ હતી અને લગભગ દેશ કોંગ્રેસ મુક્ત બની ચુક્યો હતો. દેશના માત્રને માત્ર ચાર રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બચી હતી. મિઝોરમ, નાગાલેંડ,ઓડીશા અને મધ્યપ્રદેશ બાકી દરેક રાજ્યો અને દેશમાં કોંગ્રેસ પાર્ટી હારી ચુકી હતી.

કોંગ્રેસ પાર્ટીના અસ્તિત્વ પર સવાલ ઉઠવા લાગ્યા હતા કે આ પાર્ટી ફરી ઉભી થઇ શકશે કે નહિ કે કોંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઇ જશે વગરે જાત ભાતની વાતો થવા લાગી હતી. તમામ મજબુત નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા હતા કારણ કે કોંગ્રેસ પાર્ટીના કદ્દાવર નેતા રાજીવ ગાંધીની હત્યા બાદ જે લોકોના હાથમાં કોંગ્રેસનું શુકાન હતું તે લોકો ગાંધી નેહરુની વિચારધારાને આગળ ધપાવવામાં નિષ્ફળ સાબિત થયા હતા.

એ સમય ગાળામાં દેશ સચેમાં કોંગ્રેસ મુક્ત થઇ ચુક્યો હતો. પાર્ટી ટુકડાઓમાં વિખરાઈ ગઈ હતી. ૧૫ જેટલા નાના નાના ટુકડાઓમાં પાર્ટીનું વિભાજન થઇ ગયું હતું. મોટા અને દિગ્ગજ નેતાઓ કેહવાય એવા અર્જુન અર્જુન સિંહ, નારાયણ દત્ત તિવારી, માધવરાવ સિંધિયા, જી. કે. મુપનાર, મમતા બેનર્જી, કમલનાથ, શીલા દીક્ષિત, બંગારપ્પા, પી. ચિદમ્બરમ જેવા દિગ્ગજ નેતાઓએ પોતાને પાર્ટીથી અલગ કરી દીધા હતા. અને પાર્ટી કેટલાય ટુકડાઓમાં વહેચાઈ ગઈ હતી.

- ૧)અખિલ ભારતીય ઇન્દિરા કોંગ્રેસ(તિવારી)
- ૨)કર્ણાટક કોંગ્રેસ પાર્ટી
- ૩)તમીઝહગ રાજીવ કોંગ્રેસ
- ૪)કર્ણાટક વિકાસ પાર્ટી
- ૫)અરુણાચલ કોંગ્રેસ
- ૬)તમિલ મનીલા કોંગ્રેસ
- ૭)મધ્યપ્રદેશ વિકાસ કોંગ્રેસ
- ૮)ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ
- ૯)તમિલનાડુ મક્કલ કોંગ્રેસ
- ૧૦)હિમાચલ વિકાસ કોંગ્રેસ
- ૧૧)મણીપુર સ્ટેટ કોંગ્રેસ પાર્ટી
- ૧૨)ગોવા રાજીવ કોંગ્રેસ પાર્ટી
- ૧૩)અરુણાચલ કોંગ્રેસ (મીથી)
- ૧૪)અખિલ ભારતીય ઇન્દિરા કોંગ્રેસ (સેક્યુલર)
- ૧૫)મહારાષ્ટ્ર વિકાસ અઘાડી

વગેરે પાર્ટીઓના નામ સાથે દેશના લગભગ દરેક ખૂણામાં કોંગ્રેસ પાર્ટીમાંથી નેતાઓ અલગ પડીને પોતાની પાર્ટી બનાવવા લાગ્યા હતા. સત્તા માટે નહિ પરંતુ ગાંધી નેહરુના વારસા વિરાસત અને વિચારને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને ગાંધી નેહરુ સરદારની કોંગ્રેસના મૂળભૂત વિચારને બચવવા માટે મજબુર બન્યા હતા.

આવા સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જુજ બચેલા લોકો દ્વારા ગાંધી નેહરુ સરદારના વિચારને બચાવવા માટે સોનિયા ગાંધીને કોંગ્રેસનું સુકાન સંભાળવા અને રાજકારણમાં પ્રવેશવા માટે મનાવવા ગયા હતા પરંતુ ઇન્દિરા ગાંધી બાદ રાજીવ ગાંધીની બેરહેમ હત્યા બાદ સંપૂર્ણ પણે ભાંગી ગયેલા સોનિયા ગાંધીએ ફરી ના પાડી. પરંતુ કોંગ્રેસના નેતાઓ વારંવાર આગ્રહ અને દબાણ તેમજ કોંગ્રેસ પાર્ટીની હાલત જોતા આખરે સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષનું સુકાન સંભાળવા તૈયાર થયા.

કોંગ્રેસ પાર્ટી તૂટવાનો એ સિલસિલો સોનિયા ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ જ લગભગ બંધ થયો. સોનિયા ગાંધી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા બાદ ૧૫ માંથી ૧૨ પાર્ટીઓ ફરી કોંગ્રેસમાં શામિલ થઇ ગઈ. ખાલી તૃણમૂલ કોંગ્રેસનું જ સ્વતંત્ર વજૂદ રહ્યું હતું. જયારે મણીપુર સ્ટેટ કોંગ્રેસનું રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) માં વિલીનીકરણ થયું હતું અને ગોવા રાજીવ કોંગ્રેસનું નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં વિલીનીકરણ થયું હતું. જયારે તમિલ મનીલા કોંગ્રેસ પાર્ટી સ્થગિત થઇ ગઈ હતી.

આમ સોનિયા ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ વિખેરાયેલી કોંગ્રેસને એક એક કરીને એક સૂત્રમાં બાંધી લીધી હતી તેમજ પાયામાંથી મજબુત કરવાની શરૂઆત કરી નાખી હતી. સાસુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પાસેથી મળેલી રાજકીય સુઝબુઝણ કારણે સોનિયા ગાંધીએ ખુબજ ટૂંકા સમય ગાળામાં પાર્ટીમાં પ્રાણ ફૂંકી દીધા હતા. કોંગ્રેસ પાર્ટી ધીમે ધીમે ચુંટણીઓ પણ જીતવા લાગી હતી.

વર્ષ ૧૯૯૮માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ ૧૯૯૮માં દિલ્લી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચુંટણી આવી રહી હતી જ્યાં કોંગ્રેસે સોનિયા ગાંધીના નેતૃત્વમાં જબરદસ્ત પ્રદશન કર્યું અને ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસે સત્તાના શિખરો સર કર્યા. પાર્ટી અને પાર્ટી કાર્યકર્તાઓમાં ફરી જોશ અને ઉત્સાહનો સંચાર થયો જે લોકો પાર્ટી છોડી ચુક્યા હતા તેઓ ધીરે ધીરે કોંગ્રેસમાં પાછા ફરવા લાગ્યા હતા. વિમુખ થયેલી જનતા ફરી કોંગ્રેસ તરફ જોવા લાગી હતી.

રાજીવ ગાંધી બાદ લગભગ આઠ વર્ષ પછી ફરીથી કોગ્રેસમાં કોઈ ગાંધી પરિવારની વ્યક્તિએ અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. અને દેશ ફરીથી લોકસભા ચુંટણીની દિશામાં હતો વર્ષ ૨૦૦૪માં દેશમાં સામાન્ય ચુંટણી થવા જઈ રહી હતી. એક બાજુ ખુબજ જાણકાર અનુભવી અને દેશના હ્યદય સમ્રાટ સ્વર્ગીય અટલ બિહારી બાજપાઈ તો બીજી તરફ રાજકીય રીતે બીનઅનુભવી પરંતુ ગાંધી નેહરુ સરદારની વિચારધારાને મજબુત રીતે વળગેલા શ્રીમતી સોનિયા ગાંધી. દેશ માટે એક અશમંજશની સ્થિતિ હતી કે કોને ચુંટવા પરંતુ અંતે જનતાએ અટલ બિહારી બાજપાઈને બીજી તક ના આપીને સોનીયા ગાંધી પર વિશ્વાસ મુક્યો અને વર્ષ ૨૦૦૪માં દેશમાં કોંગ્રેસની સરકારની રચના થઇ.

રાજીવ ગાંધી પછી, સોનિયા ગાંધી આશરે આઠ વર્ષ કોંગ્રેસ પક્ષથી દૂર રહ્યા હતા. આ સમય દરમિયાન પક્ષનું નેતૃત્વ પી.વી. નરસિમ્હા રાવ જેવા પીઢ માણસોના હાથમાં હતું, જે વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ બંને હતા. પી. વી. નરસિમ્હા રાવના કાર્યકાળમાં પાર્ટી સંપૂર્ણપણે તૂટી ગઈ વિભાજિત થઈ ગઈ હતી.

ત્યારબાદ સોનિયા ગાંધીએ પાર્ટીને પુનઃજીવિત કરી. તે ના માત્ર કૉંગ્રેસને પાછી સત્તામાં લાવ્યા, પરંતુ ગાંધી નેહરુ સરદારના વિચાર, ફિલોસોફી અને નીતિઓ આધારિત નિર્ણયોના કારણે તેમણે જનતા પર એક અવિશ્વસનીય અમીટ છાપ છોડી. એ સોનિયા ગાંધીનું યોગદાન હતું કે જેના કારણે યુપીએ સરકાર અધિકાર આધારીત શાસન અને સંપૂર્ણ પારદર્શિતાપૂર્વક કામ કરી શકી. એટલા માટે કૉંગ્રેસમાં અને યુપીએ ગઢબંધનમાં સોનિયા ગાંધીનું ખૂબ જ મહત્વ છે.