સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસે પૂછ્યું ચોકીદાર કોણ છે? પછી કોર્ટ હાઉસમાં થયું કઈંક આવું!!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભાજપ નેત્રી મીનાક્ષી લખી દ્વારા રાહુલ ગાંધી સામે કોર્ટ અવમાનનાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટમાં મીનાક્ષી લખી તરફે સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી હાજર થયા છે અને રાહુલ ગાંધી તરફે સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી હાજર થયા છે.

સુપ્રીમ કોર્ટની અવમાનના બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે એટલે કે 23 એપ્રિલના રોજ રાહુલ ગાંધીનો જવાબ માંગતી નોટિસ પણ કાઢવામાં આવી હતી. પરંતુ તેમને વ્યક્તિગત રીતે સુપ્રિમ કોર્ટમાં હાજર નહીં રહેવાની છૂટ પણ આપવામાં આવી છે.

રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે “હવે તો સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે, ચોકીદાર જ ચોર છે.” આ બાબતે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજુ કરીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનું નામ વ્યંગાત્મક રીતે લેવામાં આવ્યું હતું જે બદલ દિલગીર છું પરંતુ હું મારા રાજકીય સ્લોગન ચોકીદાર ચોર છે પર અડગ છું.

સુપ્રિમકોર્ટમાં મીનાક્ષી લેખીનો પક્ષ રજૂ કરતાં મુકુલ રોહતગીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમણે ખોટા નિવેદનો કર્યા છે. અને કોર્ટનો આદેશ વાંચ્યો નથી પરંતુ જોશમાં આવીને કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ પણ કહે છે કે ચોકીદાર ચોર છે. જ્યારે સર્વોચ્ચ અદાલત દ્વારા આવું કશું કહેવામાં આવ્યું નથી.

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી દ્વારા કરવામાં આવેલી દલીલો બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા હલકાફૂલકા અંદાજમાં સવાલ કરવામાં આવ્યો હતો કે, “ચોકીદાર કોણ છે?” આ દરમિયાન કોર્ટ હાઉસમાં ચારેબાજુ હાસ્યનું મોજું ફરિવળ્યું હતું અને ગંભીર માહોલમાં એકદમ હળવાશ ફેલાઈ ગઈ હતી.

રાહુલ ગાંધી એ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે, ચુંટણી પ્રચારમાં જોર પકડવામાં માટે આ ટીપ્પણી કરવામાં આવી હતી જે દરેક રાજકીય પાર્ટીઓ અને નેતાઓ કરે જ છે. આ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા કેટલાક ભાજપ તથા અન્ય રાજકીય પાર્ટી નેતાઓના ઉદાહરણો પણ રજુ કરવામાં આવ્યા હતાં જેથી આ મામલાને વધારે ગંભીરતાથી ના લેવા તેમજ આ બાબતે રાહુલ ગાંધી દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ ખેદ પણ પ્રકટ કર્યો હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સામે મીનાક્ષી લેખી દ્વારા દાખલ કરવામાં આવેલી ગુનાહિત અવમાનના અરજી પર 30 એપ્રિલના રોજ રાફેલ મામલે પુનઃવિચાર અરજી સાથે જ સુનાવણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાફેલ સોદા બાબતે અદાલતના 14 ડિસેમ્બર 2018ના ચુકાદા પાર પુનઃ વિચાર માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, અરુણ શોરી અને પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા ચોકીદાર ચોર છે કહેવા પર માફી ક્યારેય માંગવામાં આવી નથી પરંતુ સુપ્રિમકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે તે જોતા સુપ્રિમકોર્ટનું નામ લેવા બદલ સુપ્રિમકોર્ટની માફી માંગી છે. તેમણે પોતાના સોગંદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મારા પોલિટિકલ સ્લોગન ચોકીદાર ચોર છે પર હું અડગ છું.