
પાટીદાર નેતા હાર્દિક પટેલને મળી રહ્યું છે દેશના ખૂણે ખૂણેથી જનસમર્થ દેશના ટોચના નેતાઓથી માંડીને સંતો મહંતો લઇ રહ્યા છે મુલાકાત
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને યુવા ક્રાંતિકારી હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ભાજપ સરકાર સમક્ષ પાટીદાર સહીત સવર્ણ સમાજને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. તેમાં છેલ્લા ત્રણ દિવસોમાં તો પાણીનો પણ ત્યાગ કર્યો હતો.
હાર્દિક પટેલ પાણી લેવાનું બંધ કરતાં તેની શારીરિક પરિસ્થિતિ વધુને વધુ બગડતી જઈ રહી હતી, તે જાણીને ગઢડા સ્વામીનારાયણ મંદિરના સંત એસ.પી. સ્વામીએ સાધુ સંતો સાથે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી અને સ્વામીજી અને સાધુ સંતોની સમજાવટ બાદ અને એસપી સ્વામીજીના માન માં હાર્દિક પટેલે એમનાજ હાથે જળ ગ્રહણ કર્યું હતું. બે દિવસ બાદ હાર્દિકની તબિયત વધુ લથડતા સરકાર ગંભીર બની હતી અને સરકારના પેટમાં તેલ રેડાતા સરકારે બળજબરી પૂર્વક હાર્દિકના સમર્થકોને ખસડીને હાર્દિક પટેલને તાત્કાલીક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજકીય નેતા સહિત સંત મહંતોનું સમર્થન
હાર્દિક પટેલને યુપી બિહાર બંગાળ જેવા રાજ્યોના રાજકીય નેતાઓ સમર્થન આપી ચુક્યા છે તેમજ આ પાટીદાર યુવા ક્રાંતિકારીને મળવા માટે શત્રુઘ્ન સિંહા, યશવંત સિંહા જેવા રાજકીય નેતા આવી ચુક્યા હતા તેમજ રોજે રોજ કોઈને કોઈ રાજકીય નેતા સહિત સંત મહંત આવતા રહેતા હતા. હાર્દિક પટેલને સોલા સિવિલમાં ખસેડાયા બાદ સ્વામી અગ્નિવેશ તેમજ આચાર્ય પ્રમોદ સ્વામી પણ હાર્દિકની ખબર અંતર મેળવા માટે સોલા સિવિલ પહોંચ્યા હતા. તેમજ હાર્દિક પટેલે શરદ યાદવ જેવા દિગ્ગજ નેતાના હાથે પારણાં કર્યા હતા. હાર્દિકની ખબર અંતર જાણવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજા જે દક્ષીણના દિગ્ગજ રાજનેતા માંથી એક છે તે પણ આવી ચુક્યા છે આમ હાર્દિકને દિવસે ને દિવસે જનતાનો તેમજ દેશના રાજકીય નેતાઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે.
રાહુલ ગાંધી હાર્દિકની મુલાકાતે
આ ઉપરાંત રાજકીય ગલીયારોમાં ખબર પ્રસરી રહી છે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આગામી બે દિવસ માં હાર્દિક પટેલની મૂલાકાત લઇ શકે તેમ છે. તે માટે ગ્રીનવુડ રિસોર્ટ સહિત ઉપવાસ છાવણીએ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, હાર્દિકે ફેબ્રુઆરીમાં એક નિવેદન માં જણાવ્યું હતુંકે વ્યક્તિગત રીતે હું રાહુલ ગાંધીને પસંદ કરું છું તે સારા વ્યક્તિ છે.