આરટીઆઈ – આદર્શ ગ્રામ યોજના હેઠળ ખુદ પ્રધાનમંત્રી મોદીના ગામ આદર્શ નથી!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ઢોલ નગારા વગાડીને પ્રચાર પ્રસાર કર્યો હતો તે યોજના અંતર્ગત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ગામ દત્તક લીધા હતાં અને તેમણે પોતાના આ ચાર દત્તક ગામોમાં સાંસદ ફંડ માંથી એક પૈસો પણ ખર્ચ્યો નથી. આ ખુલાસો એક આરટીઆઈ દ્વારા થયો છે.
આદર્શ ગામ યોજના હેઠળ વિકાસના કામો થયા નથી!!
પ્રધાનમંત્રી મોદીએ તેમના દરેક સાંસદોને ઓછામાં ઓછા એક ગામ દત્તક લેવાનો અને સાંસદ ફંડથી ગામડાઓમાં વિકાસના કામો કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે પોતે ચાર ગામોને દત્તક લીધા હતા. ઘણા ભાજપના સાંસદોએ આ મોડેલ વિલેજ યોજના હેઠળ ગામોને દત્તક લેવા માટે કોઈ ધ્યાન આપ્યું નોતું. અને ઘણાએ કોઈ પણ ગામ દત્તક લીધા નોતા. જે સંસદોએ વડાપ્રધાનને બતાવવા માટે ગામ દત્તક લીધા હતા તે ગામોની સ્થિતિ હજુ પણ પહેલાની જેમ ખરાબ જ છે.
રસપ્રદ વાત તો એ છે કે, જે ચાર ગામો વડાપ્રધાન મોદીએ પોતે દત્તક લીધા હતા તેમાં પણ સાંસદ ફંડ માંથી વિકાસના કામો માટે એક પૈસો પણ ખર્ચવામાં આવ્યો નથી. એટલે કે, પ્રધાનમંત્રીએ માત્ર દેખાડા ખાતર અને લોકોને છેતરવા માટે જ ગામ દત્તક લીધા હતા. આ વાતનો ઘટસ્ફોટ એક આરટીઆઈ ના જવાબમાં થયો છે જે આરટીઆઈ કનૌજના અનુજ વર્મા દ્વારા કરવામાં આવી હતી.
આરટીઆઈ માં શું પૂછવામાં આવ્યું હતું?
અનુજ વર્માએ આરટીઆઈમાં પૂછ્યું હતું કે, “વડાપ્રધાને કયા ગામોને, કઈ તારીખે દત્તક લીધા હતા અને એ ગામોમાં પ્રધાનમંત્રી સાંસદ ફંડથી વિકાસના કયા કામો કરવામાં આવ્યા છે?” આ આરટીઆઈના જવાબમાં વારાણસીના ગ્રામીણ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેકટરે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી મોદીએ જાયાપુર ગામને ૭ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ, નાગેપુર ગામને ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૧૬ ના રોજ, કાકાર્હિયા ગામને ૨૩ ઓક્ટોબર, ૨૦૧૭ ના રોજ અને ડોમરી ગામને ૬ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ દત્તક લીધા હતા.” બીજા સવાલના જવાબમાં ગ્રામીણ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેકટરે જણાવ્યું કે, “ઉપર જણાવેલા દત્તક લીધેલા ગામોમાં માનનીય પ્રધાનમંત્રી સાંસદ ફંડ માંથી કોઈ પણ વિકાસના કામો કરવામાં આવ્યા નથી.”

આ જવાબથી સ્પષ્ટ થાય છે કે, નરેન્દ્ર મોદીએ સાંસદ આદર્શ ગામ યોજનાનો ઢોલ નગારાથી પ્રચાર કર્યો હતો અને લોકોને વચન આપ્યું હતું કે ગામોનો શહેરોની જેમ વિકાસ કરવામાં આવશે એ માત્ર ખાલી એક પોકળ દાવો હતો અને માત્ર દેખાડો હતો. જો કે વડાપ્રધાન દ્વારા દત્તક લેવામાં આવેલા ગામોમાં કેટલાક વિકાસનાં કામો થયા છે, પરંતુ તે સરકારી યોજનાઓ દ્વારા અથવા તો કોર્પોરેટના સામાજિક જવાબદારી ભંડોળ દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે.
આરઆઇટી હેઠળ અનુજ વર્માને આપવામાં આવેલા આ જવાબની ફોટો કોપી, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. વિરોધ પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુદ્દા પર આકરી ટીકા કરવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષે પણ આજ આદર્શ ગામ યોજના હેઠળ ગામ દત્તક લીધા છે અને કેટલાય ગામોમાં આજ સાંસદોના સાંસદ ફંડમાંથી વિકાસના કામો થયા છે ત્યારે જો પ્રધાનમંત્રીએ જ શરુ કરેલી યોજના દ્વારા તેમણે દત્તક લીધેલા ગામોમાં વિકાસના કામો ના થવાથી વિપક્ષોને આ મુદ્દે સરકારને ઘેરવાનો વધુ એક મોકો મળી ગયો છે અને સરકારની પોલ ખુલ્લી પડી ગઈ છે.