જંતર મંતર પરથી ફુંકાયું વિપક્ષી એકતાનું બિગુલ, વિપક્ષી નેતાઓએ કર્યા મોદી સરકાર પર પ્રહાર. જાણો કોણે શું કહ્યું
મુઝફ્ફરપુર કાંડના વિરોધમાં દેશભરના વિરોધ પક્ષના નેતા જંતર મંતર પર એકઠા થયા હતા
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર સમાજના તમામ નબળા વર્ગો પર હુમલો કરી રહી છે. મુઝફ્ફરપુર કાંડના વિરોધમાં જંતર મંતર પર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “એક તરફ આરએસએસ-ભાજપની વિચારધારા છે અને બીજી બાજુ દેશ છે.”
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે બિહારમાં સરકારના ભંડોળ દ્વારા ચલાવવામાં આવતાં એક બાલિકા ગૃહમાં 34 સગીર બાળાઓ સાથે થયેલા બળાત્કાર સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું અને મોદી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, “નરેન્દ્ર મોદી સરકારમાં સમાજના દરેક પછાત વર્ગો પર અત્યાચાર થઇ રહ્યા છે” રાહુલ ગાંધીએ જંતરમંતર પર તેમના સંક્ષિપ્ત સંબોધનમાં જનસમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, “એક તરફ બીજેપી-આરએસએસની વિચારધારા છે તો બીજી બાજુ દેશ.”
બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઇ નેતા ડી. રાજા અને જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવ સહિત અનેક પક્ષોના નેતાઓ સ્ટેજ પર હતાં.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “સમગ્ર વિરોધપક્ષ અહીંયા સંગઠિત છે. ભારત સંયુક્ત છે, જ્યારે બીજી તરફ ભાજપ અને આરએસએસ છે. તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઇ જશે. ભારત કહી રહ્યું છે કે, છેલ્લા ચાર વર્ષમાં જે બન્યું તે સારું થયું નથી. ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે ભારતીય લોકો તેમનું મન બનાવી લે છે તો તેમની સામે કોઈ ટકી શકતું નથી” રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દલિત અને સમાજના અન્ય નબળા વર્ગોના લોકો પર દેશમાં ખુલ્લેઆમ હુમલા થઇ રહ્યા છે.”
તેમણે કહ્યું કે, “તે સ્ત્રીઓ હોય, શ્રમજીવી હોય, આદિજાતિ હોય, ખેડૂત હોય, દલિત હોય કે લઘુમતી દરેક જાતી સમાજ પર હુમલાઓ થઇ રહ્યા છે પરંતુ અમે તેમને કહીએ છીએ કે અમે અહીં સંગઠિત ઊભા છીએ અને અમે તમારી સાથે છીએ, અમે દેશની મહિલાઓ સાથે છીએ.”
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ દ્વારા બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક આશ્રય ગૃહમાં ૩૪ બાળકીઓ સાથે થયેલા બળાત્કારના વિરોધમાં આ સંયુક્ત વિરોધ પ્રદશન અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજસ્વી એ જણાવ્યું હતું કે, “એક બિહારી તરીકે હું શરમ અનુભવું છું કે બિહારમાં સંપૂર્ણ અરાજક્તાનું વાતાવરણ છે તે ખુબજ પીડા દાયક અને દુ:ખ દાયક છે કે જેમને આશ્રયની જરૂર હતી તે સગીર બાળાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો.” આરજેડીના નેતા અને લાલુપ્રસાદ યાદવના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે “આ ઘૃણાજનક અપરાધ મહિલા અને પીડિતોની રક્ષા કરવામાં સરકારની નિષ્ફળતાના સંકેત આપે છે.”
તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે “બ્રજેશ ઠાકુર (મુખ્ય આરોપી) ૨૦૧૩ માં જેડીયુમાં જોડાયો હતો. નીતિશ કુમારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. ત્યાં સુંધી કે ખુદ મુખ્યમંત્રી બ્રજેશ ઠાકુરના ઘરે પણ જઈ આવ્યા છે. હું જનતાને કેહવા માંગું છું કે શું તમે એક એવા નેતાને પસંદ કરશો જે આ મુદ્દા પર ચુપ થઇને બેઠા છે? બિહારમાં રાક્ષસ રાજ આવી ગયું છે.”
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, “કેટલાક એનજીઓ દ્વારા આ બાબતે ચેતવણી આપવામાં આવી હતી કે આશ્રય ગૃહમાં કંઇક ગડબડ છે બાળકીઓ સલામત નથી છતાં પણ બિહાર સરકારે કોઈ પગલાં લીધાં નહોતા.” કેજરીવાલે જણાવ્યું હતું કે, “સગીર બાળકીઓ સાથે બળાત્કાર કરવામાં આવતો રહ્યો અને સરકાર પાસેથી ભંડોળ આવતું રહ્યું. જે લોકોએ મુખ્ય આરોપીને રક્ષણ આપ્યું એ લોકો સૌથી વધારે દોષિત છે. હું તેમને ચેતવવા માગું છું.”
તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદીએ જંતર મંતર પર હાજર રહીને જણાવ્યું હતું કે, “બળાત્કારની ઘટનાઓના સંદર્ભમાં ભારતનો પરિચય આપવામાં આવે છે તે ખુબજ શરમજનક છે.” સીતારામ યેચૂરીએ જણાવ્યું હતું કે, “ગુનેગારોને મૃત્યુ દંડ કરતાં અન્ય બીજો કોઈ ઈલાજ નથી. એમણે જણાવ્યું કે, “હવે સૂત્ર બદલાઈને બીજેપી થી બેટી બચાવો નું સૂત્ર થઇ ગયું છે. મેં આ પ્રકારની હેવાનિયત અને અમાનવીયતા આ પહેલાં ક્યારેય નથી જોઈ. આજે આપણે જે પ્રકારની સરમુખત્યારશાહી જોઈ રહ્યા છીએ, ભાજપના સંરક્ષણ વગર થઇ શકે નહિ. આપને આવા પ્રકારની પાર્ટીઓને કેન્દ્ર અને રાજ્ય માંથી હટાવવી પડશે આપનો દેશ કલંકિત થઇ રહ્યો છે.”
ડી. રાજાએ જણાવ્યું હતું કે, “મુઝફ્ફરપુરમાં સગીર બાળકીઓ સાથે દુષ્કર્મની ઘૃણાજનક ઘટના બાદ, નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ છોડી દેવું જોઈએ. તેમણે કહ્યું, “નિતીશ કુમારને આ પદ પર બન્યા રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા માંગું છું કે આપની બાળકીઓ સાથે આ શું થઇ રહ્યું છે? પ્રધાનમંત્રીએ નીતીશ કુમારને કડકમાં કડક પગલા ભરવા માટે કેહવું જોઈએ. આ એક શરમ છે, આ લડાઈ ન્યાયની છે, સીપીઆઈ બિહાર અને તેજસ્વી યાદવ સાથે છે.”
ઉલ્લેખનીય છે કે, જંતર મંતર ઘણાય રાજકીય ઉલટફેર અને રાજકીય ઘટનાઓનું શાક્ષી રહ્યું છે આ વિરોધ પ્રદર્શનના બહાને વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારની નીતિ રીતિઓ સામે રાજકીય કિલેબંધી કરી દીધી છે તેવો મેસેજ આપવાનો ઈરાદો તેમજ જનતાની દરેક સમસ્યા અને પ્રશ્નોને વિપક્ષ મોદી સરકાર સમક્ષ લઇ જશે જનતાના પ્રશ્નો માટે સરકાર સામે જનતા સાથે ઉભા રહીને જનતાના હકની લડાઈ પણ લડશે એવો સ્પષ્ટ સંદેશ વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને આપ્યો હતો.