ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ

jansad
2 Min Read

બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા એક અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેના કારણે આડેધડ ફ્રીઝ થતા ખાતા પર રોક લાગી શકે છે.

રાજસ્થાન હાઈકોર્ટે જણાવ્યું કે, કોઈ સ્પષ્ટ કારણ વગર અથવા આરોપિત ગુનાથી તે ખાતાનો ઓછામાં ઓછો prima facie (પ્રાથમિક) સંબંધ સ્થાપિત કર્યા વગર નાગરિકનું બેંક ખાતું ફ્રિઝ કરવું ગંભીર અને અયોગ્ય દખલ છે, જે ભારતના સંવિધાનના આર્ટિકલ 21 (જીવનનો અધિકાર) અને કલમ 19(1)(g) (વ્યવસાય કરવાનો અધિકાર) હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

રાજસ્થાન હાઇકોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓને કાયદા હેઠળ બેંકને ખાતું ફ્રિઝ કરવાની વિનંતી કરવાની સત્તા હોય છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ ખાતાધારકને કારણ જણાવ્યા વગર અને કેટલા સમય માટે ખાતું ફ્રિઝ કરવામાં આવ્યું છે તેની જાણ કર્યા વગર અનંત સમય સુધી કરી શકાતો નથી.

રાજસ્થાન હાઇકોર્ટે નોંધ્યું કે, બેંક ખાતાની કામગીરી પર રોક મૂકવાની સત્તા અસાધારણ છે. તેનો ઉપયોગ ખૂબ સાવચેતીપૂર્વક અને કાયદા મુજબ જ થવો જોઈએ. તે ત્યારે જ કરવો જોઈએ જ્યારે ખાતું અને આરોપિત ગુનાહિત પ્રવૃત્તિ વચ્ચે સીધો અને નજીકનો સંબંધ દર્શાવતા કારણો નોંધવામાં આવ્યા હોય. આ સુરક્ષાઓ વગર પસાર કરાયેલ કોઈપણ ફ્રિઝિંગ ઓર્ડર સત્તાનો દુરુપયોગ છે, સ્પષ્ટ રીતે મનમાની છે અને કાયદાની નજરે ટકી શકતો નથી.

રાજસ્થાન હાઈકોર્ટે જણાવ્યું કે તપાસના નામે આખુ ખાતું જ ફ્રિઝ કરવાનો આદેશ, જેમાં રકમ અને સમયગાળો નિર્ધારિત ન કરવામાં આવ્યો હોય, તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. કારણ કે આવું કરવાથી વ્યક્તિના રોજિંદા નાણાકીય જીવનમાં ભારે મુશ્કેલી ઊભી થાય છે અને વ્યવસાયની જીવનરેખા તૂટી જાય છે.

રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદો ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે કારણ કે, આ ચુકાદો સામાન્ય વ્યક્તિના જીવન ધોરણને સ્પર્શતો મુદ્દો છે અને નજીવી રકમના બોગસ ટ્રન્જેક્શનમાં આખે આખું ખાતું ફ્રીઝ કરવું એ વ્યક્તિના અધિકારો પર તરાપ છે.

રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો એટલે મહત્વનો ગણવામાં આવે છે કે આજના સમયમાં નાની મોટી રકમના ટ્રન્જેક્શનમાં આડેધડ આખેઆખું ખાતું ફ્રીઝ કરવાં આવી રહ્યું છે ત્યારે આ ચુકાદો લેન્ડમાર્ક સાબિત થશે.

Share This Article