રાહુલ ગાંધીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું!
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોના ૩૪૦૦૦ કરોડના દેવા માફ અને ૨૫૦૦૦ની સહાય કરતી કર્ણાટક સરકાર

હા કર્નાટક ઈલેક્શન વખતે રાહુલ ગાંધીએ કર્ણાટકની જનતાને વચન આપ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર ફરીથી કર્ણાટકમાં બનશે તો અમે ખેડૂતોના દેવા માફ કરશું અને ગઈ કાલે જયારે કર્ણાટકની કોંગ્રેસ – જેડીએસ ગઢબંધન સરકારનું પ્રથમ બજેટ રજુ થયું હતું તેમાં મુખ્ય મુદ્દામાં કર્ણાટકના ખેડૂતોના દેવા માફીનો મુદ્દો હતો. જેમાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને જેડીએસે પોતપોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ખેડૂતોના દેવા માફીનો મુદ્દો મુખ્ય બનાવીને જાહેરાત કરી હતી.

આમતો કર્ણાટક સરકારના બજેટમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો મુખ્ય હતો પણ તેની સાથે બજેટમાં બેલગાવી, ક્લબુર્ગી, મૈસુર જેવા મુખ્ય શહેરોમાં સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત સાથે સાથે અન્ય જીલ્લાઓમાં પણ મોટી હોસ્પિટલ શરુ કરી પ્રાથમિક સેવાઓના વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ગરીબમાં ગરીબ પણ નજીવી કિંમતે આરોગ્યની સેવાઓનો લાભ મેળવી શકે અને ભારતના બંધારણે આપેલા બંધારણીય હક ભોગવી શકે.

રાજ્યના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી એ જણાવ્યું કે, “અમે ખેડૂતોના ૩૪૦૦૦ કરોડના દેવા માફીનો પ્રસ્તાવ મુકીએ છીએ, દરેક ખેડૂત પરિવાર દીઠ રૂપિયા ૨ લાખ ના દેવા માફ કરવામાં આવશે. અને જે ખેડૂત ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ સુંધીલોન ભરી નથી શક્યા તેમની લોન માફ કરવામાં આવશે અને જે ખેડૂતોએ સમય મર્યાદામાં લોન ભરી દીધી છે તેમને પ્રોત્સાહન રૂપે રૂપિયા ૨૫૦૦૦ની સહાય કરવામાં આવશે.”
પ્રાથમિક શિક્ષણ ને આપ્યું મહત્વ
આ ઉપરાંત કર્ણાટક સરકારે પ્રાથમિક શિક્ષણને મહત્વ આપવા માટે અને શિક્ષણનું પ્રમાણ વધારવા માટે પ્રાઈમરી સ્કુલમાં કન્નડ માધ્યમ સાથે જ સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ શરુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી અને તે માટે આવી ૧ હજાર શાળાઓ ખોલવામાં આવશે જેથી કરીને ગરીબ મધ્યમવર્ગ ના બાળકો ભણી શકે અને શિક્ષણનું સ્તર સુધરી શકે.
દેવું માફ તો દારૂ પર ટેક્ષ
કર્ણાટક સરકારે પોતાના બજેટમાં ભારતીય દારુ પર ૪ ટકા ટેક્સ વધારાયો છે. જેનાથી સરકારને અંદાજીત રૂપિયા ૧ હજાર કરોડ જેટલી આવક થશે. આ ઉપરાંત અગાઉની કોંગ્રેસ સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓ તો ચાલુ રહેશે તેમ જણાવ્યુ હતું. જેમ કે ઇન્દિરા કેન્ટીન, અન્ન ભાગ્ય જેવી ગરીબ અને માધ્યમ વર્ગ ને જોડતી અનેક જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે અને તેની સુવિધામાં વધારો કરાશે. સીએમની દેવામાફીની જાહેરાતથી અંદાજે ૨૫ હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે. ખેડૂતોના કુલ ૩૪ હજાર કરોડના દેવા માફ થશે જેથી જગતના તાતને ફરી અન્ન ઉગાડવાની સહાય તેમજ પ્રોત્સાહન મળશે. આમ કર્ણાટક સરકારનું બજેટ જનકલ્યાણકારી રહ્યું છે તેમજ બજેટમાં મુખ્યત્વે ખેડૂતો અને શિક્ષણ જેવા મુદ્દા પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ખાસ ખેડૂતોના દેવા માફી પર ધ્યાન આપ્યું હતું અને સૌથી પહેલા ખેડૂતોના દેવામાફીનું વચન પાળવાનો આગ્રહ કર્ણાટક સરકાર પાસે રાખ્યો હતો. જેના સંકેતો પણ બુધવારે રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કરીને આપ્યા હતા.




