
જાન્યુઆરીથી ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ જામ્યું છે. અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી એ ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરતાંની સાથે ચૂંટણીમાં રસાકસી થસેના એંધાણ જણાતા હતાં. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ જોશ પૂર્વક અને જબરદસ્ત પ્રચાર પ્રસાર શરૂ કરી દિધો હતો. સારું એવું મીડિયા કવરેજ પણ મળી રહ્યું હતું. પરંતુ ગુજરાતમાં બની રહેલી આ ઘટના બાબતે ભાજપ અને કોંગ્રેસમાં જરાક પણ હલચલ નોહતી. બંને પાર્ટીઓ જાણે છે કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ચાલી શકતો નથી. એટલે બંને પાર્ટીઓ આ બાબતે ચિંતા મુક્ત દેખાઈ રહી છે.

બીજી તરફ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ અને કોંગ્રેસ પહેલા ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓના ઉમેદવારો જાહેર કરી દીધા હતા અને પ્રચાર કરવા લાગી ગયા હતાં. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો બાબતે ઘણું એવું ઘમાસાણ થયું. બંને પાર્ટીના કાર્યકરોમાં એટલી નારાજગી હતી કે પોતાના કાર્યાલયનો ઘેરાઓ પણ કર્યો હતો એટલું જ નહીં બંને પાર્ટીના ધારાસભ્ય પણ નારાજ થયાં હતાં ભાજપના મધુશ્રીવાસ્તવ તો કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા નારાજ થયાં હતાં. પરંતુ અંતે ઘી ના ઠામમાં ઘી પડ્યું હતું.

પ્રદેશ હાઇકમાન્ડની એન્ટ્રી થતાંની સાથે જ બંને પાર્ટીમાં અસંતોષ ડામી શકાયો હતો. અસંતોષ શાંત થતાંની સાથે જ બંને પાર્ટીઓ હવે વિરોધીઓના ફોર્મ પાછા ખેંચાવા લાગી ગયા હતા. કોંગ્રેસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ ને કોંગ્રેસમાં જોડી દેવામાં આવ્યા હતા. મોરબીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી ઊંઘતી ઝડપાઇ. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા ગુજરાતની સ્થાનિક ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પાડવામાં આવ્યું હતું. મૂળ કોંગ્રેસી મહેશ રાજ્યગુરુ સહિતના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા.

સ્થાનિક ચૂંટણીમાં આપ માં મોટું ભંગાણ પડતાની સાથે કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ આવી ગયો છે. મોરબીમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીને ગંધ પણ ના આવે એવી રીતે ઓપરેશન કરી નાખ્યું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગુજરાતમાં આપ ને મજબૂત કરવા માટે દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકાર માં મંત્રી અને ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા દ્વારા અમદાવાદમાં રોડશો પણ કરવામાં આવ્યો હતો. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો રોડશો સફળ બનાવવા ગુજરાતની આમ આદમી પાર્ટી એ સખત મહેનત પણ કરી હતી.

તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આગામી સમયમાં દિલ્લીના દસ જેટલા નેતાઓ ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. પરંતુ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ નહીં કરે કારણ કે દિલ્લીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે પરંતુ ગુજરાતની જનતાને અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે. આમ ક્યાંકને ક્યાંક ગુજરાતમાં આપ ને બેઠી કરવા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તેમની પુરી કેબિનેટ ગુજરાતમાં લાગી ગઈ છે તેવું કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યું તે બાદ કોંગ્રેસ કાર્યકરોમાં જોશ પુરાયો છે. જો કે આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાનાર કાર્યકરો મૂળ કોંગ્રેસી હતાં જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા પરંતુ પ્રદેશ નેતાઓ દ્વારા જુના કોંગ્રેસીઓનો અસંતોષ દૂર કરીને તેમને મનાવી લેવામાં આવ્યા હતા અને પાછા કોંગ્રેસમાં જોડી દેવામાં આવ્યા હતા. જો કે મોરબી માટે આ મહત્વપૂર્ણ અને મોટી ઘટના કહી શકાય છે.