
ભારત દેશની છાપ વર્ષોથી એક પ્રેમાળ અને શાંતિપ્રિય દેશ તરીકેની છે. ભારત દેશમાં શરણ માંગવા ક્યારેય કોઈ પણ આવ્યું છે તો એ ખાલી હાથે પાછું ગયું નથી. આજ ભારતની મહાનતામાં ચાર ચાંદ લગાવે છે. ભારતમાં પડોસી દેશના પ્રધાનમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી પણ શરણાર્થી તરીકે રહે છે.

ભારત દેશ પાસે વર્ષો પહેલા તિબેટીયન લોકો મદદ માટે આવ્યા હતા અને ભારતે દિલ ખોલીને મદદ કરી હતી એજ ભારતની મહાનતા છે અને એટલે જ ભારતની વિશ્વમાં એક મહાન દેશ તરીકેની છાપ છે. અને એજ અમિટ છાપ આજે ભારતને મદદ કરી રહી છે. ભારત હંમેશા તેના પાડોશીઓ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ઈચ્છે છે અને હર સંભવ મદદ માટે તૈયાર રહે છે.

તિબેટ પર ચાઇના દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો હતો અને તિબેટીયન લોકો પર અત્યાચાર કરવામાં આવતા હતા ત્યારે લગભગ દોઢ લાખ જેટલા તિબેટીયન ભારતમાં શરણાર્થી બનીને આવ્યા હતા અને ભારતે તેઓને ખુલ્લા દિલે સ્વીકારી લીધા હતા. ભારતે પોતાની ઇકોનોમી ની ચિંતા કર્યા વગર તિબેટીયનોને સ્વીકાર કરીને આશરો આપ્યો હતો અને તેમના માટે હર સંભવ મદદ કરી હતી.

60 વર્ષ પહેલાં 1959 માં દલાઈ લામાના નેતૃત્વમાં દોઢ લાખ તિબેટીયન તિબેટ છોડીને ભારત આવી ગયા હતા અને આજે પણ તે પોતાના દેશ જઇ શક્યા નથી. પરિસ્થિતિ એવી છે કે, તિબેટીયન ભારતમાં રહીને નિર્વાસિત સરકાર ચલાવી રહ્યા છે. બીજી તરફ ચાઇના દ્વારા તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. જે બાબતે ભારત હસ્તક્ષેપ પણ કરી ચૂક્યું છે. દલાઈલામા વર્ષોથી ભારતમાં આશ્રિત તરીકે રહે છે.

લોબસાંગ સંગેય કેન્દ્રીય તિબેટીયન પ્રશાસનના પ્રધાનમંત્રી છે. સાંગેય તિબેટીયનની નિર્વાસિત સરકારના બીજા પ્રધાનમંત્રી છે જેમને તિબેટના રાજનૈતિક અને આધ્યાત્મિક નેતા દલાઈ લામાના રાજનીતિથી સન્યાસ લેવાની ઘોષણા કર્યા બાદ પ્રધાનમંત્રીના રૂપમાં પુરી દુનિયામાં ફેલાયેલા તિબેટીયન સમુદાય દ્વારા ચુંટી કાઢવામાં આવ્યા છે. જે સૌથી યુવાન અને ઉત્સાહી પણ છે એટલા માટે જનતા દ્વારા તેમને ફરી ચુંટી કાઢવામાં આવ્યા છે.

લોબસાંગ સંગેય 2011 માં પહેલીવાર નિર્વાસિત સરકારના પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ લગાતાર બીજીવાર 27 એપ્રિલ 2016 ના રોજ નિર્વાસિત સરકારના પ્રધાનમંત્રી ચુંટાઈ ગયા છે. લોબસાંગ એ યુવાન વયના પ્રધાનમંત્રી છે અને સતત બીજી વખત ચુંટાઈ આવ્યા છે તિબેટીયન જનતામાં તેમનું સારું એવું પ્રભુત્વ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. તેમજ લોબસાંગ દ્વારા પણ તિબેટીયન જનતા ના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે અને ચાઇના પાસે તિબેટ ને આઝાદ કરવાની માંગણી પણ કરી રહ્યા છે.

20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ હતો અને તેની પહેલા યુનાઇટેડ નેશન હાઈ કમિશન ફોર રેફ્યુજી તરફથી એક રિપોર્ટ જાહેર કરાવવામાં આવ્યો હતો જે રિપોર્ટ મુજબ 2018 માં યુદ્ધ અને હિંસા સમેત કેટલાય કારણોથી 7 કરોડથી વધારે લોકોને પોતાના ઘર છોડવા મજબુર થવું પડ્યું હતું અને તેઓને બીજા દેશમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ બાબતે ભારતે પણ ઘણા ઉતારચડાવ જોયા છે બાંગ્લાદેશીઓને પણ ભારતે શરણ આપી હતી.

આ રિપોર્ટ મુજબ આ આંકડો છેલ્લા 70 વર્ષમાં સૌથી વધારે છે. રિપોર્ટ મુજબ 70.8 મિલિયન એટલે કે 7 કરોડ 8 લાખ જેટલા લોકો મજબુરીમાં પોતાના ઘર છોડીને દૂર જવું પડ્યું. જોકે આ આંકડો વધારે પણ હોઈ શકે છે કારણકે, વેનેજુએલા તરફથી આ સંબંધમાં સ્પષ્ટ આંકડા આપ્યા નથી. માનવામાં આવે છે કે ત્યાં લગભગ 40 લાખ લોકો શરણાર્થીની જિંદગી જીવી રહ્યા છે.