રાહુલ ગાંધી એ આપ્યું નિવેદન
નેટફ્લિક્ષની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર ‘અપમાનજનક’ ભાષા અને સંવાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના પર કોંગ્રેસ મુખ્યાલય પર તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને કોંગ્રેસ કાર્યકરો દ્વારા આખા દેશ માંથી અનેક ફરિયાદો મળી રહી છે અને આ વિષે પગલા ભરવામાં આવે એવી લોક લાગણી કોંગ્રેસ કાર્યકરમાં ઉદ્ભવવા પામી છે, આવી ફરિયાદો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એ શનિવારે જણાવ્યું હતું કે, મારા પિતા સ્વ. રાજીવ ગાંધી અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માનતા હતા.
રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ટ્વિટ કર્યું હતું કે, તેમના પિતા અને ભૂતપૂર્વ પ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધી દેશ સેવા માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા હતા. કોઈ કાલ્પનિક શ્રેણી તે હકીકતને બદલી શકશે નહીં.
“ભાજપ/આરએસએસ માને છે કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા નિયંત્રિત હોવી જોઈએ. હું માનું છું કે આ સ્વતંત્રતા એક મૂળભૂત લોકશાહી અધિકાર છે. મારા પિતા ભારત દેશની સેવા માટે જીવ્યા અને મૃત્યુ પામ્યા હતા. કોઈપણ કાલ્પનિક વેબ સીરિઝના પાત્રોના મંતવ્યો તે હકીકત ક્યારેય બદલી શકશે નહિ.
હાઇકોર્ટ માં કરવામાં આવી અરજી
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના અપમાનનો આરોપ લગાવતા, ઓવર ધ ટોપ મિડિયા સર્વિસ પ્રોવાઇડર નેટફ્લીક્સની વેબ સીરીઝ, સેક્રેડ ગેમ્સમાંથી કેટલીક સામગ્રીને દૂર કરવાની માગણી બદલ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે એક અરજી દાખલ કરવામાં આવી હતી.
એક દિવસ પહેલાં, પશ્ચિમ બંગાળના એક કોંગ્રેસ કાર્યકર્તાએ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, નેટફ્લિક્સ અને સેક્રેડ ગેમ્સના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે આ વેબ સીરીઝ દ્વારા ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમના માટે અસભ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં નેટફ્લિક્ષ યુવાનોમાં વધારે લોકપ્રિય બની છે જેન પર નાની નાની ફિલ્મ તેમજ હિન્દી અંગ્રેજી સહિતની ફિલ્મો રીલીઝ કરવામાં આવે છે જ્યાં કોઈપણ પ્રકારના સેન્સર બોર્ડના સર્ટીફીકેટ લેવાની જરૂર નથી. “સેક્રેડ ગેમ” શ્રેણી લેખક વિક્રમ ચંદ્રની નવલકથા પર આધારીત છે જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ કર્યું છે.

