
મહારાષ્ટ્રમાં જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ ગરમાતુ જાય છે. મહારાષ્ટ્રમાં એક બાજુ શિવસેના અને ભાજપ વચ્ચે ટિકિટ માટે મથામણ છે ત્યારે હવે અમિત શાહે આપેલા નિવેદન બાબતે ભાજપ અને એનસીપી સામસામે આવી ગયા છે. અમિત શાહ ના નિવેદન બાદ શરદ પવારે બાંયો ચડાઈ દીધી છે અને અમિત શાહને અડફેટે લઈ ખરીખોટી સંભળાઈ દીધી છે જે બાદ ભાજપ દ્વારા પણ શરદ પવાર અંગે ટિકા ટિપ્પણીઓ કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ મામલે ભાજપ સામે અને એનસીપી સાથે છે.

અમિત શાહ આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ભાજપની મહાજનાદેશ યાત્રાને સંબોધિત કરી રહયા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે જો બીજી પાર્ટીઓના નેતાઓ માટે દરવાજા ખોલી નાખ્યા તો શરદ પવાર અને પૃથ્વીરાજ ચૌહાણ સિવાય તેમની પાર્ટીમાં કોઈ બચશે નહીં. શરદ પવારે મહારાષ્ટ્ર માટે શું કર્યું છે? જેવા સવાલો અમિત શાહે કર્યા હતા. અમિત શાહની આ વિવાદિત ટિપ્પણી બાદ કોંગ્રેસ અને એનસીપીમાં શાહના આ નિવેદન બાબતે વિરોધનો વંટોળ ઉઠી જવા પામ્યો હતો. આ બાબતે શરદ પવારે નિવેદન આપીને શાહને શાનમાં સમજવા જણાવ્યું હતું.

શાહના આ નિવેદન પર સૌથી પહેલા શરદ પવારે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભાજપના એક નેતા આવ્યા અને મને પૂછ્યું કે મેં મહારાષ્ટ્ર માટે શું કર્યું! પણ વાત એ ના કરવી જોઈએ કે મેં મહારાષ્ટ્ર માટે શું કર્યું અને શું ના કર્યું. પરંતુ વાત એની પર થવી જોઈએ કે હું ક્યારેય જેલ નથી ગયો. શરદ પવારે જણાવ્યું કે, જે વ્યક્તિ મહિનાઓ સુંધી જેલમાં રહ્યા હોય એ પૂછે છે કે મેં મહારાષ્ટ્ર માટે શું કર્યું!! વધુમાં પવારે રોકડું પરખાવતા જણાવ્યું કે અમિત શાહે આ બાબતે ચિંતા ના કરવી જોઈએ કારણકે મહારાષ્ટ્રના લોકો જાણે છે કે મેં લોકો માટે શું કર્યું છે.

અમિત શાહ દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન પર શરદ પવાર દ્વારા અમિત શાહ પર મોટો હુમલો કરતાં કહ્યું હતું કે, જે ખુદ જેલ જઈ આવ્યા છે એમણે મારી ઉપલબ્ધીઓ ઉપર સવાલ ઉઠાવવાના જોઈએ. જણાવી દઈએ કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહની વર્ષ 2010માં સીબીઆઈએ ફેક એન્કાઉન્ટરમાં ધરપકડ કરી હતી જેને લઈને શરદ પવારે અમિત શાહ ઉપર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પહેલા કાર્યકર્તાઓને સંબોધિત કરતાં એનસીપી પ્રમુખે કહ્યું હતું કે, મેં શું કર્યું છે તેને લઈને ભાજપના એક નેતા સવાલ કરી રહ્યા છે હું તેમને કહેવા માંગીશ કે શરદ પવાર ક્યારેય જેલ નથી ગયા, તેમણે જે કાંઈ પણ સાચું કે ખોટું કર્યું હોય.

ઉલ્લેખનીય છે કે, આજ મહિનામાં એક રેલીને સંબોધતા અમિત શાહે શરદ પવાર પર નિશાન સાધતા તેમને પૂછ્યું હતું કે તેઓએ મહારાષ્ટ્ર માટે શું કર્યું છે? શરદ પવારે અમિત શાહને રોકડું પરખાવતાં જણાવ્યું હતું કે, મહિનાઓ ના મહિનાઓ જે લોકો જેલમાં વિતાવી ચુક્યા છે એ મને સવાલ કરે છે કે મેં શું કર્યું!? કેન્દ્રીય કૃષિમંત્રી તરીકે મેં ખેડૂતોના દેવા માફી માટે 75000 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત શરદ પવારે પાર્ટી છોડનારા નેતાઓ પાર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, જે લોકોએ પાર્ટી છોડી છે તે લોકો આગામી વિધાનસભા ચુંટણીમાં પોતાનું રાજનૈતિક અસ્તિત્વ ખોઈ બેસશે અને ઇતિહાસ બની જશે. જે નેતાઓ સત્તા માટે પોતાનું આત્મસમ્માન વેચી નાખે છે તેવા લોકોને જનતા તેમની અસલી જગ્યા બતાવશે.