
લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ પક્ષની 2014 બાદ 2019માં ફરી હાર થઈ છે અને હારની તમામ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ સ્વીકારીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના નિર્ણય પર અડગ છે કોંગ્રેસ વર્કિંગ કમિટી નવા અધ્યક્ષ શોધવાની પ્રક્રિયા ચાલુ કરે.

આ બાદ રાહુલ ગાંધી દ્વારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર અને ફેસબુક પર પોતાનું રાજીનામુ અને કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત પત્ર પણ મુક્યો હતો જે બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી હરકતમાં આવી ગઈ છે. રાહુલ ગાંધીના રાજીનામાં બાદ લગભગ 200 કરતાં વધારે નેતાઓના રાજીનામાં આખાય દેશમાં આવ્યા હતા અને હજુ રાજીનામાં પાડવાનો સિલસિલો ચાલુ જ છે. હરીશ રાવત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી મંત્રી અને એઆઇસીસી જનરલ સેક્રેટરીએ પણ પોતાનું રાજીનામુ આપી દીધુ છે.

રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામાં બાદ તેમના પછી કોણ!? તેના નામની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં સચિન પાઇલોટ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખરગે અને શુશીલ કુમાર શિંદે જેવા મોટા ગજાના નેતાઓના નામો પણ ચર્ચામાં છે. પરંતુ હાલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થાય અને તેમાં જે નામ પસંદગી થઈને આવે અથવા તો ચુંટણી પ્રક્રિયા થાય પછી જ નામ ફાઇનલ થશે.

આ બાબતે કોંગ્રેસ મુખ્યલાય તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 10 જુલાઈ ના રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ શકે છે અને તે જ બેઠક માં કોંગ્રેસ અધ્યક્ષ કોણ ના નામની ચર્ચા અથવાતો કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. સોનિયા ગાંધી દ્વારા પણ સિનિયર નેતાઓને આ બાબતે તૈયારી કરવા જણાવી દીધું છે.

ગઈ કાલે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર માં હતાં ગોડસે પરના નિવેદન બાબતે મહારાષ્ટ્રની કોર્ટમાં હાજરી આપી હતી બહાર પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે લડ્યો એના કરતાં દસ ગણી વધારે અગ્રેસીવતાથી લડીશ ને લડતો રહીશ. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં માત્ર રાહુલ ગાંધી હાજરી પુરાવવા માટે ગયા હતા કોઈ નિવેદન કે લેખિત રજુ કરવાનું નોહતું.

કોંગ્રેસ મુખ્યલાય તરફથી મળતાં સમાચાર મુજબ સોનીયા ગાંધી દ્વારા પણ કોંગ્રેસના સિનિયર નેતાઓને સ્પષ્ટ કહી દીધું કે તમે લોકો જ નવા અધ્યક્ષની ચુંટણીને આખરી ઓપ આપો અને નવા અધ્યક્ષની વરણી કરો. આ પહેલા રાહુલ ગાંધી પણ કહી ચુક્યા છે કે ગાંધી પરિવાર ના કોઈ સદસ્ય કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણીમાં દખલ નહીં કરે કોંગ્રેસના સિનિયર નેતાઓના હાથમાં સંપૂર્ણ સત્તા છે.

જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહી શકે છે. હાલ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર બાદ 6 તારીખે બિહારના પટના જશે અને કાર્યકરો સાથે વાર્તાલાભ કરશે તેમની પાસેથી હાર માટેના કારણો પરિબળો જાણવાનો પ્રયત્ન કરશે ત્યારબાદ 9 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં હાર બાદ રાહુલ ગાંધી પહેલીવાર ગુજરાત આવશે અને કાર્યકરોને મળીને હાર બાબતે મનોમંથન કરશે અને આગળની રણનીતિ ઘડસે. કેહવાઈ રહ્યું છે કોંગ્રેસ અધ્યક્ષની ચુંટણી પૂર્ણ થયા બાદ નવા અધ્યક્ષ ચુંટાઈ ગયા બાદ રાહુલ ગાંધી ભારત યાત્રા પર જઈ શકે છે અને સીધા કાર્યકરોના સંપર્કમાં રહેશે.