ગાંધી જયંતી ના દિવસે સેવાગ્રામથી કોંગ્રેસ અધ્યક્ષની “ગાંધીગીરી”

હાલ રાહુલ ગાંધી મધ્યપ્રદેશ માં જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે અને ત્યાં પણ રાહુલ ગાંધીને અપાર જનસમર્થન મળી રહ્યું છે તે જોતા પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સાહનો વધારો થયો છે. દિવસેને દિવસે વધતી મોંઘવારી અને ભાવ વધારાથી ત્રસ્ત જનતાની નાડ પારખીને રાહુલ ગાંધી જનતાના પ્રશ્નોને મોદી સરકાર સમક્ષ વધુ ઉગ્રતાથી ઉઠાવી રહ્યા છે તેમજ મોદી સરકાર પર વધારે હમલાવર બન્યા છે.
ગાંધી ચિંધ્યા માર્ગે
મોદી સરકાર પર જનતાના પ્રશ્નો લઈને હમલા કરનાર રાહુલ ગાંધી હવે ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન ના મૂડમાં દેખાઈ રહ્યા છે. વધી રહેલી મોંઘવારી, વધતા જતા પેટ્રોલ ના ભાવ, ભ્રષ્ટ્રાચાર, રાફેલ કાંડ, ખેડૂતોના દેવા માફી વગેરે મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ પ્રધાનમંત્રીને ખરી ખોટી સંભળાવી ચુક્યા છે અને “ચોકીદાર જ ચોર છે” જેવા નારા આપી ચુક્યા છે અને આ સંદર્ભે મળી રહેલા અપાર જનસમર્થનને જોતા રાહુલ ગાંધી હવે રસ્તા પર ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
એતિહાસિક જગ્યા
કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી જયંતી ના દિવસે ભાજપને ઘેરવા નવા સૂત્ર અને આખીય ટીમ સાથે રસ્તા પર ઉતરશે. આ આંદોલન માટે કોંગ્રેસે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આવેલ સેવાગ્રામની પસંદગી કરી છે. જે સેવાગ્રામને ૧૯૩૬ થી લઈને મહાત્મા ગાંધીના અંતિમ શ્વાસ સુધીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એતિહાસિક જગ્યાએથી એતિહાસિક જનઅંદોલનના પગરણ મંડાશે જેનું સુકાન કોંગ્રેસ અધ્યક્ષ ખુદ રાહુલ ગાંધી સંભાળશે.
અંગ્રેજ ભારત છોડો
આ એજ સેવાગ્રામ છે જ્યાંથી મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લાલ અંખ કરીને “અંગ્રેજ ભારત છોડો” નું સૂત્ર આપ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસે પણ મોદી સરકારને ઘેરવા માટે સેવાગ્રામની પસંદગી કરી છે. આ માટે કોંગ્રેસે “ભ્રષ્ટાચારીઓ ગાદી છોડો” નું સૂત્ર પણ આપ્યું છે. કોંગ્રેસના ભાજપ ઘેરાવ અભિયાનની આગેવાની કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે તેમજ તેમજ કોંગ્રેસ અધ્યક્ષ સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તથા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગાંધી જયંતી ના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ અંદોલન કરવામાં આવશે અને બીજી તરફ ગુજરાતમાં હાર્દિક પટેલના પણ પ્રતિક ઉપવાસ ધારણા શરુ થઇ રહ્યા છે તો જોવાનું રહ્યું કે ૨જી ઓક્ટોબર રાજકીય હુંસાતુંસીથી ભરેલી રહેશે અને સમાચારો, ન્યુઝ ચેનલો રાજકીય અખાડો બનશે એ વાત નક્કી છે.