GujaratPoliticsReligious

અનાવરણ પહેલાજ સરદાર પટેલ નું સ્ટેચ્યુ ઓફ યુનિટી સપડાયું વિરોધના વંટોળમાં

ગુજરાતના આદિવાસી વિસ્તારના 75000 આદિવાસી લોકો પીએમ મોદીનો વિરોધ કરશે, 72 ગામોમાં ચૂલો નઈ સળગે. 182 મીટર ઊંચી સરદાર પટેલ પ્રતિમાનું નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરશે અનાવરણ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રતિમાની આજુબાજુના ગામડાંના હજારો લોકો આ યોજનાનો જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.

182 મીટર ઊંચી સરદાર પટેલ પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ કરશે. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થાનિક આદિવાસી સંગઠનોએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિયોજનાથી પ્રભાવિત 75000 જેટલા આદિવાસી પ્રતિમાના અનાવરણ સમયે પીએમ મોદીનો વિરોધ કરશે.

કેમ થઈ રહ્યો છે વિરોધ?

આદિવાસીઓના વિરોધ નું કારણ તેમની છીનવી લેવાયેલી જમીન છે તથા આજુબાજુના વિસ્તારના 50 હજાર જેટલા લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે તે પણ એક મુદ્દો છે. 50 હજાર વૃક્ષો માં અમુક તો 100 થી 150 વર્ષ જુના વૃક્ષો પણ સામેલ છે.

જંગલો ફળ ફૂલ જમીન એ આદિવાસીઓ માટે જીવન નિર્વાહ કરવાનું એક માત્ર સાધન છે અને તેની આવી બેફામ રીતે કાપણી જોઈને આદિવાસીઓમાં રોષ ની લાગણી ફેલાઇ જવા પામી છે. આ બાબતે આદિવાસી સંગઠનો એક થયા છે અને સરકાર સામે બાંયો ચડાઈ છે.

આદિવાસી નેતા ડૉ. પ્રફુલ વસાવાએ કહ્યું એ દિવસે અમે શોક મનાવીશું અને 72 ગામડામાં કોઈના પણ ઘરે ચૂલો નઈ સળગે અને જમવાનું બનાવવામાં નઈ આવે. આ પરિયોજના અમારા સમાજ અને ગામ માટે વિનાશ છે. આદિવાસી રીત રિવાજ મુજબ ઘરમાં કોઈની મૃત્યુ થાય ત્યારે શોક માનવવા માટે ઘરે જમવાનું બનાવવામાં આવતું નથી.

એમણે જણાવ્યું કે, આદિવાસીઓના અધિકારોનું હનન થઈ રહ્યું છે. અમે ગુજરાતના સપૂત અને મહાન નેતા સરદાર પટેલનો વિરોધ નથી કરી રહ્યા, એમનું સમ્માન થવું જોઈએ, અમે તેના વિરોધમાં નથી પરંતુ સરકારનો વિકાસનો વિચાર એકતરફી છે અને આદિવાસીઓ વિરુદ્ધ છે.

આદિવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમની જમીનો સરદાર સરોવર નર્મદા પરિયોજના નજીક સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આજુબાજુમાં પ્રસ્તાવિત પર્યટન ક્ષેત્ર માટે સરકાર દ્વારા લઈ લેવામાં આવી છે.

વસાવાના જણાવ્યા મુજબ, અસહયોગ આંદોલનને પ્રદેશના લગભગ 100થી વધારે નાનામોટા આદિવાસી સંગઠનોનું સમર્થન છે. વિરોધ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા થી દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લા સુંધીનાં લગભગ 9 આદિવાસી જિલ્લા આંદોલનમાં ભાગ લેશે.

વધુમાં એમણે જણાવ્યું કે, 31 ઓક્ટોબરે બંધ ખાલી સ્કૂલ, કાર્યાલય કે પછી ઉદ્યોગ ધંધા કે વ્યવસાયિક સંસ્થાઓ સુંધી સીમિત નહીં રહે રંતુ ઘરે ચૂલો સળગવા સે નહીં અને જમવાનું ના બનાવીને પણ વિરોધ કરવામાં આવશે આમ ઘરે ઘર વિરોધ કરવામાં આવશે.

રાજપૂત સંગઠનો દ્વારા પણ કરાઈ માંગણી

બીજી તરફ રાજપૂત સંગઠનોએ પણ સરદાર પટેલ પ્રતિમા પાસે મ્યુઝિયમ બનાવવાની માંગણી કરી છે અને જણાવ્યું છે કે 562 રાજા રજવાડાઓના ઐતિહાસિક બલિદાનની ઝાંખી એ મ્યુઝિયમ માં સમાવવામાં આવે અને સરદાર સાથે સાથે 562 રાજા રજવાડાઓના બલિદાનને પણ યાદ કરવામાં આવે.

આમ અનાવરણ પહેલાજ માહોલ ગરમાયો છે અને વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી આવી રહી રહી છે દરેક મત એ નિર્ણાયક સાબિત થઈ શકે છે ત્યારે સરકાર આ વિરોધને ડામવા કોઈ અસરકારક પગલાં ભરે છે કે કેમ!?

ફોટો : વિજય રૂપાણી, મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, ટ્વિટર એકાઉન્ટ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!