
સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી નો માહોલ છે. અને ચારે બાજુ એક જ ચર્ચા છે કે ગદ્દાર જીતશે કે હારશે? કેટલીક જગ્યાએ તો એવા સૂત્રો પણ પ્રચલિત થયા છે કે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહીં. કેટલીય જગ્યાએ દલબદલુંઓનું ઈંડા વડે સ્વાગત પણ કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ કાર્યકરોમાં પક્ષપલટુંઓ ને ટિકિટ આપવા સામે સખત આક્રોશ છે અને કાર્યકરોમાં નિરાશા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર એક સભા દરમિયાન જુતું પણ ફેંકાયું હતું જે જનતામાં અસંતોષ અને સરકારની નીતિરીતિ સામે નારાજગી દર્શાવે છે. ગુજરાત ભાજપ મોવડી મંડળ સામે ભાજપ કાર્યકરોમાં જ ગુસ્સો છે.

ત્યારે હવે આ ગુસ્સો ચરમ સીમા પર છે. કોંગ્રેસ માંથી આવેલા ધારાસભ્યોને ટિકિટ આપવાના કારણે ગુજરાત ભાજપ કાર્યકરોમાં હતાશાનું વાતાવરણ છે. કાર્યકરોની અવગણના અને લાગણીનું અપમાન કરીને ભાજપે કોંગ્રેસના આયાતીઓ આગળ કર્યા જેનો આક્રોશ સમગ્ર પેટા ચૂંટણી દરમિયાન જોઈ શકાય છે. ગુજરાત ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ પુરવા માટે નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા શરૂઆતથી જ કહેવામાં આવતું હતું કે ભાજપ માં કોંગ્રેસના આયાતી નેતાઓને લેવામાં આવશે નહીં. અને પક્ષના સનિષ્ઠ કાર્યકરોને માન સમ્માન આપવામાં આવશે પરંતુ સીઆર પાટીલ ના આ આદેશને ભાજપ નેતાઓ ઘોળીને પી ગયા અને કોંગ્રેસ નેતાઓ ને જોડાવા લાગ્યા.

હવે આ ગુસ્સો આક્રોશ જગ જાહેર થવા લાગ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન ભાઈ પટેલ પર જુતું ફેંકવાની ઘટના એ ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ પહેલા ભાજપ ઉમેદવાર પાર ઈંડા ફેંકવની ઘટના બની હતી અને હવે નાયબ મુખ્યપ્રધાન પર જુતું. જુતું ફેંકાયાની ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જુતું ફેંકનાર કોંગ્રેસનો જ માણસ હશે. વધુમાં તેમણે કોંગ્રેસને ચેતવણી ધમકીના સ્વરૂપે આપી હતી કે મારા કાર્યકરો શાંત છે જો છૂટ આપવામાં આવશે તો ભારે પડી જશે. તેમણે કહ્યું હતું કે, જુતું ફેંકનાર ઝડપાઇ ગયો છે અને તપાસ ચાલી રહી છે.

પરંતુ હવે મુખ્યમંત્રી ખુદ જ ભોંઠા સાબીત થયા છે. જુતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર નહીં પરંતુ ભાજપ નો જ નેતા છે. નાયબ મુખ્યમંત્રી પર જુતુ ફેકવાના મામલે પોલિસે ધરપકડ કરેલ રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે જેને ભાજપે જ કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. આ ઉપરાંત પકડાયેલ રશ્મિનના પત્ની શિનોર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી દ્વારા જાણ્યા જોયા વગર કોંગ્રેસ પર આરોપ મૂકીને ખુદ જ ભરાઈ ગયા છે. હવે કોંગ્રેસ કાર્યકરો તેમની મઝા લઈ રહ્યા છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા મુખ્યમંત્રીના નિવેદનની ટીકા કરી હતી.

તો બીજી તરફ ચારેબાજુ ચર્ચા છે કે ગુજરાત ભાજપ માં જૂથવાદ વધી જાવા પામ્યો છે. ભાજપના જ જુથવાદના કારણે જુતુ ફેકાયુ હોવાની ચર્ચા ચારે બાજુ ગરમાવો લાવી રહી છે. તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાયબ મુખ્યમંત્રી પર જુતું ફેંકનાર રશ્મિન ભાજપના નારાજ જુથમા છે. તો આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા પણ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું અને ગુજરાત ભાજપ માં જુથવાદના કારણે, રૂપાણી સરકારની નિષ્ફળતાઓના કારણે નાયબ મુખ્યમંત્રી પર જુતું ફેંકવામાં આવ્યું. અમિત ચાવડાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.
ભાજપમાં ભાઈ vs ભાઉ ની લડાઈનો ભોગ બિચારા #નીતિનકાકા બની ગયા.
— Amit Chavda (@AmitChavdaINC) October 28, 2020
ભાજપમાં વર્ષોથી થી ખુરશીઓ સાફ કરતા ને પાથરણા પથરતા કાર્યકરોનો આક્રોશ જૂતા રૂપે કરજણમાં ફાટી નીકળ્યો,
ગુજરાતમાં બેન દિકરીઓ પર થતા બળાત્કારો, હત્યાઓ,ભુમાફિયાઓ,દારૂ જુગાર ધામો માટે ચુપ રહેનારા ,@vijayrupanibjp હવે બોલશે? https://t.co/lcawt2vEvI
કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ભાજપ પર નિશાન સાધતાં ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, “ભાજપમાં ભાઈ vs ભાઉ ની લડાઈનો ભોગ બિચારા નીતિનકાકા બની ગયા. ભાજપમાં વર્ષોથી ખુરશીઓ સાફ કરતા અને પાથરણા પથરતા કાર્યકરોનો આક્રોશ જૂતા રૂપે કરજણમાં ફાટી નીકળ્યો, ગુજરાતમાં બેન દિકરીઓ પર થતા બળાત્કારો, હત્યાઓ, ભુમાફિયાઓ, દારૂ જુગાર ધામો માટે ચુપ રહેનારા, વિજય રૂપાણી હવે બોલશે?” કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં આવતાં ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપમાં કોંગ્રેસના આયાતી નેતાઓ લાવવા ની બાબતે પહેલા પણ અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે ગજાગ્રહ હતો. પાટીલ ભાઉ ના પાડતા તો અન્ય નેતાઓ કોંગ્રેસ નેતાઓનું સ્વાગત કરતા અને ભાઉ ના આદેશનું ઉલ્લંઘન કરતાં હતાં. આ ઉપરાંત કેટલીક વાર જાહેરમાં પણ ભાજપ અધ્યક્ષે રૂપાણી સાહેબ આડકતરી રીતે સાંભળવી દીધું હોય તેવા કેટલાય પ્રસંગો છે. ગુજરાત ભાજપ માં સબ સલામતની વાતો માત્રને માત્રને પોકળ સાબિત થતી જઇ રહી છે. પેટા ચૂંટણીમાં ભાજપ આયાતી કોંગ્રેસ નેતાઓને ટિકિટ આપીને જનતાના અને પોતાના જ કાર્યકરોના રોષનો સામનો કરી રહી છે અને બીજી તરફ જુથવાદનો ઉકળતો ચરુ!