
આજે યોજાનારી GST કાઉન્સિલની બેઠક પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ GST મહેસૂલમાં રાજ્યોને તેમનો હક ના આપવાને લઇને મોદી સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યાં છે. રાહુલ ગાંધીએ સરકાર પર ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો અને સાથે સાથે તેમણે કહ્યું કે, જવાનો માટે બુલેટપ્રુફ ટ્રક નથી અને પ્રધાનમંત્રી 8 હજાર કરોડનું વિમાન ખરીદે છે. રાહુલ ગાંધીએ ખોટા ખર્ચાઓનો હવાલો આપી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં.
ફોટો સોશિયલ મીડિયા
તેમણે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ‘કેન્દ્ર સરકારે રાજ્યોને જીએસટી વળતરનું વચન આપ્યું હતું. વડાપ્રધાન અને કોવિડના લીધે અર્થતંત્રનો નાશ થઈ ગયો છે. વડાપ્રધાને કોર્પોરેટને 1.4 લાખ કરોડ રૂપિયાની ટેક્સ માફી આપી હતી અને પોતાના માટે 8400 કરોડ રૂપિયાના બે વિમાન ખરીદ્યા હતા. ” કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ‘કેન્દ્ર પાસે રાજ્યોને આપવા માટે પૈસા નથી. નાણાંમંત્રી કહે છે, લોન લો. તમારા લોકોના(જનતાના) મુખ્યમંત્રી તમારા ભવિષ્યને વડાપ્રધાન પાસે ગિરવી કેમ રાખી રહ્યા છે? “
ફોટો સોશિયલ મીડિયા
નોંધપાત્ર વાત એ છે કે, જીએસટી સંગ્રહમાં આવેલી ખામીની ભરપાઇ કરવા માટે, કુલ 21 રાજ્યોએ 97,000 કરોડની લોન લેવાના કેન્દ્રના વિકલ્પને ટેકો આપ્યો છે. આ રાજ્યો મુખ્યત્વે ભાજપ શાસિત અને એ પક્ષોની સરકાર વાળા છે જે વિવિધ મુદ્દાઓ પર કેન્દ્રની નીતિઓને ટેકો આપી રહ્યા છે.