પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને આપ્યું આવેદનપત્ર, પુર પીડિતોને તાત્કાલિક સહાય આપવા કર્યો અનુરોધ
ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ મુખ્યમંત્રીને આવેદન પત્ર આપીને ઝડપી કામગીરી કરીને અસરગ્રસ્તોને બનતી તમામ મદદ કરવા માટે જણાવ્યું છે તેમજ ખેડૂતોના દેવાં માફ કરીને તાત્કાલિક વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને આવેદન આપ્યું.
પરેશ ધાનાણી એ સીએમને આપ્યું આવેદન પત્ર
સૌરાષ્ટ્રના લગભગ તમામ ગામોના ખેડૂતોની જમીન ધોવાઇ ગઈ છે એમાં વધારે અસરગ્રસ્ત સુત્રાપાડા, તળાજા, રાજુલા-જાફરાબાદ, ગીર ગઢડા, ઉના અને કોડીનાર સહિતના દરીયાકાંઠાના જીલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોની હજારો એકર જમીનનું ધોવાણ થયું છે ત્યારે આ ખેડૂતોએ તેમની જમીન નવસાધ્ય, ખેતીલાયક બનાવવામાટે રાજ્ય સરકાર પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને તાત્કાલિક રાહત મદદ પહોંચાડે તેવી માંગ વિરોધપક્ષ નેતા પરેશ ધનાણી એ કરી છે. મુશળધાર વરસાદના કારણે પાક, ઘરવખરી, મકાન સહિતના નુક્શાનીનો તાત્કાલિક સર્વે કરાવીને વળતર ચૂકવવા અને સંપૂર્ણ દેવું માફ કરવાના પુનરોચ્ચાર સાથેનું આવેદન મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યું છે.
સરકાર સહાય કામગીરી કરવામાં રહી નિષ્ફળ
વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ વધુમાં જણાવ્યું કે, એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અસરગ્રસ્ત ગામ વાસીઓ પાસે કોઈ ભજપીનેતા કે કાર્યકર ફરકયા પણ નથી અને અસરગ્રસ્તોની ખબર લેવાની પણ તસ્દી લીધી નથી. અધૂરામાં પૂરું ટીડીઓ, મામલતદાર, ગ્રામસેવક અને તલાટી સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા નથી કે કોઈ મદદની ખાતરી આપી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દરેક ચોમાસા પહેલા આકસ્મિક કે કુદરતી આફતો સામે જાનમાલના રક્ષણ માટે કરોડોના ખર્ચે આયોજનો કરવામાં આવે છે, તેમ છતાં ગુજરાતમાં દર વર્ષે અતિવૃષ્ટિને કારણે હજારો લોકોને જાનમાલની નુકશાની વેઠવી પડે છે. તેમણે જણાવ્યું કે, જાફરાબાદ ઉના સહિતના જિલ્લાઓની જાત મુલાકાતમાં જનતાની કાળી મજૂરીથી કમાવેલ મિલકતની નુક્શાનીનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. અનિયમિત વરસાદને કારણે દેવાના બોજા નીચે દબાયેલા ખેડૂતોની પહેલી અને બીજી વાવણી નિષ્ફળ નીવડી હતી અને ત્રીજું વાવેતર, મોંઘા ખાતર અને પાક બિયારણોના ખર્ચ પછી અતિવૃષ્ટિથી ઉભોપાક ધોવાઈ ગયો અને ખેતીની જમીનોનું મોટા પ્રમાણ માં ધોવાણ થયું છે.
ખેડૂતોના દેવા માફ કરો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાનો હુંકાર
ઉલ્લેખનીય છે કે, હમણાં થોડાજ સમય પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોના દેવા માફ કરવા મુદ્દે સરકારને ઘેરી હતી અને જણાવ્યું હતું કે જો સરકાર ખેડૂતોના દેવાં માફ નઈ કરે તો ખેડૂતોના પડતર પ્રશ્ને આંદોલન કરવામાં આવશે જેવી ચીમકી ઉચ્ચારી હતી. અને સરકાર પર ખેડૂતોના દેવાં માફ કરવા માટે ભારે દબાણ લાવ્યા હતા. બંને યુવાનેતાઓ વારેતહેવારે ખેડૂતોના પ્રશ્ને સરકારને ભીંસમાં લેતા નજરે પડી રહ્યા છે.



