સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા મધ્યસ્થી સમાધાન (mediation settlement) માંથી પાછળ હટવાનો પ્રયાસ કરવા બદલ પત્નીની આકરી ટીકા કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે, જીવનસાથી કાયદેસર રીતે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટેની સંમતિ પાછી ખેંચવા માટે હકદાર છે, પરંતુ જ્યારે પક્ષકારો અગાઉ તમામ વિવાદોના ‘ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ’ (પૂર્ણ અને અંતિમ સમાધાન) તરીકે લગ્ન જીવનનો અંત લાવવા સંમત થયા હોય, ત્યારે આવી સંમતિ પાછી ખેંચી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટ જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી પતિની અપીલ પર સુનાવણી કરી રહી હતી. દિલ્હી હાઈકોર્ટે મધ્યસ્થી સમાધાન હોવા છતાં ઘરેલું હિંસાની કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી, જ્યારે સમાધાનમાં સ્પષ્ટપણે ભવિષ્યમાં કોઈ પણ કાનૂની કાર્યવાહી ન કરવાની શરત હતી.
જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય બિશ્નોઈની ખંડપીઠે જણાવ્યું કે, “જોકે કાયદા મુજબ કોઈપણ પક્ષ માટે પરસ્પર સંમતિથી છૂટાછેડા આપતા પહેલા કોઈપણ તબક્કે સંમતિ પાછી ખેંચવી શક્ય છે, પરંતુ જો પક્ષકારો વચ્ચે વિવાદોના પૂર્ણ અને અંતિમ પતાવટ અંગે સમાધાન પત્ર અથવા સેટલમેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હોય, તો તે કિસ્સામાં પક્ષકાર માટે નક્કી કરેલી શરતોથી પાછળ હટવું શક્ય નથી.”
સુપ્રીમ કોર્ટ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, જો પક્ષકારોને આવા સમાધાનમાંથી આસાનીથી પાછળ હટવાની મંજૂરી આપવામાં આવે, તો તે મધ્યસ્થી પ્રક્રિયાના પાયા પર જ પ્રહાર કરશે. કોર્ટે કહ્યું કે આવા કિસ્સામાં પક્ષકાર પર ભારે દંડ (heavy costs) લાદવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે પત્નીએ ઘરેલું હિંસાનો કેસ ત્યારે કર્યો જ્યારે પતિએ સમાધાનના ભંગ બદલ તેની સામે કોર્ટના તિરસ્કારની અરજી કરી. 23 વર્ષના લગ્ન જીવનમાં ક્યારેય ઘરેલું હિંસાની ફરિયાદ નહોતી થઈ, જે દર્શાવે છે કે આ કાર્યવાહી માત્ર હેરાન કરવા માટે કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસાનો કેસ રદ કર્યો અને છૂટાછેડા આપ્યા.
જીવનસાથી કાયદેસર રીતે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટેની સંમતિ પાછી ખેંચવા માટે હકદાર છે, પરંતુ જ્યારે પક્ષકારો અગાઉ તમામ વિવાદોના ‘ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ’ (પૂર્ણ અને અંતિમ સમાધાન) તરીકે લગ્ન જીવનનો અંત લાવવા સંમત થયા હોય, ત્યારે આવી સંમતિ પાછી ખેંચી શકાય નહીં.